ભારતની સ્થાપિત પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વેગ પકડયો છે. ભારતે વર્ષ 2016-વર્ષ 2020ના સમયગાળા દરમ્યાન 17.33 % ‘CAGR’ (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ સંયુકત વાર્ષિક વિકાસ દર) બતાવ્યો છે. જયારે ભારત સ્વપ્રયત્ને, સ્વનિર્ભર રીતે પોતાની ઊર્જા જરૂરિયાતને સંતોષવા માંગે છે, જે ઊર્જા જરૂરિયાત વર્ષ 2040માં 15820 TWH પર પહોંચનાર છે, ત્યારે પુન: પ્રાપ્ય ઊર્જા અગત્યનો રોલ બજાવવા માટે સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે. સરકાર આ પુન:પ્રાપ્ય ઊર્જાની ક્ષમતાને 5 લાખ 23 હજાર મેગાવોટ સુધી લઇ જવા માંગે છે.
ભારત સરકાર વર્ષ 2022 સુધીમાં પુન: પ્રાપ્ય ઊર્જા બાબતે 2 લાખ 27 હજાર મેગાવોટ ઊર્જાના લક્ષ્યાંક સુધી પહોંચવા માંગે છે, જેમાં 1 લાખ 14 હજાર મેગાવોટ વિદ્યુત સૌર ઊર્જા આધારિત અને 67000 મેગાવોટ વિદ્યુત પવન ઊર્જા આધારિત હશે જે પેરીસ હવામાન કરારમાં પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગમાં વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, તેના કરતાં 1 લાખ 75 હજાર મેગાવોટ વધારે હશે. સરકાર આ પુન:પ્રાપ્ય ઊર્જાની ક્ષમતા 5 લાખ 23 હજાર મેગાવોટ સુધી લઇ જવા માંગે છે, જેમાં 73,000 મેગાવોટ જળ વિદ્યુતનો પણ સમાવેશ થાય છે. આ લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં હાંસલ કરવાનું સરકારનું આયોજન છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં સ્થાપિત પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઝડપી ગતિએ ઊંચી ગઇ છે
જુલાઇ, વર્ષ 2021 સુધીમાં ભારતની પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા 96 હજાર 960 મેગાવોટ હતી, જે ભારતની સ્થાપિત ઊર્જા ક્ષમતાના 25.2 % દર્શાવે છે, જે ગ્રીન માહિતી કેન્દ્રોના વિસ્તરણ માટેની તકો પૂરી પાડે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્થાપિત પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઝડપી ગતિએ વધી છે, જેણે વર્ષ 2016-વર્ષ 2021ની વચ્ચે ‘સંયુકત વાર્ષિક વિકાસ દર’ (કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ, CAGR) બતાવ્યો છે. વર્ષ 2021માં ભારતની પુન:પ્રાપ્ય ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવવાની ક્ષમતા 94,400 મેગાવોટ પર પહોંચી હતી!
ભારતે પુન:પ્રાપ્ય ઊર્જા બાબતે કયાં લક્ષ્યાંકો મૂકયા છે?
એવી અપેક્ષા છે કે પુન:પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો વર્ષ 2030 સુધીમાં ભારતની 40% વિદ્યુત ઊર્જા માંગ સંતોષવામાં મદદરૂપ થશે.
ભારત સમગ્ર વર્ષ દરમ્યાન 300 દિવસો સૂર્યનો પ્રકાશ મેળવે છે અને ઊંચી જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
ભારત દુનિયાના સંદર્ભમાં પવન ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવવા બાબતે ચોથા નંબરની અને સૌર ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવવા બાબતે ત્રીજા નંબરની સ્થાપિત ક્ષમતા ધરાવે છે.
વર્ષ 2022 સુધીમાં પુન:પ્રાપ્ય ઊર્જામાંથી વિદ્યુત મેળવવા બાબતે ભારત સરકારે 2 લાખ 25 હજાર મેગાવોટ વિદ્યુત ઊર્જા મેળવવાનો લક્ષ્યાંક મૂકયો છે, જે પેરીસ હવામાન કરારમાં જે 1 લાખ 75 હજાર મેગાવોટનો લક્ષ્યાંક સૂચવવામાં આવ્યો છે, તેના કરતા વધારે છે. દુનિયાના સૌથી મોટા સૌર પાર્ક ‘શકિત સ્થળ’ની સ્થાપના માર્ચ વર્ષ 2018માં 165 અબજ રૂપિયાનું (ડોલર 255 કરોડનું) રોકાણ કરીને કરવામાં આવી છે. ભારત નાના જળ વિદ્યુત પ્લાન્ટ (SHP) ધરાવે છે, જેઓ 21 હજાર 134 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
31મી ઓકટોબર, વર્ષ 2019ની જાણકારી મુજબ પુન:પ્રાપ્ય ઊર્જાને આધારે વિદ્યુત ઊર્જા મેળવવાની ક્ષમતામાં પવન ઊર્જા આધારિત વિદ્યુત ઊર્જાનો ફાળો 45.5 %, મકાનોના ધાબા પરની સૌર ઊર્જાનો ફાળો 36 % અને જૈવદ્રવ્ય (બાયોમાસ) આધારિત વિદ્યુત ઊર્જા મેળવવાની ક્ષમતા 12.5 % છે.
ભારતમાં ઉત્પન્ન કરવામાં આવતી કુલ ઇલેક્ટ્રિસિટીમાં પવન ઊર્જાના સહારે ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુતનો ફાળો 36390 મેગાવોટ (10 %) સૌર ઊર્જાને સહારે મેળવવામાં આવતી વિદ્યુતનું યોગદાન 31100 મેગાવોટ (9%) અને નાના જળ વિદ્યુત પ્લાન્ટોની વિદ્યુતનો ફાળો 4610 મેગાવોટ છે.
વૈશ્વિક પવન ઊર્જા અહેવાલ, વર્ષ 2021 શું જણાવે છે?
વર્ષ 2021ના વૈશ્વિક પવન ઊર્જા અહેવાલને 25મી માર્ચ, વર્ષ 2021ના રોજ ‘વૈશ્વિક પવન ઊર્જા કાઉન્સિલ’ (GWEC) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સ્તર પર પવન ઊર્જા ઉદ્યોગ માટે વર્ષ 2020 એક વિક્રમસર્જક વર્ષ હતું પરંતુ આ અહેવાલ ચેતવણી આપે છે કે આવનારા દસકામાં નવી ત્રણ ગણી વધારે ઝડપી પવન ઊર્જા ક્ષમતાની સ્થાપના કરવાની જરૂરિયાત છે કે જેથી વૈશ્વિક હવામાન લક્ષ્યાંકને સાધ્ય કરી શકાય અને આજકાલ વધી રહેલા સરેરાશ વૈશ્વિક તાપમાનને તે જે ઔદ્યોગિક ક્રાંતિના સમય પહેલાં હતું, તેના કરતાં 2 અંશ સે.ની અંદર મર્યાદામાં રાખી શકાય.
પેરીસ હવામાન કરાર શું જણાવે છે?
આજકાલ અશ્મિ બળતણોના દહનને કારણે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ અને સલ્ફર ડાયોકસાઇડ વાયુઓ જમા થઇ રહ્યા છે. તેને કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધવાની ઘટના (ગ્લોબલ વોર્મીંગ) ઉદ્ભવી છે. વર્ષ 1972ની સ્ટોકહોમ પરિષદ પછી ચર્ચાવિચારણાઓમાં દુનિયાના દેશોને ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઇ ત્યારે જે તાપમાન હતું, તે તાપમાન કરતાં હાલના તાપમાનને 2 અંશ સે. વધારાની મર્યાદામાં રાખવાનું જણાવવામાં આવ્યું હતું. એ બાબતે પણ સર્વસંમતિ જોવા મળી હતી કે ગ્રીન હાઉસ વાયુઓના ઇમીશનો અશ્મિ બળતણો આધારિત ઊર્જા ઉત્પાદનને કારણે જમા થઇ રહ્યા છે. વાતાવરણમાં ઝડપથી જમા થઇ રહેલા કાર્બનના ઇમીશનોની સાબિતી ત્યારે મળી હતી કે જયારે 9મી મે, વર્ષ 1958ના રોજ હવાઇની મોઉના લોઆ વેધશાળામાં વિજ્ઞાની ચાર્લ્સ ડેવિડ કેલીંગે આ અંગેના માપનો મેળવ્યા હતા. તે વખતે નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા કાર્બન ડાયોકસાઇડના દ્રવ્ય કણોનું પ્રમાણ માનવ ઇતિહાસમાં સૌથી પહેલી વાર 400 PPM (પાર્ટ્સ પર મિલીઅન)ના સ્તરે પહોંચ્યું હતું. પેરીસ હવામાન કરારમાં રજt કરવામાં આવેલા તમામ સૂચનોનું જો સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તો પણ નિમ્ન વાતાવરણમાં હજુ પણ 8 લાખ મેગાટન જેટલો કાર્બન ડાયોકસાઇડ જમા થઇ શકે છે! પરિણામ એ આવે કે દેશો કે જેઓ તેમનું અર્થકારણ સુધારવા માટે પ્રયત્નશીલ છે (જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે), તેમને માટે સામૂહિક રીતે ફકત 2 લાખ 50 હજાર મેગાટન કાર્બન ડાયોકસાઇડ વાયુ વાતાવરણમાં વિમુકત કરવાનો અવકાશ રહે!