Madhya Gujarat

દેશમાં પાંચ દાયકા બાદ વર્લ્ડ ડેરી સમિટ યોજાશે

આણંદ : દેશમાં પાંચ દાયકા બાદ વર્લ્ડ ડેરી સમિટનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં અમૂલ (ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ) અને નંદિની (કર્ણાટકા કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિ.)ને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની વર્લ્ડ ડેરી સમિટ (આઈડીએફ ડબલ્યુડીએસ 2022)ના મુખ્ય પ્રાયોજક જાહેર કરવામાં આવ્યાં છે. જેનું આયોજન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલ્સ પ્રા. લિ.ના સહયોગમાં થવા જઇ રહ્યું છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના એમડી ડો.આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ડેરી ફોર ન્યુટ્રિશન એન્ડ લાઇવલિહૂડ થીમ હેઠળ યોજવા જઇ રહેલો ડેરી સેક્ટરનો આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમ 12મી 15મી સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. 40 દેશોના ડેરી ઉદ્યોગના હિતધારકો તેમાં ભાગ લેશે અને ડેરી ઉદ્યોગના વિકાસને આગળ વધારવાની દિશામાં કામ કરશે. આ કાર્યક્રમ દિલ્હી – એનસીઆરના ગ્રેટર નોઇડામાં આવેલા ઇન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટમાં યોજાશે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને ઇન્ડિયન નેશનલ કમિટી ઓફ આઈડીએફના સભ્ય સચિવ મીનેશ શાહે જણાવ્યું હતું કે, 48 વર્ષ બાદ વર્લ્ડ ડેરી સમિટનું આયોજન કરવું એ ભારત માટે ખરેખર ગર્વની વાત છે. અમે તમામ હિતધારકોને દેશની મુલાકાત લેવા માટે આવકારવા અને આઈડીએફ ડબલ્યુડીએસ 2022ને સાચા અર્થમાં એક વૈશ્વિક કાર્યક્રમ બનાવવા માટે ખૂબ જ ઉત્સુક છીએ.  ડેરી ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં મોટા ડેરી ફાર્મ તેમજ સ્મોલ હોલ્ડર સિસ્ટમ મારફતે લાખો લોકોને આજીવિકા અને આર્થિક સ્થિતિ સ્થાપકતા પુરા પાડે છે.

અમૂલ, નંદિની અને મધર ડેરી જેવી દિગ્ગજ ડેરીઓના સંપૂર્ણ સમર્થનને પગલે દેશનું સ્મોલ હોલ્ડર ડેરીનું મોડલ સાચા અર્થમાં વિકાસનું એન્જિન છે, તે સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી શકાશે. આઈડીએફ વર્લ્ડ ડેરી સમિટ એ વૈશ્વિક ડેરી સેક્ટરની વાર્ષિક બેઠક છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી લગભગ દોઢ હજાર જેટલા સહભાગીઓ એકત્રિત થશે. આ સહભાગીઓની પ્રોફાઇલમાં ડેરી પ્રોસેસિંગ કંપનીઓના સીઇઓ અને કર્મચારીઓ, પશુપાલકો, ડેરીઉદ્યોગના સપ્લાયરો, શિક્ષણવિદો, સરકારના પ્રતિનિધિઓ વગેરેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top