ગાંધીનગર: આગામી તા.ર૭ સપ્ટેમ્બરથી તા.૧૦ ઓક્ટોબર દરમ્યાન યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સના (National Games) લોગોનું લોન્ચિંગ તેમજ આ ગેઇમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર, ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન (Gujarat State Olympic Association) વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર MoU ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયા હતા. નેશનલ ગેઈમ્સના લોગામાં ગીરના સિંહનો સમાવેશ કરાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નેશનલ ગેઇમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ MoU આધાર સ્થંભ બની રહેશે. ૭ વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬માં રાષ્ટ્રિય રમોત્સવનું યજમાન બનવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે.
૩૬મી નેશનલ ગેઇમ્સના લોગો સંદર્ભે પટેલે કહ્યું હતું કે, ગુજરાતની આગવી ઓળખ એવા ગિરના સિંહ અને વિવિધ રમત ચિન્હોને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. ૩૬મી નેશનલ ગેઇમ્સનો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં જ્યારે ૩૬મી નેશનલ ગેઇમ્સ યોજાતી હોય ત્યારે તેની ટેગ લાઈન એકતાનો મંત્ર જ આપતી હોવી જોઈએ. ‘સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ’ આ ટેગ લાઈન એકદમ પરફેક્ટ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, નેશનલ ગેઇમ્સનું આટલા ટુંકા ગાળામાં આયોજન એટલા માટે શક્ય બની શક્યુ છે એનું કારણ એ છે કે રાજ્યમાં અગાઉ વર્ષ ૨૦૦૨માં જે રમત ગમત વિભાગ માટેનું બજેટ રૂ.૨.૫ કરોડ હતું તે વધીને આજે રૂ.૨૫૦ કરોડએ પહોંચી ગયું છે.