National

કેરળ બાદ દિલ્હીમાં મંકીપોક્સનો કેસ નોંધાયો, કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

નવી દિલ્હી: કોરોના (Corona) સામે ઝઝૂમી રહેલા દેશ સામે હવે એક નવા રોગનો સામનો કરી રહ્યો છે. આ રોગ ખૂબ જ ગંભીર પ્રકારનો છે અને તેના દર્દી માટે અગમચેતીના ભાગરૂપે પહેલાથી જ અલગ વોર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી મંકીપોક્સ (MonkeyPox) દેશના એક રાજ્ય પૂરતો જ સિમિત હતો. માત્ર કેરળમાં (Kerala) જ તેના દર્દી મળી આવ્યા હતાં. જો કે, હવે તે દિલ્હી (Delhi) જે દેશની રાજધાની છે ત્યાં જોવા મળ્યો છે. દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. આ કેસમાં ગંભીર બાબત એ છે કે, જે દર્દીને મંકીપોક્સ થયો છે તેની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે તંત્ર તેના ઉપર નજર રાખી રહ્યું છે. દિલ્હીના આરોગ્ય વિભાગે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેની અટકાયત માટેના તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. આ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી લોકલ ટ્રાન્સમિશનનો કેસ હોવાની શક્યતા ઉપર હાલમાં સ્વાસ્થય વિભાગ કામ કરી રહ્યો છે. માત્ર જુલાઈ મહિનામાં જ ભારતમાં મંકીપોક્સથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. મંકીપોક્સના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકની અધ્યક્ષતા આરોગ્ય અને વિજ્ઞાન બાબતોના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ ઉપરાંત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને ICMRના અધિકારીઓ પણ હાજર હતા.

દિલ્હીમાં મંકીપોક્સના દર્દીની સારવાર મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં થઈ રહી છે. 31 વર્ષીય વ્યક્તિમાં ચેપની પુષ્ટિ કરતા, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી (Travel History) નથી. એટલે કે, અત્યાર સુધી મળી આવેલા ચાર દર્દીઓમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે, જેમાં દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ દર્દીને ખૂબ તાવ અને ચામડીમાં ફુલ્લા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ 14 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો. મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે પોતે કરી હતી. તે યુએઈથી પરત ફર્યો હતો. મંકીપોક્સના લક્ષણો દેખાતા તેમને કેરળની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ કેસના ચાર દિવસ પછી એટલે કે 18મી જુલાઈએ કેરળમાં બીજા કેસની પુષ્ટિ થઈ. આ વ્યક્તિ પણ દુબઈથી પરત ફર્યો હતો. આ પછી, 22 જુલાઈએ ત્રીજા કેસની પુષ્ટિ થઈ. ત્રણેય કેસમાં યુએઈ કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું. આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. વિશ્વભરમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ શનિવારે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે કહ્યું કે મંકીપોક્સનો ફાટી નીકળવો એ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.

મંકીપોક્સ શું છે?
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) અનુસાર, આ રોગ પ્રથમ વખત 1958માં દેખાયો હતો. ત્યારબાદ સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં આ ચેપ જોવા મળ્યો. તેથી જ તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યું છે. આ વાંદરાઓમાં શીતળા જેવા રોગના લક્ષણો જોવા મળ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, માનવીઓમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 1970 માં નોંધાયો હતો. ત્યારબાદ કોંગોમાં રહેતા 9 વર્ષના બાળકમાં આ ચેપ જોવા મળ્યો હતો. 1970 પછી, 11 આફ્રિકન દેશોમાં માણસોને મંકીપોક્સથી ચેપ લાગ્યો હોવાના કિસ્સા નોંધાયા હતા.

મંકીપોક્સનો ચેપ આફ્રિકાથી વિશ્વમાં ફેલાયો છે. 2003 માં, અમેરિકામાં મંકીપોક્સના કેસ હતા. સપ્ટેમ્બર 2018 માં, ઇઝરાયેલ અને યુકેમાં મંકીપોક્સના કેસ નોંધાયા હતા. મે 2019 માં, નાઇજિરીયાની મુસાફરી કરીને પાછા ફરેલા લોકોમાં સિંગાપોરમાં મંકીપોક્સની પુષ્ટિ પણ થઈ હતી. મંકીપોક્સ અંગે ઈંગ્લેન્ડની એજન્સી યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (યુકેએચએસએ)એ કહ્યું છે કે હવે મંકીપોક્સના વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થવા લાગ્યા છે.

Most Popular

To Top