નવી દિલ્હી: સીબીઆઇએ (CBI) એક મલ્ટિ સ્ટેટ કૌભાંડ (SCAM) ખુલ્લું પાડ્યું હોવાનો દાવો કર્યો છે જેમાં રાજ્યના ગવર્નર જેવા ઉંચા હોદ્દાઓ અને રાજ્ય સભાની બેઠક રૂ. ૧૦૦ કરોડની કિંમતે આપવાની ઓફર કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહી હતી! આ કેસ સંદર્ભમાં સીબીઆઇએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તાજેતરમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ચાર શખ્સોની ધરપકડ કરી હતી જેમાં કર્ણાટકના બેલગામમાંથી રવિન્દ્ર વિઠ્ઠલ નાઇક, મહારાષ્ટ્રના લાતુરમાંથી કમલાકર પ્રેમકુમાર બંદગર અને દિલ્હી-એનસીઆરમાંથી મહેન્દ્ર પાલ અરોરા અને અભિષેક બૂરાનો સમાવેશ થાય છે. જ્યારે એજાઝ ખાન નામનો એક અન્ય આરોપી આ દરોડાઓ દરમ્યાન કથિત રીતે સીબીઆઇ અધિકારીઓ પર હુમલો કરીને ભાગી છૂટ્યો હતો. એજન્સીએ તેની એફઆઇઆરમાં આ પાંચેય આરોપીઓના નામ દર્શાવ્યા છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે એક સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે પકડાયેલાચારેય આરોપીઓને જામીન આપી દીધા છે.
- અનેક રાજ્યોમાં કૌભાંડ ફેલાયેલું હતું, ચાર પકડાયા, એક આરોપી ભાગી ગયો
- લોકોને રૂ. ૧૦૦ કરોડના બદલામાં રાજ્યસભાની બેઠકની પણ લાલચ આપવામાં આવતી હતી
- અભિષેક બૂરા વચેટિયા તરીકેની ભૂમિકા ભજવતો
- સીબીઆઇએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તાજેતરમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા
એવો આરોપ છે કે આ આરોપીઓમાંથી પ્રેકકુમાર બંદગરે પોતે સીબીઆઇ અધિકારી હોવાનો ડોળ કરીને બાકીના આરોપીઓને લોકોને આ રીતે ફસાવવા પ્રેર્યા હતા અને કહ્યું હતું કે પોતાના સંપર્કોને કારણે આ થઇ શકશે. એવી વાત સપાટી પર આવી છે કે આરોપીઓ લોકોને રૂ. ૧૦૦ કરોડ જેવી મોટી રકમના બદલામાં રાજ્યસભાની ઉમેદવારીનું વચન આપતા હતા. આમાં અભિષેક બૂરા વચેટિયા તરીકેની ભૂમિકા ભજવતો હતો. એવી વાત પણ બહાર આવી છે કે બંદગર સીબીઆઇ અધિકારી હોવાની ઓળખ આપીને વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસ અધિકારીઓને પોતાના ઓળખીતાઓના કેસમાં તેમની તરફેણ કરવા માટે ધમકીઓ પણ આવી ચુક્યો છે.