Gujarat

અમદાવાદના વેજલપુરની મર્ડર મિસ્ટ્રી: સેન્ટ્રલ IBના ઇન્સ્પેક્ટરે જ કરાવી હતી પત્નીની હત્યા

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં એક મહિલાની કોહવાયેલી લાશનો (Dead Body) ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. મહિલાની હત્યા તેના જ પૂર્વ પતિના ઈશારે થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીનો પૂર્વ પતિ સેન્ટ્રલ આઈબી (Central IB)માં ફરજ બજાવતો અધિકારી છે. પહેલાં તો આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી હતી. પણ પોલીસને (Police) હવે એવી માહિતી મળી હતી કે મહિલાની હત્યા (Murder) થઈ છે. હત્યા પાછળ મહિલાના પતિનો જ હાથ હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. પત્નીને મારવા તેણે સોપારી આપી હતી અને તેની હત્યા કરાયા બાદ તેની લાશ ઘરમાં મૂકી દીધી હતી. સેન્ટ્રલ આઈબીના પીઆઈએ હત્યા કરાવી હોવાનું એક સીસીટીવી ફૂટેજના કારણે બહાર આવ્યું છે. જેની પોલીસે શોધખોળ હાથ ઘરી છે. આ મામલે હાલ પોલીસે એક વ્યક્તિને પકડી પાડ્યો છે. મહિલાના પતિને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતરમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રીનંદનગર વિભાગ-2 એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. તપાસ કરતા ઝોન 7 એલસીબીની ટીમે તેલંગણા પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી ખલિલુદ્દીન સૈયદની ધરપકડ બાદ હકીકત સામે આવી કે આરોપીની સાથે આ હત્યામાં અન્ય બે લોકોની સંડોવણી છે. મહિલાનો પૂર્વ પતિ રાધાકૃષ્ણ મધુકર બુધેલા કે જે સેન્ટ્ર્લ આઈબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે તેના ઈશારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

પ્રાથમિક તબક્કે આ હત્યાનું કારણ સામે આવ્યું
મૃતક મનીષા અને તેના પતિ વચ્ચે છૂટાછેડા થયા હતા અને તેઓનો ભરણ પોષણનો કેસ ચાલતો હતો. જે કેસમાં કોર્ટે પીઆઈને 30 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જેથી કંટાળી પીઆઈએ પોતાના મિત્ર ખલિલુદ્દીન સૈયદને વાત કરી હતી. જેના આધારે ખલિલુદ્દીન પોતાના બે મિત્રોને હત્યાના 10 દિવસ પહેલા અમદાવાદ લાવ્યો હતો અને સમગ્ર ઘટનાનું પૂર્વાયોજન કર્યું હતું. તેઓ 19 જુલાઈના રોજ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનામાં વાપરવામાં આવેલા વાહનના નંબર પરથી આરોપીને દબોચી લીધી હતો. ખલિલે હત્યા માટે સતીષ નામના વ્યક્તિને 15 હજાર રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે. હજી પોલીસ દ્વારા આરોપી પતિ અને અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવાની બાકી છે.

મળતી માહિતી મુજબ મનિષાના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે. તેણે જ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલુદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાની સોપારી આપી હતી. હાલ તો હત્યા અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી હાલ એક આરોપી ખલિલ તેલંગાણાથી પકડાયો છે. જ્યારે આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને હત્યામાં સંડોવાયેલા સતીશ અને જાવેદ નામના બંને શખસોને પોલીસ શોધી રહી છે.

Most Popular

To Top