વડોદરા: વડોદરા શહેરીજનો મહાનગર પાલિકામાં સમયસર પાણી વેરો ભરે છે છતાં પણ મોટાભાગના વિસ્તારના રહીશો દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છે પણ જાડી ચામડીના અધિકારીઓને કશો જ ફરક પડતો નથી કારણ કે એમને તો મિનરલ વોટર પાણી મળી રહે છે. વડોદરા કોર્પોરેશનમાં પાણી વેરો સહિત તમામ વેરો ભરવા છતાં, વડોદરાના લોકોને દુષિત પાણી પીવાનો વારો આવ્યો છે અને ઉભરાતી ગટરોથી પણ શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એક બાજુ વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂ, કોરોના, ચિકનગુનિયા, કોલેરા જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે, છતાં પણ, પાલિકાના નપાણીયા શાશકો દ્વારો લોકોની પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો ત્વરીત નિકાલ લાવવામાં ધરાર નિષ્ફળ ગયું છે. આજ રોજ સવારે શહેરના વોર્ડ નંબર 5માં સમાવિષ્ઠ વિસ્તારોના લોકોનો દૂષિત પાણીનો પ્રશ્ન હલ ન થતાં મહિલાઓ વોર્ડ ઓફિસે ધસી ગયા હતા અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. આજની રજૂઆત પછી પણ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વોર્ડ ઓફિસની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં દૂષિત પાણી પીવાથી ઘેર-ઘેર બિમારી અને રોગચાળો ફાટી નીકળ્યો છે જયારે બીજી બાજુ દરેક હોસ્પિટલો પણ હાઉસફુલ થઇ રહ્યા છે. પરંતુ પાલિકાના આ નપાણીયા શાસકો શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે સાવ નિષ્ફળ નીવડ્યા છે. આખા વડોદરા શહેરમાં પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતા અનેક લોકોને પાણીના જગ વેચાણથી લેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. તો અનેક લોકોને ફાયર બ્રિગેડમાંથી પાણીની ટેન્કરો વેચાણ લેવાની ફરજ પડી છે છતાં પણ ફાયર બ્રિગેડમાંથી જે પાણીનું ટેન્કર આવે છે તે પણ શાવ ડહોળું પાણી આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો રોજેરોજ કોર્પોરેશનના તંત્રને મળતી હોય છે.
પરંતુ તેનો કોઈ ઝડપથી ઉકેલ આવતો નથી. પરિણામે રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દુષિત પાણી પીવાના કારણે ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. પરંતુ, પાલિકાના આ નપાણીયા શાશકો શહેરના લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે સાવ નિષ્ફળ નીવડી રહી છે. વિસ્તારનાં લોકો દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અધિકારીને ઘણી વખત રજૂઆત કરી છે છતા પણ કોઈ અધિકારી આમનો પાણીનો પ્રશ્ન હલ કરી શકતા નથી.
કેટલીવાર તો અધિકારીઓના છાજીયા લીધા છતા પણ આ જાડી ચામડીના અધિકારીઓને કશો ફરક પડતો નથી. જો આ સમસ્યા જલ્દીથી નિકાલ નહી આવે તો માટલા ફોડનો કાર્યક્રમ ટુંક સમયમાંજ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજે સવારે વોર્ડ નંબર-5ની કચેરીમાં જલારામ ચોક, ભાથુજી ચોક, ગણેશ મહોલ્લો, કૃષ્ણ મહોલ્લો વગેરે વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા હલ કરવાની માગણી સાથે સ્થાનિક રહીશોનો મોરચો પહોંચ્યો હતો. જ્યાં હાજર અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.