ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) યુનિયન બેંક (Union Bank) લૂંટને ભરૂચ પોલીસે (Police) જીવ સટાસટીના ખેલમાં લુંટારુઓના ૧૦ રાઉન્ડ ફાયરિંગ (Firing) સામે પણ નિષ્ફળ બનાવી દીધી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાં ડો.લીના પાટીલ દ્વારા લૂંટ ડિટેક્શન અને દિલધડક ઓપરેશન અંગે બપોરે પત્રકાર પરિષદ યોજાઈ હતી. અંકલેશ્વર પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં બેંક ક્લોઝિંગ ટાઈમે બે બાઇક ઉપર ૫ બુકાનીધારી લુંટારુ ત્રાટકયા હતા. સ્ટાફ, ગાર્ડ અને લોકોને તમંચાની અણી એ બંદક બનાવી રૂ.૪૪ લાખની લૂંટ ચલાવી તેઓ ભગવા જઈ રહ્યા હતા. જો કે, બહાર કરિયાણું લેવા આવેલા સાયબર સેલના ધર્મેન્દ્રસિંહ ઝાલાએ હિંમતભેર લુંટારુને પડકાર્યા હતા. આ બનાવમાં લુંટારુઓએ તેમના ઉપર ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે, પ્રતિકારમાં પોલીસના બે રાઉન્ડ ફાયરિંગમાં એક લુંટારુ રાહુલકુમાર ઘવાયો હતો અને લૂંટના રૂ.૨૨.૫૪ લાખ સાથે ઝડપાઇ ગયો હતો.
પોલીસના રાતે ચાલેલા સર્ચ ઓપરેશનમાં મીરાનગરમાંથી અન્ય ૪ લુંટારુ રોહિત નવલ મંડલ, મનીષ નરેશ મંડલ, મુકેશ નવલ મંડલ અને દીપક સુબોધ સીંગને ૪ તમંચા, બે બાઇક અને ૫ મોબાઈલ સાથે લૂંટના અન્ય રોકડા ૧૫.૨૫ લાખ સાથે દબોચી લીધા હતા. સમગ્ર ઓપરેશન માત્ર ૮ કલાકમાં પાર પડાયું હતું. હજી લૂંટના રૂ.૬.૪૫ લાખ, આરોપીઓની વ્યક્તિગત સહિત ગુનાહિત કુંડળી, લૂંટ પાછળનો હેતુ અને સમગ્ર પ્લાન અંગે પોલીસ વધુ ઇન્ટ્રોગેશન કરી રહી છે.
રસ્તાના ખાડા પણ લૂંટના કિસ્સામાં મદદગાર બન્યા
બે લુંટારુ બાઇક ઉપર પોલીસ ઉપર ફાયરિંગ કરી ભાગી રહ્યા હતા પાછળ પોલીસ પીછો કરી રહી હતી, ત્યારે જ રાજપીપળા ચોકડી નજીક રસ્તા પર ખાડો આવ્યો. ખાડામાં લુંટારુઓની બાઇક પટકાતાં મેકવિલ તૂટી ગયું. અને લુંટારુ પડી ગયું હતું. એક ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થતાં પકડાઈ ગયો હતો. જ્યારે એક તે સમયે સ્થળ પરથી ફરાર થયો હતો.
બે બાઇક પણ અંકલેશ્વરમાંથી જ લૂંટ માટે ચોરી
લુંટારુઓએ લૂંટને અંજામ આપતા પહેલાં બે બાઇક અંકલેશ્વર રૂરલ અને જીઆઈડીસીમાંથી ચોરી કરી હતી. પ્રિ-પ્લાન લૂંટ માટે ૫થી ૬ દિવસ રેકી કરી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે.
SSGમાં ઇજાગ્રસ્ત રાહુલ રાજકુમારસીંગ બિહાર ભાગલપુરમાં પણ અગાઉ આર્મ્સ એક્ટમાં ઝડપાયો હતો
પોલીસના ફાયરિંગમાં ઘાયલ લુંટારુ રાહુલ રાજકુમારસિંગ બિહારના ભગલપુરમાં અગાઉ આર્મ્સ એકટમાં ઝડપાઇ ચૂક્યો છે. પોલીસ આ લુંટારુને કોણે આશ્રય આપ્યો. લૂંટ માટે કઈ રીતે મદદગારી કરી. તે સહિતની માહિતી મેળવવા કોલ ડિટેઇલ, ઇન્ટ્રોગેશન કરી રહી છે.