અમદાવાદ: ફાયર સેફ્ટી (Fire Safety) અને બીયુ પરમિશનના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) થયેલી અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યની તમામ મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોને (Hospital) આઈસીયુની (ICU) સુવિધાઓ ગ્રાઉન્ડ ફ્લોર (Ground Floor) ઉપર રાખવા નોટિસ ફટકારવામાં આવી છે. મનપાની આ નોટિસ સામે રાજ્યભરના ખાનગી હોસ્પિટલ સંચાલકો અને તબીબોમાં ભારે રોષ જોવા ફેલાયો છે. બીજી તરફ આ નિર્ણયની સામે હડતાળ પર જવાની પણ તબીબોએ ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ મનપા સહિત રાજ્યભરની મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોને નોટિસ આપી આઈસીયુની સુવિધા ફરજિયાત પણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ હોસ્પિટલોમાં લગાવવામાં આવેલા કાચ હટાવી લેવા માટે કહેવાયું છે. બીજી તરફ મનપા દ્વારા આપવામાં આવેલી આ નોટિસના પગલે રાજ્યભરના ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબોમાં ભારે નારાજગી સાથે રોષ ફેલાયો છે.
તબીબોના એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો આ નિયમને ફરજિયાત કરવામાં આવે તો આઈસીયુને બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થશે. જે રીતે નોટિસ આપવામાં આવી છે, અને ત્રણથી છ દિવસમાં નિયમોનું પાલન કરવા જણાવ્યું છે તે કોઈપણ સંજોગોમાં શક્ય નથી. જો આ નોટિસનો નિયમ ફરજિયાત પાડવામાં આવે તો ખાનગી હોસ્પિટલોએ આઇસીયુ બંધ કરવાની ફરજ પડશે.
બીજી તરફ ખાનગી હોસ્પિટલના સંચાલકોએ 22મી જુલાઈના રોજ ઓપીડી સેવાઓ બંધ રાખી હડતાળ કરવાનું પણ ચીમકી આપી છે. અમદાવાદના ખાનગી હોસ્પિટલ સંચાલકોના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદ મનપાના ફાયર વિભાગની નોટીસ માત્ર હોસ્પિટલોને હેરાન કરવાનો છે. વિશ્વમાં ક્યાંય પણ તમામ આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. આ નિર્ણયનો ખાનગી હોસ્પિટલ સત્તાવાળાઓ તેમજ તબીબો દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે, અને 22મી જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં ઇમર્જન્સી મેડિકલ સેવાઓ અને ઓપીડી સેવાઓ બંધ કરી હડતાળ કરવામાં આવશે.
અમદાવાદ મનપા પાસે શહેરની તમામ હોસ્પિટલોનો પૂરતા ડેટા પણ નથી. કઈ હોસ્પિટલોમાં આઈસીયુ છે, કઈ હોસ્પિટલમાં આઈસીયુ નથી. તેવી કોઈ જ માહિતી મનપા પાસે નથી. અમદાવાદ મનપા સંચાલિત હોસ્પિટલોમાં પણ આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. ત્યાં પણ ત્રીજા ચોથા માળે આઈસીયુ આવેલા છે. જો આ રીતે જ ખાનગી હોસ્પિટલ સંચાલકો સામે અન્યાય થાય તો હોસ્પિટલમાં આઈસીયુ ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર પર ના રાખવા માટેનાં અનેક કારણો છે. જેને સમજવા જોઈએ.