વલસાડ : વિશ્વ (world)આદિવાસી ((Aadivasi Day)દિનના આગલા દિવસે જ કપરાડા (Karpada) તાલુકાના માજી ધારાસભ્ય અને માજી તા.પં.પ્રમુખના ગામ વારોલી તલાટના ભવાનપાડા ફળિયામાં રસ્તા(Rods) અને પાણીની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ ગયેલા તંત્ર અને રાજકીય પ્રતિનિધિઓને જગાડવા સ્થાનિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી, કપરાડાના ધારાસભ્ય અને મંત્રી, ડીડીઓને મોકલનાર આવેદનપત્ર કલેક્ટર વલસાડને પાઠવ્યું હતું. જો સમસ્યાનો હલ નહીં થશે તો આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે.
બાળકોને જવા આવવા માટે રસ્તાની સુવિધા નથી
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વારોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધા મળી નથી, જેની લંબાઇ આશરે ચાર કિ.મી. છે. ભવાનપાડા ફળિયાની વસ્તી ૬૧૮ જેટલી છે.જેમાં એક આંગણવાડીની સુવિધા આવેલી છે. તથા પ્રાથમિક શાળા છે. જોકે બાળકોને જવા આવવા માટે રસ્તાની સુવિધા નથી. તેમ જ સ્મશાનભૂમિની સુવિધા પણ નથી. હાલ જે જગ્યા સ્મશાનભૂમિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે,
ત્યાં પણ જવા માટે રસ્તાની સુવિધા નથી. જેથી પગદંડી રસ્તે જવુ પડે છે. કામ-ધંધા તથા રોજગારીનાં અર્થે ગામથી બહાર મુખ્ય માર્ગ ઉપર જવા-આવવા પાકોરસ્તાની સુવિધા નથી. જેથી કાચા પગદંડી રસ્તે જવું પડે છે અને મોટર સાઇકલ કે સાઇકલ પણ બીજાના ઘરે મુકીને આવવું પડે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ બિમાર પડે તો તેવા સમયે ૧૦૮ એમ્બુલેન્સ પણ આવતી નથી. જેથી રોડ સુધી બિમાર વ્યક્તિને લાકડાની ઝોળીમાં ઉચકીને લઈ જવુ પડે છે. અહીથી પસાર થતી ખાડીમાં પાણી હોઈ તો પણ જીવના જોખમે આવાગમન કરવું પડે છે. પ્રાથમિક સુવિધાઓની માંગ જો નહી પુરી થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવો ઉલ્લેખ પણ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે.