વ્યારા: ઉકાઈ (Ukai) જળાશયમાં (Dam) 70 ટકાથી વધારે પાણી ભરાયાં છે. જેથી ઉપરવાસમાં વધુ વરસાદનાં (Rain) કારણે પાણીની આવકમાં જો ધરખમ વધારો થાય તો ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા અચાનક ઉકાઈ ડેમનાં રેડિયલ ગેટ (Gate) ખોલવા પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. તાપી નદી (River) કિનારા પરનાં ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઘર વખરી સહિતની સામગ્રી ઉપરાંત ઘરો પણ સંપૂર્ણ રીતે નાશ પામી શકે તેમ હોય, કોઈ નુકસાન કે જાનહાનિ થાય નહીં તે માટે તકેદારીના ભાગરૂપે તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના વાઘનેરા, ઘાસીયામેઢા, જમાપુર, પાંચપીપળા, સીસોર, ભાણપુર, સીંગપુર, વેકુર, બોરીસાવર જેવાં ગામોનાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તલાટી કમ મંત્રી તેમજ સરપંચોને તાકીદ કરાઈ છે.
- વાઘનેરા, ઘાસીયામેઢા, જમાપુર, પાંચપીપળા, સીસોર, ભાણપુર, સીંગપુર, વેકુર, બોરીસાવર ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તાકીદ
ઉકાઈ ડેમની સપાટી 332 ફૂટ નજીક પહોંચતાં આ સપાટીએ જળાશયમાં ૭૦ % પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. જે વોર્નિંગ સ્ટેજના લેવલે ગણાય છે. ગમે તે સમયે ઉકાઈ ડેમની સપાટી વરસાદી પાણીના કારણે વધવાની શક્યતા છે. જેથી આ વિસ્તારનાં નીચાણવાળા, પુર સંભવિત અસરગ્રસ્ત હેઠળ આવતા આ ગામોમાં સાવચેતીના પગલા લેવા તેમજ લોકોને નદીના વિસ્તારમાં આવન- જાવન ન કરે તેની ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા સરપંચો અને તલાટી કમ મંત્રીને જણાવ્યું છે.
ધોલી ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો, આઠ તાલુકામાં સામાન્ય વરસાદ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં રવિવારે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. આખો દિવસ ઉઘાડ રહ્યો હતો. શનિવારે સાંજથી રવિવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં આઠ તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જેમાં હાંસોટમાં ૧૨ મીમી, વાગરામાં ૧૦ મીમી, ભરૂચમાં ૦૯ મીમી તેમજ અન્ય તાલુકામાં 2થી 6 મીમી વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સાતપુડા તળેટીમાં આવેલો ધોલી ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો છે. પીંગોટમાં ૭૬.૯૯ ટકા અને બલદેવામાં ૮૬.૩૮ ટકા પાણી ભરાઈ ગયું છે.ઉપરવાસથી પાણી આવે તો ધોલી ડેમ રવિવારે ઓવરફલો થઇ જશે. આમ તો ઓગસ્ટ મહિનામાં ડેમો ભરાતા હોય છે. આ વર્ષે જુલાઈ મહિનામાં ત્રણેય ડેમો ભરાઈ જવાના સંજોગો ઉભા થયા છે. આ વખતે લગભગ ૨-૩ અઠવાડિયા વહેલો ડેમ ભરાતા કાર્યક્ષેત્રના ધરતીપુત્રો રાજીના રેડ થઇ ગયા છે.