નવસારી: સ્વાતંત્ર્ય સેનાની અને દાંડી કૂચમાં ગાંધીજી સાથે કદમથી કદમ મિલાવનાર નવસારીના નરસિંહભાઈ પટેલનું 102 વર્ષની જૈફ ઉંમરે ન્યૂઝીલેન્ડમાં નિધન થયું છે. દાંડી કૂચને નજરે જોનારા અને તેમાં સહભાગી થનારા નરસિંહ પટેલ છેલ્લા અને એકમાત્ર સાક્ષી હતા તેવું માનવામાં આવે છે.
નરસિંહ પટેલ પોતાના દીકરા સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી ન્યૂઝીલેન્ડમાં વસ્યા હતા. ત્યાં જ તેમનું મૃત્યુ થયું છે. ઘણા સમયથી તેમની તબિયત નાજુક રહેતી હતી. થોડા સમય પહેલાં જ્યારે નવસારીના દાંડી ખાતે સોલ્ટ મેમોરિયલ સ્મારકના લોકર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરસિંહ પટેલનું બહુમાન કર્યું હતું. નરસિંહ પટેલના અવસાનના પગલે નવસારી અને દાંડીમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
નોંધનીય છે કે ભારતની આઝાદીમાં દાંડી કૂચને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. ગાંધીજીની આગેવાનીમાં યોજાયેલી દાંડીકૂચ આઝાદીની દિશામાં પહેલી જીત માનવામાં આવે છે. આઝાદીના 75 વર્ષ બાદ હવે દેશમાં ગણ્યાગાંઠ્યા સ્વાતંત્ર્ય સેનાની અને નમક સત્યાગ્રહ દાંડી કૂચના સાક્ષીઓ હયાત છે, ત્યારે દાંડી કૂચ યાત્રાના સાક્ષી નરસિંહ પટેલનું નિધન થતા ગાંધીવાદીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.
2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલ્ટ મેમોરિયલનું ઉદ્દઘાટન કર્યું હતું
પીએમ મોદીએ 30 માર્ચ 2019ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે 110 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ દાંડી સત્યાગ્રહ સ્મારકનું “રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક” લોકાર્પણ કર્યું હતુ. આ સ્મારક 15 એકર જમીનમાં તૈયાર કરાયું છે. અહીં ગાંધીજીની 18 ફૂટ ઉંચી પ્રતિમા પણ તૈયાર કરાઇ છે. 6 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ પણ બનાવાયું છે. 4 લાખ લીટર પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો પણ સમાવેશ કરાયો છે. સોલાર મેકિંગ બિલ્ડીંગમાં ખારા પાણી સાથે 14 સોલ્ટ મેકિંગ પેન છે તેમજ પાણીનાં બાષ્પીકરણ બાદ પેનમાં બનશે મીઠું.