Columns

આખરે તે દિવસ પણ આવ્યો જે દિવસે સત્યવાનનું મૃત્યુ નિર્ધારિત થયું હતું

ર્વગુણસંપન્ન પત્ની પામીને સત્યવાનને અનેમનોવાંછિત પતિને પામીને સાવિત્રીને ખૂબ આનંદ થયો.
પિતાના ગયા પછી સાવિત્રીએ સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો અને વલ્કલ તથા કાષાય વસ્ત્રો ધારણ કર્યા.
સાવિત્રીની સેવા, સદગુણો, વિનય, સંયમ અને સર્વના મનને જાળવીને જીવવાની પદ્ધતિથી સૌ પ્રસન્ન થયાં.
પરંતુ નારદજીએ કહેલી વાત – સત્યવાનનું આયુષ્ય એક વર્ષનું જ છે – સાવિત્રી એક ક્ષણ માટે પણ ભૂલી શકતી ન હતી. સાવિત્રી સતત ચિંતાતુર રહેતી હતી.
ततः काले बहुतिथे व्यतिक्रान्ते कदाचन ।
प्राप्तः स कालो मर्तव्यं यत्र सत्यवता नृप ।। .
महाभारत, वनपर्व : २९६-१
‘‘હે રાજા! તદંનતર સમય વીતતાં વીતતાં એક એવો સમય પણ આવ્યો કે જ્યારે સત્યવાનનું મૃત્યુ થવાનું હતું.”
સાવિત્રીએ ગણના કરીને જાણી લીધું કે આજથી ચોથે દિવસે પોતાના પતિ સત્યવાનનું મૃત્યુ છે.
સાવિત્રીએ 3 દિવસનું વ્રત ધારણ કર્યું, જેમાં 3 દિવસ સુધી નિરાહાર રહેવાનું હોય છે અને ત્રણ દિવસ અને રાત અખંડ ઊભા રહેવાનું હોય છે. સાવિત્રીએ 3 દિવસરાતનું આ કઠોર વ્રત પરિપૂર્ણ કર્યું.


આખરે તે દિવસ પણ આવ્યો જે દિવસે સત્યવાનનું મૃત્યુ નિર્ધારિત થયું હતું.
अद्य तद दिवसं चेति हत्वा दीप्तं हताशनम ।
युगमात्रोदिते सूर्ये कृत्वा पौर्वाहिनकी क्रियाः ।।
महाभारत, वनपर्व : २९६-१०
‘‘આજે તે (સત્યવાનના મૃત્યુનો) દિવસ છે તેમ વિચારીને સૂર્ય ચાર હાથ ઉપર આવ્યો ત્યારે સાવિત્રીએ પ્રાતઃ કર્મોથી નિવૃત્ત થઈને પ્રજવલિત અગ્નિમાં આહુતિ આપી.” આજના આ દિવસ અને આજના આ ભવિતવ્ય વિશે શ્રી અરવિંદ તેમના મહાકાવ્ય “Savitri’માં લખે છે,
This was the day when satyavan must die.
– Savitri Conto one
“આ તે દિવસ છે, જ્યારે સત્યવાનનું મૃત્યુ નિર્ધારિત થયું છે.”

વ્રત અને યજ્ઞ પરિપૂર્ણ કરીને સાવિત્રીએ સૌ ઋષિઓને પ્રણામ કર્યા અને સૌએ સાવિત્રીને ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ આપ્યા. નિત્ય ક્રમ પ્રમાણે આજે પણ સત્યવાન હાથમાં કુહાડી લઈને સમિધ, ઇધ્મ આદિ લેવા માટે અરણ્યમાં જવા માટે તત્પર થયા. આમ તો સત્યવાન નિત્ય એકલા જ અરણ્યમાં જાય છે પરંતુ આજે તો સાવિત્રી સત્યવાનને એકલા છોડી શકે તેમ નથી. સાવિત્રી પણ આજે સત્યવાન સાથે અરણ્યમાં જવા માટે તૈયાર થઈ. સત્યવાન સાવિત્રીને અરણ્યની કઠિનાઈઓ બતાવે છે અને અરણ્યમાં સાથે ન આવવા આગ્રહપૂર્વક સમજાવે છે. આખરે સત્યવાનની સંમતિ મેળવીને તથા સાસુ-સસરાની આજ્ઞા લઈને સાવિત્રી સત્યવાન સાથે અરણ્યમાં જવા માટે નીકળે છે.


સત્યવાન સાવિત્રીને અરણ્યના સૌંદર્યનું દર્શન કરાવે છે પરંતુ સાવિત્રીનું મન તો આજે સત્યવાનના સંભવિત મૃત્યુને યાદ કરીને વેદના અનુભવે છે. સત્યવાન ફળ એકઠા કરે છે અને પછી લાકડા કાપે છે. લાકડા કાપતાં કાપતાં અચાનક સત્યવાનના મસ્તકમાં પીડા ઉપડે છે. પીડા તીવ્ર અને અસહ્ય બને છે, તદનંતર સત્યવાન સાવિત્રીને પોતાની પીડાની જાણ કરે છે અને સૂઈ જવા ઇચ્છા વ્યક્ત કરે છે. સાવિત્રી જમીન પર બેસે છે અને સત્યવાનનું મસ્તક પોતાની ગોદમાં લઈ લે છે અને તદનુસાર સત્યવાન સાવિત્રીની ગોદમાં મસ્તક મૂકીને શયન કરે છે.

સાવિત્રી જાણે છે કે નારદજીના કહેવા પ્રમાણે હવે સત્યવાનના મૃત્યુની ક્ષણ નજીક આવી છે.
બે ઘડીમાં જ સાવિત્રીએ જોયું કે એક દિવ્ય પુરુષ પ્રગટ થયેલ છે. તેમના શરીરનો વર્ણ ઉજ્જવળ શ્યામ છે. તેમના હાથમાં ગદા અને મસ્તક પર મુગટ છે. સાવિત્રી હાથ જોડીને પૂછે છે –
‘‘દેવ ! આપ કોણ છો અને શું કરવા ઈચ્છો છો ?’’
દેવપુરુષ કહે છે, “સાવિત્રી ! હું યમરાજ છું અને તારા પતિ સત્યવાનને લેવા માટે આવ્યો છું કારણ કે તારા પતિનું આયુષ્ય સમાપ્ત થયું છે.’’
યમરાજ સત્યવાનના જીવને શરીરમાંથી ખેંચી લે છે અને બાંધીને લઈ જવા માટે તત્પર થાય છે.

યમરાજ સત્યવાનના જીવને લઈને દક્ષિણ દિશામાં ચાલે છે. સાવિત્રી પણ યમરાજની પાછળ પાછળ ચાલે છે. યમરાજ સાવિત્રીને પાછા ફરવા અને સત્યવાનના અંત્યેષ્ટિ-સંસ્કાર કરવા સમજાવે છે.
સાવિત્રી પાછી ફરવા તૈયાર થતી નથી અને યમરાજને કહે છે, “પતિની ગતિ સાથે જ ગતિ તે જ પત્નીનો સનાતન ધર્મ છે.”
સાવિત્રીની પતિનિષ્ઠા અને અચલ ગતિ જોઈને યમરાજ પ્રસન્ન થઈને સાવિત્રીને કહે છે, ‘‘સાવિત્રી ! હું તારા પર પ્રસન્ન છું. તું સત્યવાનના જીવન સિવાય અન્ય કોઈ પણ વરદાન મારી પાસે માગી લે.”
સાવિત્રી વરદાન માગે છે, “મારા શ્વસુર મહારાજ ધુમત્સેનની આંખોની દૃષ્ટિ નષ્ટ થઈ ગઈ છે. આપની કૃપાથી તેમને આંખોની દૃષ્ટિ પુનઃ પ્રાપ્ત થાય.”

યમરાજ પ્રસન્ન થઈને કહે છે, ‘‘તથાસ્તુ ! સાવિત્રી, તારા શ્વસુર મહારાજ ધુમત્સેનને આંખોની દૃષ્ટિ પુનઃ પ્રાપ્ત થશે.”
યમરાજ હવે સાવિત્રીને પાછા ફરી જવા કહે છે, પરંતુ સાવિત્રીનો એક જ ઉત્તર છે – यतो हि भर्ता मम सा गतिर्धुवा
‘‘જ્યાં મારા પતિદેવ રહેશે, ત્યાં જ મારી ગતિ નિશ્ચિત છે.”
સાવિત્રીનો પતિપ્રેમ, નિષ્ઠા અને ઊંડી સમજ જોઈને યમરાજ પ્રસન્ન થઈ ગયા. યમરાજ હવે સાવિત્રીને ફરી એક વરદાન માગી લેવા કહે છે. સાવિત્રી વરદાન માગે છે, “મારા બુદ્ધિમાન અને ધર્માત્મા શ્વસુર મહારાજ ધુમત્સેને પોતાનું રાજ્ય ગુમાવ્યું છે. તેમને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત થાય. આ હું બીજું વરદાન માગું છું.”

યમરાજ કહે છે, ‘‘તથાસ્તુ ! તારા શ્વસુર મહારાજ ઘુમત્સેન પોતાનું રાજ્ય તુરત અનાયાસે પ્રાપ્ત કરી લેશે અને તેઓ પોતાનો ધર્મ કદી છોડશે નહિ.” ફરી એક વાર યમરાજ સાવિત્રીને પાછા ફરી જવાનો આગ્રહ કરે છે. અહીં સાવિત્રી હવે સતાનત ધર્મની સુંદર વ્યાખ્યા આપે છે
अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा ।
अनुग्रहश्व दानं च सतां धर्मः सनातनः ।।
महाभारत, वनपर्व : ३९७-३५
“મન, વાણી અને કર્મથી કોઈ પ્રાણીનો દ્રોહ ન કરવો; સર્વ પર દયાભાવ રાખવો અને દાન આપવું – આ સાધુપુરુષોનો સનાતન ધર્મ છે.”

સાવિત્રીની આ વાણીથી યમ પ્રસન્ન અને આનંદિત થાય છે અને સાવિત્રીને કહે છે, “હે સાવિત્રી ! હું તારા પર પ્રસન્ન છું. તું સત્યવાનના જીવન સિવાય અન્ય કોઈ પણ વરદાન માગી લે.’’ સાવિત્રી વરદાન માગે છે.
‘‘મારા પિતા અશ્વપતિ પુત્રહીન છે. મારા પિતાને 100 પુત્રોની પ્રાપ્તિ થાઓ અને તેમના દ્વારા તેમના કુળની સંતાન પરંપરા ચાલુ રહો.’’
યમરાજ કહે છે.
‘‘તથાસ્તુ! સાવિત્રી, તારા પિતા અશ્વસેનને સંતાન પરંપરા ચલાવનાર, તેજસ્વી 100 પુત્રો પ્રાપ્ત થશે. બેટા! હવે તું પાછી ફરી જા.’’ (ક્રમશ:)

Most Popular

To Top