Vadodara

ચોરીના 3 લાખના 24 મોબાઈલો વેચવા ફરતા 4 તસ્કરોને નવાપુરા પોલીસે ઝડપ્યાં

વડોદરા: શહેરનાં જાહેર સ્થળો નાગરિકોની નજર ચૂકવીને મોંઘાદાટ મોબાઈલની ઉઠાંતરી કરીને સસ્તા ભાવે વેચવા ફરતા ચાર મોબાઈલ ચોરોને નવાપુરા પોલીસ ની સર્વેલન્સ ટીમના પીએસઆઇ એમ ડી હડિયા અને સ્ટાફે બે ડઝન મોબાઈલના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા.

નવાપુરા પોલીસ મથકમા એલઆરડીની ફરજ બજાવતા કલ્પેશ દત્તારામ પવારને બંને ગુનાની બાતમી મળી હતી. જેમાં  ખંડેરાવ માર્કેટ પાસે આવેલ વ્રજસિદ્ધી ટાવર નજીક આવેલ દુકાનોમા બે ઈસમો ચોરીના મોબાઈલ વેચાવા જવાના છે. તે બાતમી આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતા બે ઈસમો ને અટકાવી અંગ ઝડતી લેતા 11 મોબાઈલ મળ્યાં હતા. મોબાઈલના બીલ માંગીને નામ ઠામ પૂછતા ઓગણીસ વર્ષ જીનો (૧) દિપક સતિષભાઈ અગ્રવાલ (રહે: કલાદર્શન ફ્લેટ, વાઘોડિયા રોડ) અને તેનો 22 વર્ષીય સાગરીત(૨) શૈલેષ અશોકભાઈ દેવીપૂજક (રહે: વેક્સિન ગ્રાઉન્ડની અંદર ઝૂંપડપટ્ટીમાં આજવા રોડ) હોવાની કબૂલાત કરીને બીલ અંગે ઉડાઉ જવાબ આપતા અટકાયત કરી હતી.

જયારે બીજા બનાવમાં મરીમાતાના ખાંચામાં બે ગઠિયાઓ મોબાઈલ વેચવાની પેરવી કરતા પોલીસના સકંજામાં સપડાઇ ગયા હતા. તદૃન લબર મૂછીયા જણાતા ઈસમો પાસેની સ્કુલ બેગ શંકાના આધારે તપાસ કરતા સ્માર્ટ ફોન સહિત 1.02 લાખ રૂપિયાના 13 મોબાઇલનો જથ્થો મળી આવ્યો હતો. વિશાલ બબલુભાઈ ચૌધરી (રહે: નયા ટોલા, કલ્યાણી મહરાજપુર બજાર,સાહિબ ગંજ, ઝારખંડ) અને રણજીત શેકરભાઈ ચૌધરી (રહે: કજીપુરા, જીલ્લો: ભાગરપુર, કહલગાવ બિહાર) ખાસ કરીને રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન તેમજ ભીડ વાળી જગ્યાઓ પર લોકોની નજર ચુકવીને મોબાઈલ તફડાવી લેતા હતા.

અઠંગ મોબાઈલ ચોરોએ સુરતના હજીરા, અડાજણ અને મહિધરપૂરાના વિસ્તારોમા ધાર્મિક પ્રસંગમાં મોબાઈલ ચોરી કરી હતી. તેમજ અમદાવાદમાંથી પણ મોબાઈલ તફડાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 2.06 લાખ રૂપિયાના 13 મોબાઈલ કબ્જે કરીને બંને તસ્કરોનો અટકાયત કરી હતી ચારેય મોબાઈલ ચોરોએ અન્ય કોઈને મોબાઈલ વેચાણ કર્યા છે કે કેમ તેમજ તેમનાં સાગરીતો અને સુત્રધાર ની ઊંડી પૂછતાછ હાથ ધરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top