નડિયાદ: નડિયાદના વીસેક જેટલાં ભક્તો પદયાત્રા કરી મહુધા તાલુકાના મીનાવાડા ખાતે આવેલ દશામાતાના મંદિરે ધજા ચઢાવવા માટે જઈ રહ્યાં હતાં. દરમિયાન મહુધા તાલુકાના મંગળપુરા સીમમાં પુરપાટ ઝડપે પસાર થતી એક ગાડીના ચાલકે દંપતિ સહિત ત્રણ પદયાત્રિકોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં દંપતિને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં એક પદયાત્રીનું કરૂણ મોત નિપજ્યું હતું. નડિયાદ તેમજ આસપાસના ગામોમાંથી અનેક વ્યક્તિઓ પદયાત્રા કરી મહુધા તાલુકાના મીનાવાડા ગામમાં આવેલ દશામાતાના મંદિરે જઈ રહ્યાં છે.
જે અંતર્ગત નડિયાદમાં રહેતાં જગદીશભાઈ બુધ્ધુ અજમેરીલાલ ગોસાઈ તેમના કુટંબીજનો અને મિત્રો સાથે બુધવારના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં મીનાવાડા દશામાતાના મંદિરે ધજા ચઢાવવા માટે ઘરેથી ચાલતાં નીકળ્યાં હતાં. તેઓ સવારે પાંચેક વાગ્યાના અરસામાં મહુધા તાલુકાના મંગળપુરા ગામની સીમમાંથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી ઈકો જેવી કોઈ ગાડીના ચાલકે રોડની સાઈડ પર ચાલતાં પદયાત્રી જગદીશભાઈ, બિક્કી અને તેમની પત્નિ નંદિનીને અડફેટે લીધાં હતાં. ગાડીની ટક્કર વાગવાથી આ ત્રણેય જણાં ઉછળીને દૂર જઈને રોડ પર પટકાયાં હતાં.
જેમાં બિક્કી અને તેમની પત્નિ નંદિનીને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે જગદીશભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેઓ બેભાન થઈ ગયાં હતાં. જેથી તેમની સાથેના પદયાત્રીકોએ ખાનગી વાહનની મદદથી ત્રણેય ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે જગદીશભાઈ બુધ્ધુ અજમેરીલાલ ગોસાઈને તપાસ્યાં બાદ મૃત જાહેર કર્યાં હતાં. જ્યારે ઈજાગ્રસ્ત દંપતિની સારવાર શરૂ કરી હતી. હાલ, દંપતિની સારવાર સુધારા પર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે હેમન કૈલાશરામપ્રસાદ ગોસાઈની ફરીયાદને આધારે મહુધા પોલીસે અજાણ્યાં ફોરવ્હીલર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.