National

MPની એક શાળામાં 39 બાળકોને એક જ સિરીંજથી અપાઈ કોરોના વિરોધી રસી

મધ્ય પ્રદેશ: (Madhya Pradesh) મધ્ય પ્રદેશના સાગર શહેરની એક ખાનગી શાળામાં 39 બાળકોને એન્ટિ-કોરોનાવાયરસ રસીના (Vaccine) ડોઝ આપવા માટે એક રસીકરણકર્તાએ કથિત રીતે એક જ સિરીંજનો (Syringe) ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટના બાદ અધિકારીઓએ જિલ્લા રસીકરણ અધિકારીને સસ્પેન્ડ (Suspend) કરી દીધા હતા. જિલ્લા-અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બુધવારે શહેરની જૈન હાયર સેકન્ડરી સ્કૂલમાં (School) મેગા રસીકરણ અભિયાન દરમિયાન બની હતી. ત્યાર બાદ રસીકરણ કરનાર જિતેન્દ્ર અહિરવાર સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

સાગર જિલ્લાના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (સીએમએચઓ) ડૉ ડીકે ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અહિરવારની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. અહિરવાર એક ખાનગી નર્સિંગ કોલેજનો વિદ્યાર્થી છે અને તેને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ હાથ ધરવા માટે તાલીમ આપવામાં આવી હતી. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ રસીકરણ અભિયાનમાં ધોરણ 9થી 12 સુધીના 15 અને તેથી વધુ વયના 39 બાળકો શામેલ હતા. અધિકારીઓએ કહ્યું હતું કે બુધવારે કેટલાક વિદ્યાર્થીઓનાં માતા-પિતાએ બાળકોને રસીકરણ કરવા માટે અહિરવારને એક જ સિરીંજનો ઉપયોગ કરતાં જોતાં તેના તરફથી ઘોર બેદરકારી દાખવાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. માતા-પિતાના વિરોધ બાદ સાગરના ઇન્ચાર્જ કલેક્ટર ક્ષિતિજ સિંઘલે સીએમએચઓ ડીકે ગોસ્વામીને ઘટના અંગે પૂછપરછ કરવા મોકલ્યા હતા.

સ્થળ પર હાજર લોકોએ ગોસ્વામીને જણાવ્યું હતું કે, રસીકરણકર્તાએ કથિત રીતે 39 જેટલાં બાળકોને રસીના ડોઝ આપવા માટે એક જ સિરીંજનો ઉપયોગ કર્યો હતો. વાલીઓના વિરોધ બાદ અહિરવાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગોસ્વામીએ જણાવ્યું હતું કે આરોપીએ તેનો મોબાઇલ ફોન પણ સ્વિચ-ઓફ કરી દીધો હતો. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની ગંભીર નોંધ લેતાં સાગરના ડિવિઝનલ કમિશનર મુકેશ શુક્લાએ ગુરુવારે સીએમએચઓના રિપોર્ટના આધારે જિલ્લા રસીકરણ અધિકારી ડો. શોભારામ રોશનને સસ્પેન્ડ કર્યા હતા.

ગોપાલ ગંજ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 336 (માનવ જીવન અથવા અન્યની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતું ઉતાવળ અથવા બેદરકારીભર્યું કૃત્ય) હેઠળ અહિરવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સીએમએચઓના અહેવાલના આધારે કલેક્ટરે વિભાગીય કમિશનરને વિભાગીય તપાસ અને જિલ્લા રસીકરણ અધિકારી ડો. રોશન સામે યોગ્ય પગલાં લેવાની ભલામણ કરી હતી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આરોગ્ય અધિકારીઓએ તમામ 39 બાળકોની તપાસ કરી અને અમુક તબીબી પરીક્ષણો કર્યા હતા. જેમના રિપોર્ટ સામાન્ય આવ્યા હતા.

Most Popular

To Top