Business

સુરતના હીરા ઉદ્યોગકારોને રાતોરાત થઈ ગયું કરોડોનું નુકસાન, આ છે કારણ…

સુરત (Surat) : છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં ભારતીય ચલણ (Indian Currency) રૂપિયાની (Rupees) હાલત કથળી છે. ઇતિહાસમાં પહેલીવાર ડોલર (Dollar) સામે રૂપિયો 80 ના નીચલા સ્તર પર પહોંચ્યો છે. જેના લીધે સુરતની કરોડરજ્જુ સમાન હીરા (Diamond) અને કાપડ (Textile) ઉદ્યોગ સાથે સંકળાયેલા આયાતકારો (Importers) અને નિકાસકારોની (Exporters) ચિંતામાં વધારો થયો છે. 77 ના સ્તરે રફ ડાયમંડ (Rough Diamond) ખરીદી હવે 80ના ભાવે પોલીશ (Polished) ડાયમંડ ની જે નિકાસ કરવાના છે તેમને તો ફાયદો છે પરંતુ જે હીરાવાળા 77 ના સ્તર પર રફ હીરા ખરીદી સ્થાનિક બજારમાં પોલીશ ડાયમંડ નું વેચાણ કર્યું તેને માટે માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. આ તરફ કાપડ બજારમાં યાર્ન ની આયાત ઊંચા ડોલરના લીધે અટકી પડી છે.

હીરાના વેપારી નિલેશ બોડકી કહે છે નબળા રૂપિયા એ બજારની હાલત ટાઈટ કરી નાખી છે. વેપારીઓને અત્યારે રફની આયાત કરવી મુશ્કેલ પડી રહી છે. કારણ કે જો આ સ્તર પરથી ડોલર નીચો જાય અને રૂપિયો થોડો પણ મજબૂત થાય તો મોંઘી રફ ની સામે પોલીશ્ડ ડાયમંડ સસ્તી વેચીને નુકસાન વ્હોરી લેવું પડે. જે પોસાય નહીં. વળી જેને 77 ના સ્તર પર રૂપિયો હતો ત્યારે રફ ના સોદા પાડ્યા હતા તેણે હવે 80 ના સ્તર પર પેમેન્ટ કરવું મોંઘું પડી રહ્યું છે. એક રીતે 4.30 ટકાનું નુકસાન હીરાના વેપારીઓને થાય તેવો અંદાજ છે ‌ હીરાના વેપારમાં સાડા ચાર ટકા રકમ એટલે કરોડો નું નુકસાન માની શકાય. તેથી હાલમાં હીરાના આયાત- નિકાસ હકારો થોભો અને રાહ જુઓ ની નીતિ અપનાવી રહ્યા છે. હાલમાં બજારમાં ધીમી ગતિથી સોદા થઈ રહ્યા છે.

સ્થાનિક બજારોમાં પોલીશ્ડ હીરા વેચનારાઓને મોટુ નુકસાન : દિનેશ નાવડિયા
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે આ હંગામી પ્રવાહી સ્થિતિ છે. 80ના નીચલા સ્તર પર રૂપિયો ગગડે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. હીરામાં બે રીતે વેપાર થાય એક ડોલર થી ડોલર અને બીજો ડોલરથી રૂપિયો. એટલે કે કેટલાક ઉદ્યોગકારો ખરીદ વેચાણના પેમેન્ટ ડોલરમાં કરે. તેઓને બહુ જાજો ફરક નહીં પડશે પરંતુ જે વેપારીઓ ડોલરમાં પેમેન્ટ કરી રફની ખરીદી કરે છે અને ત્યારબાદ સુરતના કારખાનાઓમાં તે હીરાને પોલીશ કર્યા બાદ સ્થાનિક બજારમાં વેચે છે તેઓને બહુ લાંબુ નુકસાન થશે. બજારમાં આવા 25% જેટલા વેપારીઓ છે.

રૂપિયો નબળો પડતાં આયાતી યાર્ન મોંઘું થયું: મયૂર ચેવલી
આ તરફ કાપડ ઉદ્યોગમાં પણ તકલીફો ઓછી નથી. આગામી મહિનાથી ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે કાપડના ઉત્પાદકો બજારની માંગ મુજબ મોટા પ્રમાણમાં વિવિધ કવોલિટીના કાપડનું ઉત્પાદન કરવાની તૈયારીમાં અત્યારથી જોતરાઈ જતા હોય છે પરંતુ રૂપિયો 80ના નીચા સ્તર પર ઉતરી જતા ઉત્પાદકોની મુશ્કેલી વધી છે. કારણ કે ભારતમાં જે કાપડનું ઉત્પાદન થતું હોય તેના 80% કિસ્સામાં ઈમ્પોર્ટેડ યાર્નનો ઉપયોગ થતો હોય છે. એટલે કે મોટાભાગનું યાર્ન વિદેશમાંથી આયાત થતું હોય છે. છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયો સાતથી આઠ રૂપિયા જેટલો ગગડ્યો હોવાથી તેની અસર યાર્ન ની કિંમતો પર પડે છે. વિવર અને એક્સપોર્ટર મયુર ચેવલીના જણાવ્યા મુજબ ત્રણ મહિના પહેલા 72 થી 73 રૂપિયાના સ્તર પર રૂપિયો હતો. હાલમાં 80ના સ્તર પર ઉતરી ગયો છે તેના લીધે ઈમ્પોર્ટેડ યાર્નની કિંમતમાં એક કિલો પાછળ 10 થી 12 રૂપિયાનો વધારો થઈ ગયો છે. મતલબ કે યાર્ન 12 રૂપિયા જેટલું મોંઘું પડી રહ્યું છે. હાલમાં મોટા પ્રમાણમાં યાર્ન ખરીદવાની ઈચ્છા હોવા છતાં તે ખરીદી શકાતો નથી. જો ડોલર સામે રૂપિયો મજબૂત નહીં થાય તો કાપડ બજારે ઓછા ઉત્પાદન અને મોંઘવારીનો માર સહન કરવો પડશે.

નબળા રૂપિયા ની અસર માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ પર જ નહીં સોના-ચાંદી, મશીનરી સહિત અન્ય ચીજ વસ્તુઓની આયાત નિકાસ કરનારા તમામ ક્ષેત્રના ઉદ્યોગકારો પર પડી છે. હાલમાં તમામ થોભો અને રાહ જુઓ ની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ હવે ભારતીય બજારોમાં તહેવારો ની ખરીદી નીકળવાની હોય બહુ લાંબી રાહ જોઈ શકાય તેમ પણ નથી તેથી ઘણા ઉદ્યોગકારો નુકસાન વેઠીને પણ ધંધાને આગળ ધપાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

Most Popular

To Top