SURAT

સુરતમાં રાત્રીના સમયે ઇલેક્ટ્રિક ગાડીની ડિકી ખોલીને ચોરી

સુરત : સરથાણામાં (Sarthana) રહેતા એક યુવકના ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી (Electric Scooter) અજાણ્યો રૂા.20 હજારની ચોરી (Theft) કરી ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલી જિલ્લાના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ પાસે અક્ષર કોમ્પલેક્ષમાં રહેતા હરેશ બાબુભાઇ ધાનાણી વરાછા યોગીચોક પાસે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે. તેઓએ તા. 11મીની રાત્રીએ હોસ્પિટલ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક સ્કૂટર પાર્ક કર્યું હતું અને તેમાં પોતાની પાસેના 20 હજાર રોકડા મુક્યા હતા.

બીજા દિવસે સવારે ખુબ જ વરસાદ આવતો હોવાથી હરેશ પોતાના મિત્રની ફોરવ્હીલરમાં ઘરે ગયો હતો. સાંજના સમયે તે નોકરીએ આવ્યો ત્યારે ડીકી ખોલીને જોયુ તો તેમાં રોકડા રૂા.20 હજાર હતા નહીં. આ બનાવ અંગે હરેશે હોસ્પિટલ સ્ટાફને વાત કરીને સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવક ડીકી ખોલીને તેમાંથી રૂપિયા ચોરતો નજરે પડ્યો હતો. બનાવ અંગે સરથાણા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નવસારીના કસ્બાપાર ગામે ઘરમાં ધાપ મારનાર રીઢો ચોર સુરતમાંથી પકડાયો
નવસારી : નવસારીના કસ્બાપાર ગામે થયેલી ચોરીના આરોપીને એલસીબીએ સુરતમાંથી 2.02 લાખના સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યો હતો. નવસારી તાલુકાના કસ્બાપાર ગામેથી સોનાના દાગીના ચોર ચોરી કરી નાસી ગયો હતો. બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો હતો. આ દરમિયાન નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે વિરાવળ બસસ્ટોપ પાસેથી સુરત અઠવાલાઇન હનુમાન ચાર રસ્તા પાસે ગોપીપુરા મોઘેશ્વરમંદિર પાસેથી સુરેશ ઉર્ફે સુરેશચંદ્ર શાંતિલાલ પિતલવાલાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 2 લાખ રૂપિયાના દાગીના કબજે કર્યા હતા. પોલીસે સુરેશની પૂછપરછ કરતા ત્રણેક મહિના પહેલા કસ્બાપાર ગામે ખુલ્લા મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપી સુરેશ વિરૂદ્ધ 16 ચોરીના ગુનાઓ નોંધાયા હતા તેમજ તેને 3 વખત પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસ મથક, અડાજણ પોલીસ મથકમાં 4 ગુના, રાંદેર પોલીસ મથકમાં 3 ગુના, ખટોદરા પોલીસ મથકમાં 2 ગુના, ઉમરા પોલીસ મથકમાં 3 ગુના, સરથાણ પોલીસ મથકે 1, ગોડાદરા પોલીસ મથકે 1 અને કતારગામ પોલીસ મથકે 1 ગુનો નોંધાયો હતો. જ્યારે ગત 2009, 2012 અને 2015 વર્ષમાં પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો.

Most Popular

To Top