Vadodara

ગેરકાયદેસર વાહનો મુદ્દે તંત્રના આંખ આડા કાન

વડોદરા : વડોદરા શહેરના મુખ્ય સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા ખુબ વધી રહી છે. ત્યારે તેની પાછળ એક કારણ સર્કલની નજીક લાગતી ખાનગી વાહનીની કતારો પણ છે જે ગેરકાયદેસર વાહનોમાં પેસેન્જરોને બેસાડતા હોય છે. ત્યારે તે વાહનો જોઈને પણ એવું લાગતું હોય છે કે, પેસેન્જરોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે. આ સ્થિતિ ઘણી જોખમી પણ હોય છે અને તેમાં અકસ્માત થવાની શક્યતા વધુ હોવાથી મોટા પ્રમાણમાં જાનહાની પણ થવાની શક્યતા રહેતી હોય છે. આજરોજ રવિવાર હોવાથી કેટલાય લોકોને કામ-ધંધામાં રજા રહેતી હોય છે.

ત્યારે આ સર્કલો ઉપર રોજ કરતા ઓછા વાહનો હોવાની શક્યતા છે. પરંતુ બીજી બાજુ રજા હોવાથી ઘણા લોકો બહાર ફરવા જવાનું અથવા કોઈ સગાસંબંધીના ઘરે જવાનું પણ પસંદ કરતા હોય છે. તેવામાં ભલે રવિવાર હોય પરંતુ ખાનગી વાહનોમાં ગેરકાયદે ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરવાની પ્રવૃત્તિ તો ચાલુ જ રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈ બનાવ બને અથવા કોઈ જાનહાની થાય એટલા થોડા સમય સુધી કામગીરી બતાવવા તંત્ર દ્વારા દેખાવા પુરતી કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ થોડા સમય બાદ આ કામગીરીને ધ્યાને પણ ન લઈ આંખે પાટા બાંધી દિધા હોય તેમ રાત ગઈ વાત ગઈ તેવું કરવામાં આવતું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

શહેરના અમીતનગર સર્કલ તથા એરપોર્ટ સર્કલો ઉપરથી જિલ્લા બહાર કેટલાય સ્થળોએ જવાતું હોય છે. જેથી આ સ્થળોએ પેસેન્જરોને ભરવા અને કમાણી કરવા ખુબ સહેલુ બનતુ હોય છે અને કેટલાય ખાનગી વાહનોના ચાલકો આ સ્થળો પર વાહનો પાર્ક કરી લાંબી કતાર લગાવી દેતા હોય છે અને પોતે ત્યાં અડીંગો જમાવી બેસી રહેતા હોય છે. તેને લઈ ખુબ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે સાથે આમ જન્તાને પણ ઘણી તકલીફ પડતી હોય છે. હવે તંત્ર દ્વારા આ પ્રવૃત્તિને લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રવૃત્તિ પર વિરામ આવી શકે છે. આ સમગ્ર મામલે ડીસીપી ટ્રાફિક અને એ.આર.ટી.ઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તે થઈ શક્યો ન હતો.

Most Popular

To Top