Columns

યે ED ED ક્યા હૈ?

જે ચોતરફ જે ‘ED ED ’ના પોકાર ઊઠી રહ્યા છે-આજે આ નામ જે રીતે વાદ-વિવાદ-વિખવાદના વા-વંટોળમાં અટવાઈને ગાજવીજ કરી રહ્યું છે: યે ED-ED ક્યા હૈ? આ ‘ED’ એટલે કેન્દ્ર સરકારની ‘એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ’ એજન્સી. 1956થી કાર્યરત થયેલી આ એજન્સીની મુખ્ય નેમ તથા કામ છે બે નંબરી કાળા નાણાંને ધોળા કરવાની ગેરકાનૂની પ્રવૃત્તિ આંતરી- એને અટકાવીને આવા આર્થિક ગુના આચરતા લોકોને ઝ્બ્બે કરવાની. આ ઉપરાંત બીજી અનેક પ્રકારની આર્થિક ગોલમાલ પર પણ આ કેન્દ્રીય એજન્સી ચાંપતી નજર રાખે છે. આમ તો એનું મુખ્ય કાર્ય કોઈ પણ જાતના શાસક પક્ષની શેહમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે નાણાંકીય ગોટાળાને રોકવાનું છે પરંતુ બધા જાણે છે તેમ આ એજન્સી ‘પોતે સ્વાયત્ત છે’ એવો ડોળ કરીને કેન્દ્ર સરકારમાં જેનું પણ શાસન હોય એ જ પક્ષના ઈશારે જ અત્યાર સુધી કામ કરતી આવી છે.

આમ તો છેલ્લાં દોઢેક વર્ષથી EDનું નામ એક યા બીજાં કારણસર વધુ ગાજી રહ્યું છે. ‘ઈકોનોમિક ઓફેન્સ’- આર્થિક ગુનાઓને ડામવાની એની કામગીરી કરતાં એની ડરામણી પ્રવૃત્તિઓને લીધે ED વધુ વગોવાઈ રહ્યું છે. સત્તા પર જે પણ પક્ષ હોય પણ એના વિપક્ષીઓ હંમેશાં એ જ આક્ષેપો સાથે કાગારોળ કરે છે કે સત્તા પક્ષ અમને આર્થિક અપરાધના ખોટા આક્ષેપોમાં ફસાવીને હેરાન-પરેશાન કરી રહ્યો છે…. સરકારની ખોટી નીતિ-રીતિના અમારા વિરોધને ચગદી નાંખવા શાસક પક્ષ નિરંતર આવી ગંદી રમત ખેલી રહ્યો છે.

એક જમાનો એવો હતો કે કોઈ પણ બહુ ગાજેલા વિવાદાસ્પદ કેસની તપાસ ‘સેન્ટ્રલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશન’– CBI કરે એવો લોકોનો આગ્રહ રહેતો. ‘CBI’ એક સ્વતંત્ર ગુનાશોધક એજન્સી છે એટલે એ નિષ્પક્ષ તપાસ કરી ગુનેગારને સજા અપાવી ન્યાય તોળશે એવી લોકમાન્યતા હતી. અમુક વર્ષ એ ટકી પણ ખરી. જો કે પાછળથી પોતાના શત્રુઓને હંફાવવા શાસક પક્ષ એનો વધુ પડતો ભળતો ઉપયોગ કરવા લાગ્યો પરિણામે CBIની માન-મર્યાદા-આબરૂ પર એવો ધબ્બો લાગ્યો કે દેશની સર્વોચ્ચ અદાલતે તો CBIને ‘સરકારી પોપટ’ તરીકે ઓળખાવીને એનું રીતસર જાહેરમાં વસ્ત્રાહરણ કર્યું. ત્યારથી લોકોની નજરમાંથી આ એજન્સી ઊતરી ગઈ છે.

CBIની આવી બદનામી-અવદશા પછી ED વધુ પ્રકાશમાં આવી. કેન્દ્ર સરકારની મુખ્ય ત્રણ તપાસ એજન્સી છે. એમાં ED એક માત્ર એવી એજન્સી છે જેણે કોઈની પણ તપાસ-ઊલટતપાસ કરવી હોય તો સરકાર પાસેથી આગોતરી મંજૂરી લેવી નથી પડતી એટલે સરકાર પણ ED પાસેથી તપાસ એજન્સી CBI જેવું જ કામ લેવા માંડી છે. મનીલોન્ડરીંગ – બેનંબરી નાણાંને કાયદેસર કરવાના ધંધાથી લઈને ડ્રગ્સની હેરાફેરી કે પછી બીજા આર્થિક ભ્રષ્ટાચારના ‘સાચા’ કહેવાતા ગુના હેઠળ સત્તાપક્ષના વિરોધીઓને કાયદાની ચુંગાલમાં ફસાવવાના મોટા ખેલ શરૂ થઈ ગયા.

જે જે રાજ્યોમાં વિપક્ષની સ્થાનિક સરકાર હોય ત્યાં પણ આવી પજવણી ચાલુ થઈ. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના મોટાભાઈ અજિતના પુત્ર એટલે કે મમતાદીદીના સગા ભાણેજ અભિષેકની ગણના એના વારસદાર તરીકે થાય છે. આ યુવા ભાણેજ સ્થાનિક રાજ્કારણમાં બહુ સક્રિય છે. બંગાળની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ‘BJP’ને મમતાદીદીએ કરારી હાર આપી હતી. એ પછી અભિષેકના નિવાસસ્થાન પર EDના સતત દરોડા પડ્યા હતા ત્યારે ED વિરુધ્દ્દ જબરો ઊહાપોહ થયો હતો.

એક જમાનામાં કોંગ્રેસના શાસનને ‘દરોડા રાજ’તરીકે ઓળખવામાં આવતું. એવો જ અદ્લોદ્લ માહોલ આજે ફરી સર્જાઈ રહ્યો છે. એક યા બીજા આરોપસર એક પછી એક જે રીતે રેડ-છાપા પડી રહ્યાં છે એમાંથી અમુક સાચાં હોઈ શકે પરંતુ હેવાલ મુજબ, મોટા ભાગના દરોડા સામેવાળાને પરેશાન કરવા અને ડરાવવા માટે જ યોજાતા રહે છે. આ વાતની પુષ્ટિ આપણને થોડા સમય પહેલાં લોકસભામાં રજૂ થયેલી EDની કામગીરીના આંકડા પરથી મળે છે. બ્લેકમનીના દૂષણને અટકાવીને એના અપરાધીને સજા ફટકારવાના જે બે કડક કાયદા થોડાં વર્ષ પૂર્વે અમલમાં આવ્યા એ પછી EDએ જેટલા પણ આડેધડ દરોડા પાડ્યા એનો હિસાબ માંડો તો કોઈ ભળતું જ ચિત્ર સામે આવે છે. લોકસભાના અહેવાલ મુજબ છેલ્લાં 16-17 વર્ષમાં ED દ્વારા 5400થી વધુ કેસ નોંધવામાં આવ્યા પછી વર્ષોની લાંબી-પહોળી તપાસના અંતે માત્ર 23 જ વ્યક્તિ સજાપાત્ર ઠરી છે…!

આનો સીધો અર્થ એ થયો કે ED કહેવાતા દોષિતોના ગુના સાબિત કરવામાં અસમર્થ છે અને ખોટા કેસના ખડકલા કરે છે અથવા તો ‘બીજી આપ-લે’ દ્વારા કેસને એવો કમજોર બનાવી દે કે ગુનેગાર સાવ નિર્દોષ છૂટી જાય! બીજા શબ્દોમાં કહો તો ‘અમે ભલભલાની શરમ રાખતા નથી-શેહમાં આવતા નથી’ એવી ભયની ભૂતાવળ ખડી કરીને શાસક પક્ષ એના વિરોધનો અવાજ ગુંગળાવી નાંખવાના પ્રયાસ કરે છે…મમતાદીદીના અંગત સંબંધીઓ પરના દરોડા પછી કોંગ્રેસનાં વડાં એવાં સોનિયા ગાંધી તેમ જ એમના પુત્ર રાહુલની છેલ્લા કેટલાક દિવસોથી ED સતત આકરી ઊલટતપાસ લઈ રહી છે.

એમના પર આરોપ છે કે એ માતા-પુત્ર દિલ્હીના દૈનિક ‘નેશનલ હેરાલ્ડ’ કેસ સાથે સંકળાયેલા રૂપિયા 2100 કરોડના મની લોન્ડરિંગના ભ્રષ્ટાચારમાં સક્રિય રીતે સંકળાયેલાં છે. આ કાર્યવાહી દરમિયાન વિપક્ષો-ખાસ કરીને કોંગ્રેસીઓ ઠેરઠેર જાહેર વિરોધ કરી રહ્યા છે. એ બધાનું કહેવું છે કે શાસક પક્ષ એના વિરોધીઓ સામે કિન્નાખોરીથી EDને એક સરકારી શસ્ત્ર તરીકે બેફામ વાપરી રહ્યા છે. રોજબરોજ EDના દરોડા આડેધડ વધી રહ્યા છે. એમની વાતમાં થોડું તથ્ય પણ લાગે. આંકડા તપાસીએ તો 2004થી 2014 દરમિયાન EDએ 112 અને 2014થી 2021 દરમિયાન 3010થી પણ વધુ રેડ પાડી છે અને આ વર્ષે 2022ના છેલ્લા 6 મહિનામાં તો EDના ‘દરોડા એક્સપ્રેસ’ની ઝડપે હજી વધી રહ્યા છે….

હમણાં છેલ્લા 10 દિવસમાં તો મમતાદીદીના જ એક નજીકના કહી શકાય એવા સ્થાનિક સરકારના મંત્રીબાબુ પાર્થ ચેટરજી અને એમની સાથે ઘરોબો ધરાવતી મોડલ -અભિનેત્રી અર્પિતા મુખરજીના નિવાસસ્થાનેથી EDના સતત દરોડામાં રૂપિયા 65 કરોડથી વધુ કડક્ડતી કરન્સી નોટો તેમ જ કરોડોની રકમનું સોનું તેમજ આભૂષણો ઉપરાંત અનેક પ્રોપર્ટી- મિલકત દસ્તાવેજો પણ ઝડપાયા છે. …અવાક કરી મૂકે એવી ‘શિક્ષક ભરતી યોજના’ના કૌભાંડથી એકઠી થયેલી આ છૂપી રકમ બહાર આવ્યા પછી મમતાદીદીએ નાછૂટકે ભ્રષ્ટાચારી પાર્થ બેનરજીને મંત્રીપદ અને પક્ષમાંથી તગેડી મૂકવા પડ્યા છે….

બીજી તરફ, EDની આડેધડ દરોડા પાડવા ઉપરાંત ધરપકડ કરવાની જોહુકમી સત્તા સામે 242 અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એનો તાજેતરમાં ચુકાદો આપતા દેશની સર્વોચ્ચ અદાલતે EDના દરોડા-જ્પ્તી તેમજ ધરપકડ સાથે અન્ય અધિકારોને સત્તાવાર રીતે માન્ય રાખ્યા છે. EDને આવી સુપ્રીમ માન્યતા મળતાં વિપક્ષો બઘવાઈ ગયા છે તો શાસક પક્ષ ગજબનો ગેલમાં આવી ગયો છે. જોવાનું એ રહે છે કે EDના હવે વધુ તીક્ષ્ણ થયેલા નખોરથી શાસક પક્ષવાળા એના રાજકીય શત્રુઓને કેવાક ઊંડા ઉઝરડા પાડે છે…!

Most Popular

To Top