ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં (Security ) વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવાર તા.૧ લી ઓગસ્ટ-ર૦રર થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ ૮ મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ એક જ સમયે ૧ હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન ૧ હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સી.સી. ટીવી કેમેરા લગાડવાના રહેશે. એટલું જ નહીં, ૩૦ દિવસના ફૂટેજ સાચવવાના રહેશે
પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માંગી શકશે. આ નિર્ણયના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતીની રચના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતી રચવામાં આવશે તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતીના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિએશન ૩ કરતાં વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતીના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે.
આ સમિતી દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવ્યા હોય તેવા જાહેર સલામતીના પગલાં ૬ મહિનાની અંદર ગોઠવવાનું સંબંધિત સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે. આ અધિનિયમમાં એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતિ સમિતી કે જાહેર સલામતિ પેટા સમિતી દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા અધિકારી બે દિવસની નોટિસ-સૂચના આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકોમાં આવા એકમો, સંસ્થાઓમાં સી.સી.ટીવી કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરીને કોઇ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતીને પોતાનો અહેવાલ આપશે.