સુરત: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના (Invest) નામે સતત ઠગાઈ વધી રહી છે ત્યારે રાંદેરમાં વધુ એક કાપડ વેપારી ભોગ બન્યો હતો. વેપારી સાથે 4.92 લાખની ઠગાઈ થઈ હતી. રાંદેર પોલીસે (Police) આ અંગે વધુ એક ફરિયાદ (Complant) નોંધી હતી. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પાટીયા જેનમ હોસ્પિટલ પાસે હમજા ટાવર ફ્લેટ નં-૪૦૩માં રહેતા 27 વર્ષીય મુઝઝમીલ મકસુદ હાજીમજી બુલ્લા ઘરે ઓનલાઈન કપડાનો વેપાર કરે છે. ગત નવેમ્બર 2021 માં તેમણે યુટ્યુબ પર ક્રિપ્ટોબીઝ કંપનીની જાહેરાત જોઈ તેના ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયા હતા.
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે લોભામણી જાહેરાત જોયા પછી ગત 22 મીના રોજ 4.92 લાખ રૂપિયા યુઍસડીટી કોઇન ખરીદવા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં તેમના વોલેટમાં કોઈન નહીં આવતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી. હાલમાં જ સાયબર ક્રાઇમ પોલીસે ક્રીપ્ટોબીઝ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અને આ કેસમાં આરોપીને પણ પકડી પાડ્યો હતો. જેથી મુઝઝમીલે ગઈકાલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે પૂણેથી મૂળ ભાવનગરના સોફ્ટવેર કન્સલટન્ટ ઍહમદ ગુલામ મહમદ દલની ધરપકડ કરી પુછપરછ કરી હતી. જેમાં તેમની કંપની હાલ ક્રિપ્ટો કરન્સીનું ઍક્સચેન્જ ચલાવે છે અને તેમાં 2400 રોકાણકારો પાસે 36 કરોડનું રોકાણ કરાવ્યું હોવાની કબૂલાત કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે કંપનીના સીઇઓ રાહુલ વિજય રાઠોડ અને કોલર ઓમકાર દિપક સોનવણેને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસ હાથ ધરી હતી.
ઉમરાના દંપતિએ 3.16 કરોડના હીરા ખરીદી હાથ ઉંચા કરી દેતા વેપારી દોડતો થઇ ગયો
સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં ડાયમંડ કંપની ધરાવતા હીરાના વેપારી સાથે છેતરપિંડી થઈ છે. એક દંપતીએ પોતે મોટા ઉદ્યોગપતિ હોવાની મોટી મોટી વાતો કરી ઊંચા નફાની લાલચ આપીને 3.16 ના હીરા ખરીદ્યા બાદ ફરાર થઇ ગયા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના ખાંભાï તાલુકાના કોટડા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા સાંસ્કુત રેસીડેન્સીમાં રહેતા બ્રિજેશ મનસુખભાઈ વેકરીયા હીરા લે-વેચનો ધંધો કરે છે. બ્રિજેશભાઈનો સન ૨૦૨૧માં હીરા લે વેચનો ધંધો કરતા તેમના મિત્ર બીપીન પારેખીયા મારફતે દેવેન્દ્રસિંધ મદન બોરા સાથે મુલાકાત થઇ હતી. દેવેન્દ્રસિંઘએ પોતે ચાઇનામાં હીરાનો વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું અને સાથે બ્રિજેશભાઇને કહ્યું કે, જો તેઓ હીરાનો વેપાર કરશે તો સારો નફો મળશે અને તેનું પેમેન્ટ 60 દિવસમાં મળશે. દેવેન્દ્રસિઘ પોતાની પત્ની સાથે ઓએસબીસી ઇન્ફોટેક પ્રા.લિ. નામની કંપની ધરાવતા હોવાનું કહીને સને-2021માં રૂા.3.16 કરોડની કિંમતના 1335 કેરેટ હીરાનો માલ ઉધારીમાં ખરીદ્યો હતો. આ હીરા દેવેન્દ્રને ચાઇના ખાતે મળી ગયા બાદ બ્રિજેશભાઇને જાણ પણ કરી હતી. બ્રિજેશભાઈએ પાકતી મુદ્દતે રૂપિયાની ઉઘરાણી કરતા શરૂઆતમાં આ બોરા દંપતિએ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને બાદમાં બ્રિજેશભાઇના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બ્રિજેશભાઇએ દેવેન્દ્રભાઇના વેસુના ઘરે જઇને તપાસ કરતા તેઓ ફ્લેટ ખાલી કરીને બીજે જતા રહ્યા હતા. વધુ નફાની લાલચ આપીને પોતાની સાથે ઠગાઇ થઇ હોય બ્રિજેશભાઇએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.