એક નગરશેઠ ખૂબ પુણ્યદાન કરે, એની નામના ચોતરફ ફેલાયેલી એટલે ગામના એક શેઠિયાને નગરશેઠની ખૂબ ઈર્ષા થતી. એણે પણ પુણ્યદાન કરવાનું શરૂ કર્યું પણ એના કાર્યમાં કેન્દ્રસ્થાને ઈર્ષાનું તત્ત્વ જ રહેતું. દાન કરવાની સાચી ભાવના તેના હૃદયમાં હતી જ નહીં. પેલા નગરશેઠને તો કોઈ ફરક ન પડ્યો. એ સાચી ભાવનાથી પોતાનું કાર્ય કરતો રહ્યો. એક દિવસ એ ગામમાં એક સંત પધાર્યા, તેમના કાને આ વાત આવી, સંતે પેલા બીજા શેઠિયાને ત્યાં જઈ ઉતારો કર્યો. એ શેઠે સંતને જમાડ્યા ખરા પણ હૃદયનો કોઈ ભાવ-ઉમળકો નહીં.
સંત વાત પામી ગયા. સંતે ગર્ભિતપણે એને ઈર્ષા છોડી દેવા ચેતવણી કે શીખ આપી. થોડા દિવસ પછી એ શેઠ બીમાર પડ્યો. એની હાલત એટલી ખરાબ થઈ, ત્યારે પેલા સંત ફરી ત્યાં આવ્યા અને એ શેઠને કહ્યું: ‘‘ભાઈ, તારા કર્મોથી તું રિબાય છે. તેં પુણ્ય તો કર્યું પણ તેમાં તારા હૃદયનો ભાવ ન હતો. માત્ર પેલા નગરશેઠ પ્રત્યેની ઈર્ષા જ ભરેલી હતી તેથી તારું પુણ્ય વિફળ ગયું છે. હવે તું પ્રભુની ક્ષમા માગી લે અને પ્રાર્થના કર તો તને આ તકલીફમાંથી ઉગારશે.’’ અને એ શેઠ સમજી ગયો. એણે સંત સમક્ષ ઈશ્વરની માફી માગી ત્યારે એનો જીવ સદગતિએ ગયો.
બીજી એક વાત, એક રાજાની ઘણી રાણીઓ પણ એમાં એક રાણી મુખ્ય જેનું નામ કુન્તલા દેવી. એ પ્રભુની ખૂબ ભક્તિ કરતી પૂજા-પાઠ કરતી અને અન્ય રાણીઓને એ પૂજા-ભક્તિ શીખવતી, અન્ય રાણીઓએ પૂજા-ભક્તિ શરૂ કરી અને એટલા હૃદયભાવથી કરતી કે, આ મુખ્ય રાણીને હવે એ બધાની ઈર્ષા થતી, કુન્તલા દેવી એ સહન ન કરી શકી, એ પ્રભુભક્તિ ભૂલી અન્ય રાણીઓ સાથે ચડસાચડસી કરવા લાગી અને પોતે દેખાડો કરી વધુ નવી પૂજાવિધિ કરવા લાગી.
ઈર્ષાથી પીડિત આ રાણી એક દિવસ મૃત્યુ પામી, એ બીજી જન્મે કૂતરી થઈ, એ જ નગરમાં એ જ રાણીવાસ નજીક આ કૂતરી રહેતી અને પૂર્વજન્મની સાથી રાણીઓને ભસ્યા કરતી. એક દિવસ એક જ્ઞાની પુરુષ અહીં આવ્યા. પેલી રાણીઓએ આ હકીકત સંતને જણાવી. સંતે કહ્યું કે, એ ઈર્ષાથી બળીને કૂતરી બની છે અને આજે ય તેનામાંથી તમારા પ્રત્યેની ઈર્ષા ગઈ નથી એ એણે ભોગવવું જ પડે. આમ ઈર્ષા ખૂબ ખતરનાક છે. તમારું પુણ્ય-ભક્તિમાં પણ ઈર્ષાનું તત્ત્વ ભળે તો બધું ધોવાઈ જાય છે એટલે નિષ્કામ ભક્તિ જ કરવી.