ગીત આપણા ભાવવિશ્વને સહુથી વધુ સ્પર્શતું હોય છે. કુદરતે ધ્વનિના સંદર્ભો યોજી એક (એવું) પ્રબળ માધ્યમ આપણને સુલભ કરી આપ્યું છે! વળી મનુષ્યની કલ્પનાશકિત અને સર્જનશકિત તેને અવનવા ઓપ આપી સુંદરતમ રચનાઓ કરવા પ્રેરે છે. આપણને સૌને સદીઓથી એ વારસારૂપે સાંપડયું છે. વિવિધ પ્રકાર અને વિવિધ સ્તરોનાં સંગીત સ્વરૂપો આપણને અને સમાજને ઉન્નત કરતાં જ રહ્યાં છે. સંગીત એ રીતે રંજન ઉપરાંત કુદરત સાથે યોગ સાધી આપે છે અને એમ પૂર્ણતાનો અનુભવ કરાવે છે. જો કે કળાકાર અને શ્રોતા બન્ને સજજતા ઉપર આ બાબત અવલંબિત (નિર્ભર) છે!
કળાકારના પક્ષે, તેની પોતાની ખૂબીઓ અને સાંગિતીક વિચક્ષણતા શ્રોતાને એ મોહક માયામાં વિહરવાની મનોરમ તક આપે છે. પરેશ ભટ્ટ આવા જ એ કળાકાર; આપણી સ્મૃતિમાં હજી એમ ને એમ વસી રહ્યા છે. લગભગ 40 વર્ષના અંતરાલ પછી પણ એમના સંગીતની પ્રગલ્ભતા (ખૂબીઓ) અને તાજગી એમના એમ છે, એ જ આ કળાકારની વિશેષતાઓ છે. આજે માંડીને વાત કરીએ પરેશ ભટ્ટની – એમના વિશિષ્ટ સંગીત સંયોજનોની તેમ જ એમના ગયા પછી એ જયોતને જાળવવામાં પ્રવૃત્ત સંગીત આયોજનોની…. ‘પરેશ સ્મૃતિ’ અભિયાનની….
રઘુવીર ચૌધરીના શબ્દો ટાંકું તો, ‘પરેશની સાર્થકતા એ છે કે સહૃદયોએ એના કાર્યમાં પોતાનો વારસો જોયો. એનું અધૂરું કાર્ય આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો.’ આપને જણાવું કે આવા’જ વિચારે અમે ‘પરેશ સ્મૃતિ’નો સંકલ્પ કરેલો અને આજ દિન સુધી નિભાવી શકયા છીએ. પરેશભાઇનાં સ્વર સંયોજનોની વાત કરીએ તો સૌ પ્રથમ એ આવે કે કંઇક જુદા જ પ્રકારના Compositions! આમ તો દરેક સર્જકની કૃતિઓ બીજાં સર્જકોની કૃતિઓથી ભિન્ન હોવાની – અને તે જ એની ઓળખ પણ બને પરંતુ જયારે મહદ અંશે પ્રવર્તમાન લક્ષણોથી ઘણા ભિન્ન લક્ષણોવાળી રચનાઓ મળે ત્યારે એ વધુ રસપ્રદ અને મોહક હોય છે.
જો કે, છેલ્લાં ઘણાં વર્ષોને જોઇએ તો ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે પદ્મશ્રી પુરૂષોત્તમભાઇ તેમ જ શ્રી અવિનાશભાઇ, નીનુભાઇ, ક્ષેમુભાઇ, ગૌરાંગભાઇ વગેરે Composers ની લઢણ ઘણા બધા સ્વરકારોમાં છતી થાય. પરેશભાઇની રચનાઓમાં આ લક્ષણ તો ખરા જ પણ તે ઉપરાંત એક વિશેષ સ્વરાવલિઓ જોવા મળે. જેમાં બંગાળનું સંગીત, સૂફી સંગીત, સૌરાષ્ટ્રની ઢબ અને પાશ્ચાત્ય (Western) સંગીતની અસરો વરતાય. ઘણી રચનાઓમાં તો આમાંની એક-બે છેક ઉપર તરી આવતી સંભળાય! આ બધા પ્રકારનાં સંગીતના સાંનિધ્યને કારણે એમાં ભિન્ન ભિન્ન પ્રકારના સ્વર કાકુ, Voice Modulations, Falsato Singing તેમજ Obbligato તેમ જ Relative cords… આ બધુ સુપેરે દૃષ્ટિગોચર થાય. તેથી જ પરેશભાઇના સ્વરાંકનો એ પ્રકારની ગાયન શૈલી પકડી શકનાર ગાયકો જ વધુ સફળતાપૂર્વક નિભાવી શકે છે! જો કે, એ સ્વરાંકનો બીજી રીતે ગવાય તો પણ એનું નૂર બતાવી જાણે છે…!
કવિતાની પસંદગી, તેનો અર્થ અને મર્મ પણ પકડીને સંગીતમાં ઢાળી બતાવે છે આ સ્વરકાર અને એમ કવિએ કલ્પેલું ભાવજગત સંગીતની પીંછીઓથી સર્જીને રંગી બતાવે છે. બાળગીતોથી લઇને આધ્યાત્મિક તેમજ સૂફી સંગીત સુધીનાં પાસાંઓનું પરેશભાઇને સહજ સાયુજય હતું એમ ચોખ્ખું જણાય છે. કવિઓ અને અન્ય કલામર્મજ્ઞો, ગુણીજનો અને સંવેદનશીલ કલાકારો સાથેનો એમનો નાતો આવા સ્વરાંકનો કરવા ફળ્યો છે. અમને અમારી સંગીતયાત્રામાં પણ આ જ સમીકરણે ખૂબ લાભ અને સમજણ બક્ષ્યાં છે. હવે વાત ‘પરેશ સ્મૃતિ’ અભિયાનની… પરેશભાઇના નિર્વાણ પછીના 1 જ મહિનામાં એટલે કે ઓગષ્ટ 1983 માં જ વડોદરામાં આની શરૂઆત થઇ ગઇ.
મ્યુઝિક કોલેજનાં Concert hall માં કરેલા એ કાર્યક્રમથી અમે એટલે કે ‘રે મ પ ની’ રવિન નાયક અને વૃંદે આ સિલસિલો ચાલુ કર્યો – જે આજપર્યંત જુવાનજોધ છે. શરૂઆતનાં વર્ષોમાં પરેશભાઇના સ્વરાંકનો ગાઇને પરેશ સ્મૃતિ કાર્યક્રમ કરતા પણ પછી પુનરાવર્તનની મુંઝવણમાંથી નીકળવા, પરેશભાઇ પણ જેમને ગુરુ માનતા એવા ગુરુજી પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના તદ્ઉપરાંત અન્ય જાણીતા સમૃધ્ધ સ્વરકારોના સ્વર સંયોજનો અમે પરેશ સ્મૃતિમાં રજૂ કરતા થયા. પરેશભાઇના ઘણા Composition, જે તેઓ Solo (વ્યકિતગત ગાન) રૂપે ગાતા – એને વૃંદગાનમાં પરિવર્તિત કરવા જરૂરી આલાપ અને Choir ના Counters બનાવીને તે પણ રજૂ કરી આનંદ અને સંતોષ પામ્યા. અને પછી અંતે એમણે પ્રગટાવેલી મશાલને માંજીને પ્રજવલિત રાખવા નવા સ્વર સંયોજનો કરી જોયા એમનાં ખેડેલા ચીલે ચાલીને…! શ્રોતાઓ, ગાયકો અને ગુણીજનોને એ ગમ્યા. શુભેચ્છકો અને પ્રબુધ્ધ લોકોએ અમને પોરસાવ્યા અને એટલે વધુ ને વધુ સર્જનાત્મકતાને પોષી જોતજોતામાં લ્યો અમે 40મા મુકામે આવી પહોંચ્યા. આ વર્ષે, ‘પરેશ સ્મૃતિ-40’ રૂપે….
આ દરેક PS કાર્યક્રમોમાં વધુ ને વધુ ગાયનોત્સુક મિત્રો જોડાઇ શકે – વધુ શીખી શકે – વધુ ગાઇ શકે એ હેતુ 1983ના કાર્યક્રમથી જ સેવેલો. તેથી જ વૃંદગાનોનો સિલસિલો અને તેથી જ દરેક PS કાર્યક્રમોમાં લગભગ 40-50 ગાયકો રજૂઆત કરે વૃંદગાન સ્વરૂપે…. ઉપનિષદકારનું માનીને જ તો!’ સંગચ્છદ્મ્ સમવધ્મ્ સમવોમનાંલિ…. આ PS કાર્યક્રમોમાં વડોદરા, ભરૂચના આશાસ્પદ ઊગતા કળાકારોને, તેમજ અન્ય શહેરોના વસતા પ્રસિધ્ધ – નિવડેલા ગાયકોને રજૂઆત કરવા તેડયા. ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓની કૃતિઓ પણ કવચિત કવચિત આ અભિયાનમાં સામેલ કરી.
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ ખાતે પણ પરેશ સ્મૃતિ કરીએ છીએ. આ બધા PS કાર્યક્રમોની અસર અને પ્રેરણાથી લઇ એ જ નામે તેમ જ અન્ય નામે ગુજરાતમાં કાર્યક્રમો થાય છે એનો અમને આનંદ છે. આ બધું સરવાળે પરેશભાઇની આભા અને સર્જનાત્મક સુગમ સંગીતને પ્રતાપે- બધાં PS કાર્યક્રમો શરૂઆતથી જ નિ:શુલ્ક, નિ:સૌજન્ય, કરવાનો મનસુબો અમે હજી જાળવી શકયા છીએ. બહુજન સુખાય, બહુજન હિતાય….! વળી દરેક કાર્યક્રમની શરૂઆત માતૃભાષા ગૌરવગાન ‘સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા અને ગુજરાતી’થી થાય. Curtain Raiser આ કૃતિ શ્રોતાઓને કિલ્લોલિત કરી મૂકે છે તે અનુભવવા તો તમારે કાર્યક્રમમાં આવવું રહ્યું….
કાર્યક્રમનું છેલ્લું ગીત મહદ્અંશે મારે ભાગે આવે. અલબત્ત… તે સિવાય મારું કામ સમગ્ર Team ને કાર્યક્રમ તૈયાર કરવાથી માંડીને તેની રજૂઆત કરવા સુધી પ્રેરીને સંકેતો અને દિશા આપવાનું. સૌ મદદ કરે, મહેનત કરે અને સૌ મેવા ખાય એ જ અમારો ઉદ્દેશ્ય. છેલ્લે એટલું જ કહું કે ‘બહુ રત્ના વસુંધરા’ એ ન્યાયે આવા અનેક કાબેલ સર્જકો, કલાકારો, ગાયકો આપણને મળતા જ રહેવાના છે. પરંતુ આકાશે પરેશ નામનો તારો દૈદિપ્યમાન, અમર છે… તેની આગવી કલા રૂપે. તેનો ટમટમાટ આપણને કંઇ કેટલાય અંધકારોમાં પ્રેરિત કરવાનો છે…. તેની કલારૂપે…. અસ્તુ.
-રવિન નાયક