બારડોલી : છેલ્લા કેટલાક સમયથી બારડોલીમાં (Bardoli ) તસ્કરો (thief) જાણે પેધા પડ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. અવારનવાર (frequently) ચોરીની ઘટનાને (incidence) પગલે કેટલીક જગ્યાએ તો લોકો વારાફરથી (Time to time) ઉજાગરા કરીને તસ્કરો ઉપર નજર રાખી રહ્યાં છે. પોલીસે (Police) પણ 42 પોંઇન્ટ ઉપર પેટ્રોલિંગ વધારી દીધું છે આ સંજોગોમાં પણ તસ્કરો નિષ્ક્રિય થયા નથી.
શ્રીપતિ વિલાસ સોસાયટી સતત તસ્કરોના નિશાન ઉપર
પોલીસ અને પ્રજા બંનેને ચકમો આપી તસ્કરો અવારનવાર ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. શનિવારે મળસકે 2 વાગ્યાની આસપાસ ફરી એક વખત શ્રીપતિ વિલાસ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જો કે, વોચમેનની નજર પડતાં જ તેણે બૂમાબૂમ કરી હતી અને એક મકાન માલિકે સાયરન વગાડતાં ચોર નાસી છૂટ્યા હતા. તસ્કર ટોળકીએ છેલ્લા એક મહિનાથી બારડોલી શહેર અને ગ્રામ્ય વિસ્તારને બાનમાં લીધો છે.
નિવૃત્ત જજના બંધ મકાનમાં પણ તસ્કરોએ ધાપ મારી
ત્રણ દિવસ અગાઉ શ્રી શ્રી રવિશંકર માર્ગ પર આવેલી શ્રીપતિ વિલાસ સોસાયટીમાં નિવૃત્ત જજના બંધ મકાનમાં ખાતર પાડી તસ્કરો 1.27 લાખની ચોરી કરી ગયા હતા. જે અંગે બારડોલી ટાઉન પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. પરંતુ ફરિયાદ નોંધી તે જ રાત્રે તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ફરી એક વખત શ્રીપતિ વિલાસ સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. મળસકે 2થી 2.30 વાગ્યાની આસપાસ પાછળની વ્રજભૂમિ એન્ક્લેવ સોસાયટીમાંથી ત્રણ ચોર દીવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશ્યા હતા. સોસાયટીના વોચમેને CCTVમાં જોતાં જ બૂમાબૂમ કરી મૂકી હતી.
મકાનમાલિકે સાયરન વગાડતાં ચોરો નાસી છૂટ્યા
દરમ્યાન તસકારોની હિલચાલથી સતર્ક મકાનમાલિકે સાયરન વગાડતાં ચોરો નાસી છૂટ્યા હતા. આ પહેલા ચોરોએ વ્રજભૂમિ એન્ક્લેવમાં એક બંધ મકાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા નહીં મળતાં તેઓ દીવાલ કૂદીને શ્રીપતિ વિલાસમાં પ્રવેશ્યા હતા. ચોર આવ્યા હોવાની જાણ થતાં જ રાત્રે ફેરી ફરી રહેલા આજુબાજુની સોસાયટીના રહીશો અને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી.