અત્યાર પછી સાવિત્રી યમરાજ સમક્ષ શ્રેષ્ઠ પુરુષો અર્થાત્ સત્પરુષોનો અપાર મહિમા ગાય છે. સાવિત્રીના આ કથનથી યમરાજ પ્રસન્ન થઈને કહે છે, ‘‘હે કલ્યાણી ! તું મારી પાસેથી સત્યવાનના જીવન સિવાય અન્ય કોઈ વરદાન માગી લે.” સાવિત્રી વરદાન માગે છે, “મારા અને સત્યવાનના સંયોગથી કુળની વૃદ્ધિ કરનાર, બળ અને પરાક્રમથી સુશોભિત એવા 100 પુત્રો થાઓ. આ હું આપની પાસેથી ચતુર્થ વરદાન માગું છું.” યમરાજ કહે છે,
‘‘તથાસ્તુ ! સાવિત્રી તને બળ અને પરાક્રમથી સંપન્ન 100 પુત્રોની પ્રાપ્તિ થશે. સાવિત્રી, હવે તું પાછી ફર.” પરંતુ સાવિત્રી જેનું નામ ! સાવિત્રી તો યમરાજની પાછળ જ ચાલતી રહે છે અને સાધુપુરુષોના સ્વરૂપ વિશે મૂલ્યવાન વાતો કહે છે. સાવિત્રીની સમજ અને વાણીથી પ્રસન્ન થઈને યમરાજ સાવિત્રીને કહે છે, “સાવિત્રી ! તારી વાણી અને વ્યવહારથી હું પ્રસન્ન થયો છું. તું મારી પાસેથી કોઈ પણ અનુપમ વરદાન માગી લે.”
હવે સાવિત્રી અંતિમ અને પરમોચ્ચ વરદાન માગે છે-
वरातिसर्गः शतपुत्रता मम त्यवैव दत्तो ह्रियते च मे पतिः ।
वरं वृणे जीवतु सत्यवानयं तवैव सत्यं वचनं भविष्यति ।।
महाभारत, वनपर्व : ३९७-५४
“આપે મને 100 પુત્રોની પ્રાપ્તિનું વરદાન આપ્યું છે અને આપ જ મારા પતિને અન્યત્ર લઈ જાઓ છો. પતિ વિના પુત્રોની પ્રાપ્તિ કેવી રીતે થશે? તેથી હું આપની પાસેથી વરદાન માગું છું કે, સત્યવાન જીવિત થાય. તો જ આપનું વચન સત્ય થશે.”
યમરાજ પ્રસન્ન થયા. યમરાજ સાવિત્રીને કહે છે – “તથાસ્તુ.” આમ કહીને યમરાજે સત્યવાનને મુક્ત કર્યો અને સાવિત્રીને આ પ્રમાણે કહે છે, “સાવિત્રી ! લે, મેં આ તારા પતિને મુક્ત કર્યો. તારા ધર્મયુક્ત વચન અને વ્યવહારથી હું સર્વથા પ્રસન્ન થયો છું. હે સાધ્વી ! તારો પતિ આ સત્યવાન નીરોગ અને સફળ મનોરથ રહેશે. લે, આ તારા પતિને લઈ જા.” વળી યમરાજ કહે છે, “તારો પતિ સત્યવાન તારી સાથે રહીને દીર્ઘ આયુષ્ય ભોગવશે. સત્યવાન યજ્ઞો દ્વારા ભગવાનનું ભજન કરશે. સત્યવાન ધર્માચરણ દ્વારા સંપૂર્ણ વિશ્વમાં પ્રખ્યાત થશે. સત્યવાન દ્વારા તને 100 પુત્રોની પ્રાપ્તિ થશે અને તેઓ સૌ પુત્રો-પૌત્રોથી સંપન્ન થશે.”
સાવિત્રીને આ પ્રમાણે વરદાનો આપીને યમરાજ પોતાના લોકમાં ચાલ્યા ગયા. તદ્ ઉપરાંત સાવિત્રી તે સ્થાને આવે છે, જે સ્થાને સત્યવાન અવસ્થિત છે. સત્યવાન પોતાની ચેતના પુનઃ પ્રાપ્ત કરે છે, જીવિત થાય છે. તો સત્યવાન અને સાવિત્રી મોડી રાત્રે આશ્રમ પર આવે છે. સત્યવાન અને સાવિત્રીને સકુશળ પાછા આવેલાં જોઈને સત્યવાનનાં માતાપિતા તથા ઋષિઓ પ્રસન્ન થયાં.
યમરાજ દ્વારા સાવિત્રીને પાંચ વરદાન મળ્યાં. આ પાંચેય વરદાન સફળ થયાં, જે આ પ્રમાણે છે. (1) સાવિત્રીના શ્વસુર અને સત્યવાનના પિતા દ્યુમ્ત્સેનને આંખોની જ્યોતિ પુનઃ પ્રાપ્ત થાય. તદનુસાર દ્યુમ્ત્સેનને પુનઃ દૃષ્ટિ પ્રાપ્ત થઈ. સૌ પ્રસન્ન થઈ ગયા. (2) ધર્માત્મા દ્યુમ્ત્સેનનેને પોતાના રાજ્યની પુનઃ પ્રાપ્તિ થાઓ. જે રાજાએ દ્યુમ્ત્સેનનેને પદભ્રષ્ટ કરીને તેનું રાજ્ય છીનવી લીધું હતું, તેને મંત્રીઓએ પદભ્રષ્ટ કરીને મારી નાંખ્યો. અને સૌએ સાથે મળીને દ્યુમ્ત્સેનને પોતાના જ રાજ્યમાં પુનઃ રાજ્યાભિષેક થયો.
પુનઃ સૌ પ્રસન્ન થયા. (3) સાવિત્રીના પિતા અશ્વપતિને 100 પુત્રોની પ્રાપ્તિ થાઓ. આ વરદાન પણ સિદ્ધ થયું અને અશ્વપતિને 100 પુત્રો પ્રાપ્ત થયા અર્થાત્ સાવિત્રીને 100 ભાઈઓની પ્રાપ્તિ થઈ. (4) સાવિત્રીને સત્યવાન દ્વારા 100 પુત્રોની પ્રાપ્તિ થાઓ.
આ વરદાન પણ સિદ્ધ થવાનું છે પરંતુ આ વરદાન તો જ અને ત્યારે જ સિદ્ધ થાય જો અને જ્યારે સત્યવાન પુનઃ જીવિત થાય અને દીર્ઘાયુષ પ્રાપ્ત થાય. તદાનુસાર સાવિત્રી અંતિમ પાંચમું વરદાન પ્રાપ્ત કરે છે. (૫) સત્યવાન પુનઃ જીવિત થાય. આ વરદાન પણ સિદ્ધ થયું અને તદાનુસાર સત્યવાન જીવિત થાય છે, એટલું જ નહીં, પરંતુ સત્યવાન 400 વર્ષનું દીર્ઘાયુષ પ્રાપ્ત કરે છે. સત્યવાન સાવિત્રીની આ કથા મૂળ સ્વરૂપે તો મહાભારતમાં છે. આમ છતાં મહાભારતની અન્ય કથાઓની જેમ આ સત્યવાન-સાવિત્રીની કથા ઘણી વ્યાપક થઈ છે. ભિન્ન ભિન્ન અનેક પુરાણોમાં અને અન્ય અનેક ગ્રંથોમાં અનેક સ્વરૂપે આ કથાનું કથન જોવા મળે છે. આ કથા ભારતીય જનમાનસમાં એટલી દૃઢીભૂત થઈ છે અને વ્યાપક બની છે કે આ દેશમાં ભાગ્યે જ કોઈ આ કથાથી અજાણ હશે. હવે આપણી સમક્ષ પ્રશ્ન એ છે કે આ સત્યવાન-સાવિત્રીની કથા શાની કથા છે ? આ કથા દ્વારા ભગવાન વ્યાસ શું સૂચિત કરવા ઇચ્છે છે ?
વસ્તુતઃ અને મૂલતઃ આ સત્યવાન સાવિત્રીની કથા મૃત્યુ પરના વિજયની કથા છે. નિયતિના વિધાન પ્રમાણે સત્યવાનનું આયુષ્ય લગ્ન પછી માત્ર એક જ વર્ષનું છે પરંતુ આ કથામાં નિયતિના વિધાનને બદલવાનો અને તેમ કરીને મૃત્યુને અતિક્રમવાનો ઉપક્રમ જોવા મળે છે. સાવિત્રી પોતાના તપથી, પતિભક્તિથી અને પ્રચંડ સંકલ્પથી પોતાના પતિ સત્યવાનને યમરાજની પકડમાંથી છોડાવે છે અને મૃત્યુને અતિક્રમે છે. હવે આપણી સમક્ષ બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
(1) શું નિયતિના વિધાનને બદલી શકાય ?
હા, બદલી શકાય છે. Everything is decided subject to change “બધું જ પૂર્વનિર્ધારિત છે, પરંતુ પરિવર્તનને પાત્ર છે.”
હા, નિયતિને બદલી શકાય છે. જુઓ, સાવિત્રીએ નિયતિને બદલી નાખી છે. નિયતિને કેવી રીતે બદલી શકાય છે ? ઉપાય છે – 1 . તપ 2. જ૫ 3. પ્રાર્થના 4. પ્રચંડ સંકલ્પ 5. કૃપા (2) શું મૃત્યુ ટાળી શકાય છે ? :
હા, મૃત્યુને પણ ટાળી શકાય છે. સાવિત્રીએ સત્યવાનના મૃત્યુને ટાળી દીધું છે. આપણા દેશમાં મૃત્યુને અતિક્રમવાના અનેક અને અનેકવિધ પ્રયોગો થતા જ રહ્યા છે. સિદ્ધ પરંપરામાં અને નાથ પરંપરામાં દેહને મૃત્યુથી મુક્ત રાખવાના અનેક સફળ-નિષ્ફળ પ્રયોગો થયા જ છે. ગોરખનાથ, મત્યેન્દ્રનાથ આદિ સિદ્ધપુરુષોએ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ‘ જન્મે તે મરે – આ જીવનનું સત્ય છે. તદાનુસાર આપણે જોઈએ છીએ કે નિત્ય જન્મ અને મરણની ઘટના ઘટતી જ રહે છે. આ નિયમ છે પરંતુ નિયમને અપવાદ પણ હોય છે.
હા, જન્મમરણ સૌને માટે છે, આ નિયમ હોવા છતાં તે નિયમમાં અપવાદ પણ છે જ. જન્મમરણને અતિક્રમી શકાય છે. ગોરખનાથ અતિક્રમી ગયા છે. મત્યેન્દ્રનાથ પણ અતિક્રમી ગયા છે. આમ આ સત્યવાન-સાવિત્રીની કથામાં માન્યા ન આવે તેવાં બે મૂલ્યવાન સનાતન સત્યો મુકાયા છે. આ બે સત્યો છે – * નિયતિને બદલાવી શકાય છે. * મૃત્યુને ટાળી શકાય છે. સત્યવાન-સાવિત્રીએ કથામાં અને આખ્યાનો આદિમાં જે અપ્રતિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તે વિરલ છે. આપણે ભારતીયો માટે સત્યવાન અને સાવિત્રી કોઈ નવલકથાના કે મહાકાવ્યના પાત્રો જ નથી. તેઓ આપણા જીવન સાથે એટલા તો એકાકાર બની ગયા છે કે તેઓ બંને આપણી વચ્ચે જીવતાં જીવંત પાત્રો છે !