અમદાવાદ : કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થા સી.એમ.આઈ.ઈ. તથા લેબરફોર્સના (Labor Force) આંકડા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ સરકારી નોકરીઓ (Government Job) માટે ૨૨.૦૫ કરોડ અરજી કરવામાં આવી હતી. અરજીકર્તાઓ પાસેથી પરીક્ષા ફોર્મ (Exam Form) ફી (Fees) પેટે ૫ હજાર કરોડ થી વધુની રકમ વસુલવામાં આવી છે. જ્યારે માત્ર ૭,૨૨,૩૧૧ યુવકોને જ નોકરી મળી છે. જેનાથી ઉલટુ આઠ કરોડ થી વધુ લોકોના રોજગાર-નોકરીઓ છીનવાઈ ગઈ છે.
દેશમાં બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતી ભાજપા સરકારની નીતિ પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીની જાહેર સભામાં અને ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં પણ દર વર્ષે બે કરોડ રોજગાર સર્જન – નોકરીનું વચન મુજબ આઠ વર્ષમાં ૧૬ કરોડ રોજગાર મળવા જોઈએ જેનાથી ઉલટુ આઠ કરોડ થી વધુ લોકોના રોજગાર-નોકરીઓ છીનવાઈ ગઈ હોવાનું કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થા સી.એમ.આઈ.ઈ. તથા લેબરફોર્સના આંકડા જણાવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારની સરકારી ભરતી અંગે જે લોકસભામાં વિગતો સામે આવી છે તે ઘણી જ ચિંતાજનક છે. કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં મોટા ભાગની ભરતી બંધ કરી દેવામાં આવી છે. અનેક જાહેર એકમો જેવા કે, એરપોર્ટ, બંદર, વિજ એકમો સહિત ખાનગીકરણ કરવામાં આવે છે અથવા તો ખાનગી ઉદ્યોગગૃહોને સોંપી દેવામાં આવતા સરકારી નોકરીઓની તકો દેશના યુવાનોના હાથમાંથી છીનવાઈ રહી છે.
ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં બેરોજગારી સામે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતી અંગેના એક સવાલના જવાબમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આંકડા આપ્યા છે. જેમાં બેરોજગારી અંગે બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨ના આઠ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિવિધ જગ્યાઓની ભરતી માટે સરકારને કુલ ૨૨.૦૫ કરોડ અરજીઓ એટલે કે દેશની વસતીના છટ્ઠા ભાગના લોકોએ અરજી કરી હોવાનું સરકારે જણાવ્યું હતું અને તેની સામે આ આઠ વર્ષમાં સરકારે કુલ ૭.૨૨ લાખ લોકોને નોકરી આપી છે. આ આંકડા દર્શાવે છે કે નોકરીની સામે અરજદારની સંખ્યા ત્રણસોથી ચારસો ગણી છે!
ગુજરાતમાં વિવિધ સરકારી ભરતીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પેપરલીક જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે સરકારી વિભાગની ભરતી જાહેર થાય, તુરત જ દસ લાખ થી પચ્ચીસ લાખનો ભાવ ટેન્ડરની જેમ એજન્ટો ફરતા થાય છે, પંચાયત પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ કે પછી ગુજરાત જાહેર સેવા આયોગની અનેક ગેરરીતિ, ભ્રષ્ટાચાર, પેપર ફૂટવાની, મેરીટની ગોલમાલ અનેક વખત સામે આવી છે, ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપ સાથે ચાલી રહ્યું છે જેનો ભોગ ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના યુવાનો વારંવાર બની રહ્યાં છે.