Business

ટફ યોજનાને લઈને આવ્યા મોટા સમાચાર, સુરતના કાપડ ઉદ્યોગકારો ખુશ

સુરત(Surat) : છેલ્લાં કેટલાંય સમયથી જે યોજનાની મુદ્દત લંબાવવા માટે સુરતના કાપડ ઉદ્યોગકારો (Textile Industrialist ) કેન્દ્રીય સ્તરે રજૂઆત કરી રહ્યાં હતાં તે અંગે મહત્ત્વના સમાચાર આવ્યા છે. એ-ટફ (A-Tuf) યોજનાની મુદ્દતને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો છે. તા. 1 એપ્રિલ 2022થી લાગુ પડે તે રીતે આ મુદ્દતને લંબાવવામાં આવી છે. આ અંગે હજુ અધિકૃત જાહેરાત થઈ નથી, પરંતુ કાપડ ઉદ્યોગકારોના ગ્રુપમાં ફરતા મેસેજ અનુસાર ટૂંક સમયમાં આ અંગેનો પરિપત્ર (Notification) બહાર પાડવામાં આવશે.

સુરતના કાપડ ઉદ્યોગકારોના સોશિયલ મીડિયા (Social Media) ગ્રુપમાં એક મેસેજ આજે સવારથી વાયરલ થયો છે, જેમાં એ-ટફ યોજનાને 1 એપ્રિલ 2022થી એક વર્ષ માટે એક્સટેન્શન (Extention) આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ટૂંક સમયમાં તે અંગેનો પરિપત્ર બહાર પડશે તેવો પણ આ મેસેજમાં ઉલ્લેખ કરાયો છે. જોકે, અધિકૃત રીતે કોઈ જાહેરાત થઈ નથી. કાપડ ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે, કાપડ મંત્રાલયના અધિકારીઓ દ્વારા એક દરખાસ્ત (Proposal) તૈયાર કરાઈ છે. એ-ટફ યોજના લંબાવવા માટે બધા સંમત થયા છે, પરંતુ હજુ તેની પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જ્યાં સુધી પરિપત્ર બહાર નહીં આવે ત્યાં સુધી તેની સત્યતા અંગે કશું કહી શકાય નહીં. દરમિયાન ટફ યોજનાની અરજીઓ માટે કામ કરતા એજન્ટોએ પોતાના ક્લાયન્ટને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે. ટફ માટે અરજી મંગાવવાનું શરૂ કર્યું છે.

તમને જણાવી દઈએ કે ટફ એટલે કે ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની (Textile Upgradation Fund) યોજના માર્ચ 2022થી બંધ થઈ છે. આ યોજના બંધ થતા રોકાણ પર બ્રેક લાગી જતા કાપડના ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. અંદાજે 4500 કરોડનું રોકાણ અટકી પડ્યું છે. યોજના બંધ થઈ ત્યાર બાદથી 3 હજાર આયાતી મશીનોના ઓર્ડર રદ થયા છે. સુરતના કાપડ ઉદ્યોગકારો દ્વારા આ યોજનાની મુદ્દત લંબાવવા ઉચ્ચસ્તરીય રજૂઆત કરી છે, જેના પગલે સરકાર દ્વારા યોજના લંબાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વીવર અગ્રણી મયૂર ગોળવાલાએ કહ્યું કે, આ અંગે મેસેજ મળ્યા છે. પરંતુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. હાલમાં કાપડ ઉદ્યોગ માટે કોઈ સબસીડીની યોજના નથી તેથી જો એ-ટફ યોજનાની મુદ્દત લંબાવાય તો ચોક્કસપણે ઉદ્યોગકારોને રાહત થશે, પરંતુ અગાઉ ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધીની આગેવાની હેઠળ સુરતના કાપડ ઉદ્યાગકારો દ્વારા જે રજૂઆત કરાઈ છે તેને ધ્યાને લઈ સરકારે નવી યોજના અમલમાં મુકવા અંગે પણ વિચાર કરવો જોઈએ.

Most Popular

To Top