વડોદરા : દેશમાં મંકી પોક્સ વાયરસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકારને જરૂરી સૂચના આપી હતી.જેના આધારે વડોદરાના કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલ ખાતે 15 બેડની સુવિધા સાથેનો મંકી પોકસ આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંકી પોક્સ રોગ વધુ ન ફેલાય તે માટે તકેદારીના પગલાં લેવા અને દેખરેખ રાખવાની સૂચના આપી છે. દેશમાં ચાર કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા બોલવાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશમાં મંકી પોક્સ રોગની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મંકી પોક્સ વાયરસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત સરકારને જરૂરી સૂચના આપી હતી તે આધારે વડોદરા શહેરના દવાખાના ખાતે મંકી પોકસ આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વિદેશથી આવેલા મંકી પોક્સ વાયરસના ભારતમાં ચાર કેસ નોંધાયા છે.
આ વાયરસ પણ કોરોનાની જેમ એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવે જેને કારણે વધુ ફેલાય છે. વિદેશથી આવેલા મંકી પોકસ વાયરસ સામે વધુ તકેદારી રાખવા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સૂચના આપી છે. હાલ રાજ્યમાં આ વાયરસનો એક પણ દર્દી જણાઈ આવ્યો નથી.પરંતુ અગમચેતીના ભાગરૂપે દરેક જીલ્લામાં ચેપી રોગ હોસ્પિટલોમાં મંકી પોક્સ આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવા રાજ્યના આરોગ્ય વિભાગ એ સૂચના આપી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચના અન્વયે વડોદરાના કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. જેમાં 15 પથારી તૈયાર રાખવામાં આવી છે અને જરૂર પડે તો વધારાના બેડ પણ તૈયાર કરી દેવામાં આવશે તેમ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું.
માસ્ક પહેરવાનું રાખો અને અજાણી વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનું ટાળવું જોઇએ
મંકી પોક્સથી હાલ લોકોએ ગભરાવાની જરૂર નથી. કારણ કે ખાસ કરીને એ જીવલેણ રોગ નથી અને આપણી ત્યાં તંત્ર પૂરી રીતે સજ્જ છે. હોસ્પિટલમાં પણ અલાયદા 15 બેડનો વોર્ડ મંકી પોક્સના સંભવિત કેસો માટે તૈયાર કરવામાં આવ્યો છે. એના માટે જરૂરી દવાઓ પણ પૂરતા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવી છે. લોકોને બસ એટલો જ સંદેશ છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી. ખાસ કરીને શક્ય હોય એટલું માસ્ક પહેરવાનું રાખે અને અજાણી વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનું ટાળે. – ડોક્ટર પ્રિતેશ શાહ, આરએમઓ ચેપીરોગ હોસ્પિટલ