મનન જોશી મુંબઈમાં જન્મેલો ગુજરાતી અભિનેતા છે. પહેલાં એવું જરૂરી મનાતું કે ફિલ્મો યા ટી.વી. પર કામ કરવા ઈચ્છનારે નાટકોમાં કામ કર્યુ હોવું જોઈએ હવે એવી કોઈ શરત રહી નથી. અભિનયના ક્ષેત્રમાં નામ-દામ વધી ગયા છે એટલે ઘણા તો મોટી ડિગ્રી મેળવ્યા પછી પણ ટી.વી. સિરીયલો તરફ વળે છે. મનન જોશી પણ મિકેનીકલ એન્જિનીયરીંગમાં બી.ટેક થયેલો છે પણ પોતાને અભિનય કરતા રોકી ન શક્યો. મુંબઈ જેનું ઘર હોય તેને સ્ટ્રગલમાં ય કમ્ફર્ટ રહે અને એવું જ તેને હતું. હવે તેના નામે ચારેક સિરીયલો આવી ચુકી છે. ‘કાલ ભૈરવ રહસ્ય’, ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’, ‘શુભ લાભ-આપકે ઘરમેં અને હમણાં ચાલી રહેલી ‘કભી કભી ઈત્તેફાક સે’ જેમાં તે અનુભવની ભૂમિકા કરી રહ્યો છે.
મનન કહે છે કે અભિનય કરવો મને પહેલેથી જ ખૂબ ગમતો હતો અને તે નવરાત્રીથી શરૂ થયું હતું. મિત્રો સાથે હું ગરબા રમવા જતો અને એક કાસ્ટિંગ ડાયરેક્ટરે મને શોધી કાઢયોને કહ્યું કે ટી.વી. સિરીયલમાં કામ કરીશ ? તેમણે મને ઓડીશન આપવા કહ્યું મેં ઓડીશન આપ્યું અને પસંદ થયો. બસ પછી અભિનયનું ક્ષેત્ર ખૂલી ગયું. આ ઉદ્યોગ ઘણાને તક આપી શકે તેમ છે જેમ મને તક મળી છે. મેં હજુ વધારે સિરીયલ નથી કરી છતાં ઈન્ડસ્ટ્રીઝનો ભાગ બની ગયો છું. બાકી, મારા કુટુંબીજનો તો ઈચ્છતા હતા કે એન્જિનીયરીંગમાં જ કારકિર્દી બનાવું. પણ હવે આ કરું છું તો તેનોય તેમને આનંદ છે. ટી.વી. પર અભિનય કરો તો પૈસા મળે અને સાથે નામ મળે.
‘કભી કભી ઈત્તેફાકસે’ માં તેની સાથે યેશા રુઘાની છે. કુટુંબમૂલ્યો આ સિરીયલના કેન્દ્રમાં છે. મનન કહે છે કે મુખ્ય ભૂમિકા મળ્યાનો મને આનંદ છે. કારણ તેની સ્ટોરી સરસ છે. આ સિરીયલની પટકથા મને મળી ત્યારે જ સમજી લીધેલું કે આ પાત્ર કરવામાં મઝા આવશે. મનને થોડા નાટકોમાં ય કામ કર્યુ છે એટલે પટકથા વાંચતા જ પોતાના પાત્રની કુંડળી કાઢી શકે છે. ‘કભી કભી ઈત્તેફાક સે’ ની બીજી મઝા તે એ માણી રહ્યો છે કે લખનૌમાં તેનું શૂટિંગ થાય છે. તે હવે ત્યાંના રુમી દરવાજા, ક્લોક ટાવર, બડા ઈમામવાડા, લખનૌ યુનિવર્સિટીથી પરિચિત થઈ ચુક્યો છે. લખનૌ પહેલી જ વાર ગયો છે તે કહે છે કે આ શહેર વિશે સાંભળેલું તો ઘણું પણ જોયું પહેલીવાર. તેને આશા છે કે શો અને લખનૌ બધાને ગમશે.