Columns

ખોટી પસંદગી

ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું.પ્રકૃતિના એક એક સુંદર રૂપ બનાવ્યાં.સૂરજ,હવા ,પર્વત,નદી, તળાવ,સાગર,વૃક્ષ,ફૂલો,પંખી ,પશુઓ …બીજું નાનું મોટું ઘણું ઘણું બનાવ્યું.અનેક ભૌતિક આકર્ષણો સર્જન કર્યું હીરા, ઝવેરાત, સોનું, ચાંદી, મહેલ જેવું ઘણું બધું મનમોહક પછી બધું જ એક જ્ગ્યાએ સજાવ્યું. બધી જ ચીજોની સજાવટ પૂરી થઈ ગયા બાદ ભગવાને માણસ બનાવ્યો અને માણસનું મન બનાવ્યું. તેમાં ઘણી ઘણી લાગણીઓ ભરી અને અનેક માંગણીઓ પણ એક ખૂણામાં મૂકી. માણસાઈ પણ બનાવી. પછી બધું એક જગ્યાએ સુંદર રીતે સજાવી પૃથ્વી રચી અને પછી માણસની આંખે પાટો બાંધીને ભગવાન તેને પોતાની સાથે પૃથ્વી પર લઇ ગયા અને કહ્યું, ‘માણસ, મેં તને મન મૂકીને બનાવ્યો છે.

તું મારું શ્રેષ્ઠ સર્જન છે. આજ સુધી મેં જેટલું પણ સર્જન કર્યું છે તે બધું તારા માટે જ છે.હમણાં હું તારી આંખો પરની પટ્ટી દુર કરીશ એટલે તને પૃથ્વી પર મારી બધી જ રચનાઓના દર્શન થશે.આ બધું જ તારા માટે છે અને તારું જ છે એટલે તને જે ગમે …જેટલું ગમે અને તારામાં જેટલી ત્રેવડ હોય તેટલું તું એમાંથી મન ભરીને લઇ શકે છે.’ ભગવાનની વાત સાંભળીને માણસ રાજી રાજી થઈ ગયો. બોલ્યો, ‘પ્રભુ, તમે મારું સર્જન કર્યું છે તે જ તમારો ઉપકાર છે.’ભગવાન બોલ્યા, ‘ચલ, માણસ તું સાચી અને સારી પસંદગી કરવા તૈયાર થઈ જા.આજે તું જે પસંદગી કરીશ તેના પર તારું જીવન અવલંબે છે.’ ભગવાને માણસને ફરી કહ્યું, ‘તૈયાર છે ને પસંદગી કરવા …’આટલું કહીને તેની આંખોની પટ્ટી ખોલી…માણસ તો પૃથ્વીનું સૌન્દર્ય જોઇને અવાચક થઈ ગયો.શું પસંદ કરવું તે નક્કી કરવાનો વિચાર કરે તે પહેલાં જ તેના મનના ખૂણે લાલસા જાગી કે બધું જ મળી જાય તો કેવું સારું…બસ પસંદગી થઇ ગઈ.

ભગવાન બોલ્યા, ‘માણસ, તારા મનની વાત મેં વાંચી લીધી. તેં કોઈ પણ વસ્તુ પસંદ ન કરી, તેં પોતાની જાતને પસંદ ન કરી , તું મને ભૂલી ગયો, તું માણસાઈ ભૂલી ગયો…તે સૌથી પહેલાં મનમાં લાલસા પ્રગટ કરી અને લાલસા…લાલચ … કે ઈચ્છા આ તારો પહેલો વિચાર તારી પહેલી પસંદગી થઈ એટલે હવે તને તે જ મળશે તને મનમાં ખૂટે નહિ તેટલી ઈચ્છાઓ … મળશે પણ તે પૂરી કરવા માટે તારે જ પ્રયત્નશીલ રહેવું પડશે.તું પ્રયત્નશીલ રહી ઇચ્છાઓ પૂરી કરતો જઈશ પણ નવી ઇચ્છાઓ ઊગતી જ રહેશે એટલે તું બધી ઇચ્છાઓ ક્યારેય પૂરી કરી શકીશ નહિ.તારા મનના ભાવની ખોટી પસંદગી તેં કરી.’બસ ત્યારથી આપણી પાસે મન ભરીને ઇચ્છાઓ છે અને તે બધી તો પૂરી થવાની જ નથી કારણ કે એક પૂરી કરતાં બીજી દસ ઊગી નીકળે છે.

Most Popular

To Top