Sports

લવલીનાના એક ટ્વિટ પર સુપરફાસ્ટ એક્શન, કોચ સંધ્યા ગુરુંગને એક્રિડિટેશન મળ્યું

બર્મિંઘમ : ભારતની (India) સ્ટાર મહિલા બોક્સર (Boxer) લવલીના બોરગોહેને પોતાની કોચની (Coach) થઇ રહેલી હેરાનગતીને કારણે પોતાની ગેમ્સ (Games) માટેની તૈયારી પર અસર પડી રહી હોવાની ફરિયાદ કરતું એક ટ્વિટ (Tweet) કર્યાના 24 કલાકમાં જ તેની અંગત કોચ સંધ્યા ગુરુંગને મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ માટેનું એક્રિડિટેશન મળી ગયું હતું. સંધ્યા ગુરુંગ ભારતીય ટીમની સહાયક કોચ પણ છે અને તેને આ ગેમ્સના થોડા દિવસો પહેલા જ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી હતી.

  • સંધ્યા ગુરુંગ પાસે એક્રિડિટેશન ન હોવાથી તેમને ગેમ્સ વિલેજમાં પ્રવેશ ન મળતા લવલીનાએ તેને માનસિક ત્રાસ ગણાવ્યો હતો
  • રમત મંત્રાલય દ્વારા આઇઓએને તાત્કાલિક કોચને માન્યતા અપાવવાનો મેસેજ આપતા મંગળવારે તેમને ગેમ્સ વિલેજમાં પ્રવેશ મળ્યો

રવિવારે સંધ્યા અહીં પહોંચી ત્યારે તેમની પાસે એક્રિડિટેશન ન હોવાના કારણે તેને ગેમ્સ વિલેજમાં પ્રવેશની મંજૂરી મળી નહોતી અને તેના કારણે વિવાદ સર્જાયો હતો. ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ના અધિકારીએ જણાવ્યું હતું કે સંધ્યાને આજે સવારે બોક્સીંગ ગેમ્સ વિલેજમાં લવાઇ હતી અને તેને એક્રિડિટેશન અપાઇ ગયું છે. તે હવે ટીમની સાથે છે અને તેને ગેમ્સ વિલેજમાં રૂમ પણ આપી દેવાયો છે. લવલીનાએ સોમવારે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને કહ્યું હતું કે મને લાગે છે કે મને માનસિક ત્રાસ અપાઇ રહ્યો છે, કારણકે મને મારી કોચને ટીમમાં સામેલ કરાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેણે લખ્યું હતું કે ઘણાં દુ:ખ સાથે કહેવું પડે છે કે મને માનસિક ત્રાસ અપાઇ રહ્યો છે. ઓલિમ્પિક્સમાં મેડલ જીતવામાં મને મદદ કરનારી કોચને હંમેશા બહાર મૂકી દેવામાં આવે છે અને તેનાથી મારી તૈયારીઓ પર અસર પડે છે.

Most Popular

To Top