સુરત: દમણના (Daman) કચીગામમાં બંધ કંપનીમાં ઈલેક્ટ્રીક સામાન તથા અન્ય કોપરની ચીજ વસ્તુઓની ચોરી (Stealing) કરવા આવેલા ચોરે પૈકી 3 ચોરોની પોલીસે (Police) મુદ્દામાલ સાથે ધરપકડ (Arrest) કરી છે. 28 જૂલાઈના રોજ મોડી રાત્રે કચીગામ આઉટ પોસ્ટનો પી.સી.આર. સ્ટાફ કચીગામ ગણેશ ઈન્ડસ્ટ્રીઝના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો ત્યારે ગોલ્ડ સ્ટાર પોલિમર પ્રા. લી. કંપની બંધ હાલતમાં હોવા છતાં તેનો દરવાજો ખૂલ્લો જોતા શંકા જતાં કંપનીમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં કેટલાક વ્યક્તિઓ ટોર્ચના પ્રકાશમાં ઈલેક્ટ્રિક પેનલના ખૂણામાં શંકાસ્પદ ગતિવિધ કરી રહ્યા હતા. અચાનક પોલીસને જોઈ ચોરીના ઈરાદે આવેલા 6 થી 7 જેટલા તસ્કરોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 3 તસ્કરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
સિક્યુરીટી ગાર્ડ ઉદય શંકર ગણેશ યાદવ, ભંગારનો વેપારી પ્રમોદ પૌતુ કશ્યપ તથા અન્ય એક ભંગારનો વેપારી પ્રમોદ ચિંકી યાદવની પોલીસે ધરપકડ કરી છે. તસ્કરોની સઘન પુછપરછ કરતાં તેમણે કબુલાત કરી હતી કે, તેઓ તેમના અન્ય સાથીદાર સાથે ચોરીનો જેટલો પણ સામાન હતો એને અંદરો અંદર વહેંચી પૈસા રળી લેવાના હતા. પોલીસે જગ્યા સ્થળ પરથી મોટા ઈલેક્ટ્રીક વાયરના કટ, એલ્યુમિનિયમની ફ્રેમના કટ, કોપર રૉડ, આયર્ન પ્લેટ્સ, ઈન્વટર બેટરી સાથે ચોરીનો સામાન ને તોડવા હેક્સો બ્લેડ, કટર અને અન્ય સાધનોને કબ્જે કરી ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે આરોપીઓના 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વલસાડના મંગલમ મિડોઝની વુડ્ઝ હોસ્પિટાલીટીની ઓફિસમાંથી 1.18 લાખની ઉચાપત
સુરત : વલસાડના ચણવઇ ગામે આવેલી ટાઉનશિપ મંગલમ મિડોઝમાં વુડ્ઝ હોસ્પિટાલીટી રિયાલિસ્ટીક કંપની હોટેલમાં મેનેજમેન્ટનું કામ કરે છે. આ કંપનીનો ફાઇનાન્સિયલ કંટ્રોલર કંપનીના રૂ. 1.18 લાખ લઇ ફરાર થઇ જતા તેના મેનેજરે આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ ચણવઇના મંગલમલ મિડોઝની હોટેલનું સંચાલન કરતી વુડ્ઝ હોસ્પિટાલીટી રિયાલિસ્ટીક કંપનીએ ફાઇનાન્સર કંટ્રોલરની જગ્યા તરીકે જાહેરાત આપી હતી. જેમાં ઇન્દોરના પંકજ કિશનલાલ વ્યાસની પસંદગી થઇ હતી અને તે નોકરી કરવા વલસાડ આવ્યો હતો. જે મંગલમ મિડોઝમાં એકલો રહી અહીં નોકરી કરતો હતો. તેનું કામ હોટેલમાં સ્પા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય રોકડ રકમની જાળવણી કરવાનું હતુ. આ રકમ તેણે બેંકમાં જમા કરાવવાની રહેતી હોય છે. જોકે, ગત 27 મી જુનના રોજ તે પોતાની માતા બિમાર હોય એવું જણાવી જતો રહ્યો હતો. તે ગેટની બહાર વાળ કપાવવાના બહાને સહી કર્યા વિના જતો રહ્યો હતો. ત્યારબાદ તે પરત થયો ન હતો. ત્યારબાદ તેણે ગત 24મી તારીકે પગાર માટે માંગણી કરી હતી. જોકે, આ દરમિયાન કંપનીના મેનેજરે હિસાબ જોતાં તેના હિસાબમાં રોકડા રૂ. 1,18,579 ની ખોટ જણાઇ હતી. આ રકમ તે ઉપાડીને પોતાના અંગત ઉપયોગ માટે લઇ ગયો હતો. જેના વિવાદ બાદ આ અંગે એક મહિના પછી કંપનીના મેનેજર હરીહરન બાલક્રિષ્નને વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.