નડિયાદ: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લાના તમામ પરિવારોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે હેતુસર ખેડા પોસ્ટલ ડીવીઝનના તાબા હેઠળની તમામ પોસ્ટ ઓફિસમાં માત્ર ૨૫ રૂપિયાના નજીવી કિંમતે રાષ્ટ્રધ્વજનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે.
તદુપરાંત દરેક હેડ પોસ્ટ ઓફીસ અને સબ પોસ્ટ ઓફિસમાં સેલ્ફી બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યાં દરેક નાગરીક પોતાની ઈચ્છા અનુસાર સેલ્ફી લઈને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે અને સાથે સાથે #IndiaPost4Tiranga, #HarGharTiranga, #AmritMahotsav જેવા હેશટેગ નો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળા, આંગણવાડી, સસ્તા અનાજની દુકાનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને પંચાયત ઓફિસ સહિતની સરકારી સંસ્થાઓ તથા કચેરીઓમાં પણ ધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આણંદની 11 નગરપાલિકામાં 65 હજાર તિરંગા ફાળવવામાં આવ્યાં
દેશની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 13મીથી 15મી ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વડોદરા ઝોનમાં સમાવિષ્ટ 26 નગરપાલિકાઓમાં 1,48,500 જેટલા વિવિધ સાઈઝના તિરંગાની ફાળવણી કરવામાં આવી છે. વડોદરા ઝોનને 20” x 30” સાઇઝના 99,000 તથા 16” x 24” સાઇઝના 49,500 મળી કુલ 1,48,500 તિરંગાની ફાળવણી કરવામાં આવી છે. ઝોનની તમામ નગરપાલિકા ઉપર સ્ટોલ રાખી તિરંગાનું વેચાણ સહ વિતરણ કરવાનું રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ વિગતો આપતા આરસીએમ કચેરીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું કે, દરેક નગરપાલિકાને તિરંગાની ફાળવણી કરી 20” x 30” સાઇઝના રૂ.25 તથા 16” x 24” સાઇઝના રૂ.18 ના નજીવા દરે નાગરિકોને દરેક નગરપાલિકા કચેરીથી વિતરણ કરવામાં આવશે. આણંદ નગરપાલિકાને 22 હજાર, આંકલાવને બે હજાર, બોરિયાવીને બે હજાર, બોરસદને સાડા સાત હજાર, કરમસદને સાડા ચાર હજાર, ખંભાતને નવ હજાર, ઓડને બે હજાર, પેટલાદને સાડા સાત હજાર, સોજિત્રાને બે હજાર, ઉમરેઠને સાડા ચાર હજાર અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકાને અઢી હજાર મળી 11 નગરપાલિકાઓને કુલ 65,500 જેટલા બંને સાઈઝના તિરંગા ફાળવવામાં આવ્યા છે.