આણંદ : આણંદ જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પેટલાદ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પેટલાદના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મહેસુલ અને જિલ્લા પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ધ્વજવંદન કરશે. આ પર્વની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પણ મકાન તિરંગો લહેરાવ્યા વગરનું રહી ન જાય તે જોવા જિલ્લાના નાગરિકોને કલેક્ટર મનોજ દક્ષિણીએ અપીલ કરી હતી.
પેટલાદ પાલિકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દેશના સ્વાતંત્ર્યના 76મા પર્વની ઉજવણીની સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આ અંગે કલેક્ટર મનોજ દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતાં. તેઓ જિલ્લા કલેક્ટરે બેઠકમાં દેશના 76મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત પેટલાદ નગરપાલિકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સવારના 9 કલાકે રાજ્યના મહેસુલ અને જિલ્લા પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
કલેક્ટરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલુ વર્ષે જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત 15મીના રોજ જિલ્લામાં નિર્માણ પામેલા 22 અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. તેમ જણાવી આ અમૃત સરોવર અંતર્ગત સંબંધિત ગામમાં આવેલા તળાવોનું બ્યુટિફિકેશન કરી તે સ્થળે પાથ વે, પેવર બ્લોક જેવી સુવિધા ઉપલબ્ધ બનાવી ગામના લોકો માટે એક રમણીય સ્થળ બનાવવાનો હેતુ રહેલો છે. આ બેઠકમાં કલેક્ટરે રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યા મુજબના વિવિધ કાર્યક્રમો તથા સૂચનોના અસરકારક પરિણામલક્ષી અમલીકરણ માટે તથા વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણ સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન તિરંગો લહેરાવવામાં આવશે
કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 13થી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો હોઇ જિલ્લાના નાગરિકોને 13થી 15 દરમિયાન જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સહકારી, દૂધ મંડળીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રના આન-બાન-શાન સમાન તિરંગો લહેરાવવા અપીલ કરી છે.