આણંદ : સોજિત્રાની વતની અને તારાપુરના યુવક સાથે લગ્ન કરનાર યુવતીને લગ્નના ચાર વરસમાં ભારે કડવો અનુભવ થયો હતો. આણંદ ખાતે કપડાની ફેરી કરતા પતિએ ચા બનાવવાનું કહ્યું હતું. જોકે, પત્નીએ થોડીવારમાં બનાવી આપું તેમ કહેતા ઝઘડો થયો હતો. જેમાં પતિ અને દિયરે મારમાર્યો હતો. આ અંગે પરિણીતાએ પિયર જઇ પાંચ સાસરિયા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. સોજિત્રાના મુસ્તુફાભાઈ વ્હોરાની દિકરી સૈફીઝાબેનના લગ્ન ચારેક વર્ષ પહેલા તારાપુરના મોહમદી સોસાયટી ખાતે રહેતા સુબહાન મોહસીન વ્હોરા સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને દિકરાનો જન્મ પણ થયો હતો. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં.
જેમાં દિયર હમઝા વ્હોરા પણ સાથે જ રહેતો હતો. આ લગ્ન જીવન દરમિયાન ઘરકામને લઇ વારંવાર ઝઘડા થતાં હતાં. આથી, સૈફીઝાબેન પિયર રીસાઇને આવતા રહેતાં હતાં. પરંતુ સમજાવટથી ફરી તારાપુર સાસરીમાં મોકલી આપતાં હતાં. સૈફીઝાબેનનો પતિ સુબહાન વ્હોરા આણંદ ખાતે કપડાંની ફેરી કરતો હતો અને અપડાઉન કરતો હતો. દરમિયાનમાં 26મી મે,2020ના રોજ સવારના છએક વાગ્યે સૈફીઝાબેન દિનચર્યા મુજબ જગ્યાં હતાં. થોડા સમય બાદ તેમનો પતિ સુબહાન પણ જાગ્યો હતો અને ચા બનાવવા કહ્યું હતું. આ સમયે તેમનો પુત્ર મોહમદતકી જાગી જતાં તેને સાચવવામાં રોકાતાં સૈફીઝાબેને થોડીવાર પછી ચા બનાવવાનું કહ્યું હતું.
જેના કારણે પતિ – પત્ની વચ્ચે ઝઘડો થયો તો. આ ઝઘડામાં તેમનો દિયર હમઝા પણ દોડી આવ્યો હતો અને સૈફીઝાબેને કહેવા લાગ્યો હતો કે, તું એવી જ છું. ક્યારેય ટાઇમે અમને ચા – નાસ્તો કે જમવાનું બનાવી આપ્યું નથી. આ ઝઘડામાં અન્ય સાસરિયા પણ ઉશ્કેરાઇ ગયાં હતાં અને સૈફીઝાબેનને બે – ત્રણ લાફા મારી દીધાં હતાં અને તે અમારુ ઘર બરબાર કરી નાંખ્યું છે, કોઇ શાંતિ લેવા દેતી નથી. તારા આવ્યા પછી કોઇ ધંધામાં બરકત આવી નથી. તેમ કહ્યું હતું. આ અંગે સૈફીઝાબેનએ પિયરમાં જાણ કરતાં તેઓ તારાપુર દોડી આવ્યાં હતાં અને સૈફીઝાબેનને ઘરે લઇ ગયાં હતાં.
આ અંગે સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે મિસબાબહેન અબ્દુલસમદ વ્હોરા (રહે.આણંદ), હમઝા મોહસીન વ્હોરા, મુમતાઝબહેન મોહસીન વ્હોરા, મોહસીન ઇબ્રાહીમ વ્હોરા, સુબહાન મોહસીન વ્હોરા (રહે.મહંમદી સોસાયટી, તારાપુર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.