નડિયાદ: ખેડા જિલ્લા એલ.સી.બી પોલીસે બાતમીને આધારે ખેડા ચોકડી પરથી ચોરીના બાઈક સાથે વાસણાબુઝુર્ગ ગામના એક શખ્સની અટકાયત કરી, પુછપરછ હાથ ધરી હતી. જેમાં પકડાયેલા શખ્સે પાંચ મહિનાના સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ગામ-શહેરમાંથી અન્ય ૧૨ બાઈકોની પણ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેની પાસેથી તમામ ૧૩ બાઈકો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ખેડા ચોકડી પાસેથી એક નંબરપ્લેટ વગરની બાઈટ સાથે સંદિપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા (રહે.વાડીવાળો વિસ્તાર, વાસણાબુઝુર્ગ, તા.ખેડા) ની શંકાને આધારે અટકાયત કરી બાઈકની આર.સી બુક સહિતના દસ્તાવેજ માંગ્યાં હતાં. જોકે, તે વખતે સંદિપસિંહ ગલ્લા-તલ્લાં કરવા લાગ્યો હતો અને બાઈકના એકપણ દસ્તાવેજ રજુ કરી શક્યો ન હતો. જેથી પોલીસે કડકાઈ દાખવી સઘન પુછપરછ કરતાં તેણે આ બાઈક અઠવાડિયા અગાઉ નડિયાદમાં આવેલ સંતરામ મંદિર પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
બીજી બાજુ સંદિપસિંહ વિરૂધ્ધ અગાઉ પણ ચોરીના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી તેણે અન્ય વાહનો ચોર્યા છે કે કેમ તે જાણવા પોલીસે વધુ પુછપરછ કરી હતી. જેમાં સંદિપસિંહે છેલ્લાં પાંચ મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ગામ-શહેરોમાંથી અન્ય ૧૨ બાઈકોની પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે સંદિપસિંહ પાસેથી તમામ ૧૩ બાઈકો કિંમત રૂ.૨,૬૦,૦૦૦ તેમજ એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૨,૬૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ક્યા – ક્યાથી બાઇકની ચોરી કરી હતી ?
- મહેસાણાના બહુચરાજી ગામના બજારમાંથી સ્પ્લેન્ડર પ્લસ ચોર્યુ
- વિજાપુર ચોકડી પાસેથી હોન્ડા શાઈન બાઈક ચોર્યુ
- કરમસદ ગામમાંથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક ચોર્યુ
- મહેસાણાના એક કોમ્પ્લેક્ષ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ ચોર્યુ
- પાટણ બસસ્ટેન્ડ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ ચોર્યુ
- હિંમતનગર બસસ્ટેન્ડ પાસેથી એચએફ ડિલક્ષ બાઈક ચોર્યુ
- મોઢેરા ચોકડી પરના કોમ્પ્લેક્ષ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ ચોર્યુ
- મહેસાણા બસસ્ટેન્ડ પાસેથી પેશન પ્રો બાઈક ચોર્યુ
- હિંમતનગર બસસ્ટેન્ડ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક ચોર્યુ
- વિસનગર બસસ્ટેન્ડ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક ચોર્યુ
- બારેજા ગામમાંથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક ચોર્યુ
- કડી ગામના બસસ્ટેન્ડ પાસેથી ટીવીએસ રેડીઓન બાઈક ચોર્યુ
- નડિયાદમાં સંતરામ મંદિર પાસેથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક ચોર્યુ