વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બે પ્લોટો અગાઉ વેચી દિધા હોવા છતાં તે પ્લાટોનાં મુળ માલીકના વારસદારોએ ગેરકાયદેસર હક સ્થાપિત કરવા નોટરી રૂબરૂ વારસાઈ સોગંદનામુ રજુ કરી વારસાઈમાં ખોટી નોંધ ઉભી કરી તે બંને પ્લોટોના પોતે ગેરકાયદેસર માલીક બની ગયા હતા. આ મામલે નવ જણા વિરૂદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે તે નવ પૈકી એકે સોગંદનામા થકી દસ્તાવેજ પણ કરી લીધો હતો. તેમજ બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જે અંગે પોલીસે ગુના નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. માંજલપુર લાલબાગ સોસાયટીમાં રહેતા ચંદ્રકલા ઈન્દુમાર વિઠ્ઠલાણી(ઉ.વ.81)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, માંજલપુર સીમમાં રેવન્યુ સર્વે નં.344ની ફાયનલ પ્લોટ નં.333 વાળો પ્લોટ નં.3એ તથા નં.3બી વાળી જમીન મારી બે દીકરીઓની માલિકી છે. તેઓએ મને વર્ષ 2010માં નોટરી થકી કુલમુખત્યાર કરી આપ્યા હતા. ઉપરોક્ત બંને પ્લોટો તેના મુળ માલીકો રણછોડ લલ્લુભાઈ સોલંકી, કાળાભાઈ ભાઈજીભાઈ સોલંકી તથા રાયજીભાઈ લલ્લુભાઈ સોલંકીએ વર્ષ 1984માં મારી બંને દીકરીઓને વેચી હતી.
ત્યારબાદ વર્ષ 2016માં હેતલબેન તથા મહેશકુમાર પવાસીયાએ ઉપરોક્ત જમીન ઉપર બાંધકામ શરૂ કરી દિધુ હતું. જે અંગે વાત કરવા જતા તેઓએ અમે જમીનના માલીક છીએ તેમ જણાવ્યુ હતું. સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસતા તેમાં આરોપીઓએ વેચાણ આપનાર તરીકે સહી કરી હતી. તેમજ પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી તપાસ્તા તેમાં આરોપીઓએ મરણ દાખલા તથા નોટરી રૂબરૂ વારસાઈ અંગે સોગંદનામા રજુ કરી હક્ક નામો દાખલ કર્યો હતો. જેના આધારે તેઓએ જમીનનો દસ્તાવેજ હેતલબેનને કરી આપ્યો હતો.
આરોપીઓએ કાયદેસરની પ્રક્રિયા વગરજ દસ્તાવેજ કરી આપ્યો હતો.હેતલબેને ઉપરોક્ત બંને પ્લોટો સુષ્ટી બિલ્ડકોન નામની ભાગીદારી પેઢીના ભાગીદારો મનીષ પટેલ, મુકેશ પટેલ તથા પોતાને રૂ.1.95 કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જે જમીન બિલ્ડકોન નામની પેઢી દ્વારા યોગી દર્શન હાઈટ્સ નામની સ્કીમનું બાંધકામ કરી નાખવામાં આવ્યુ હતું. આ સમગ્ર મામલે માંજલપુર પોલીસે છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- કોની સામે ગુના નોંધાયા
- શાંતાબેન રણછોડભાઈ સોલંકી, શનાભાઈ પરમારના પત્ની (રહે,સંધ્યાનગર, રાવપુરા)
- બાબરભાઈ રણછોડભાઈ સોલંકી (રહે,સંધ્યાનગર, રાવપુરા)
- રતીલાલ રણછોડભાઈ સોલંકી (રહે,સંધ્યાનગર, રાવપુરા)
- સંજયભાઈ ઉર્ફે રજનીકાંત રમેશભાઈ સોલંકી (રહે,સુરેશનગર અલવાનાકા)
- વૈશાલીબેન રમેશભાઈ સોલંકી(રહે,સુરેશનગર અલવાનાકા)
- મંજુબેન ઉર્ફે મંજુલાબેન નટવરલાલ સોલંકી (રહે,સંધ્યાનગર, રાવપુરા)
- સોનલબેન નટવરલાલ સોલંકી, ગોહિલ નહેન્દ્રસિંહના પત્ની (રહે,અનગઢ)
- પાયલબેન નટવરલાલ સોલંકી, પરમાર હિતેષકુમારના પત્ની(રહે,ચાપડ)
- હેતલબેન મહેશકુમાર પવાસીયા (રહે, અમ્રુતા સોસાયટી, નિઝામપુરા)