Charchapatra

માનવશરીરમાં ડુક્કરનું હૃદય

વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર વારાહ (ડુક્કર) અવતાર છે. પણ હવે ડુક્કરના હૃદયને માનવશરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડીકલ સેન્ટરમાં ડો. ગ્રીફીથ અને ડો. મોહ્યુદ્દીનની ટીમે ૫૭ વર્ષની વયના ડેવીડ બેનેટ નામની વ્યકિતમાં ડુક્કરના જીનેટીકલી મોડીફાઇડ હાર્ટનું ૭ મી જાન્યુઆરીએ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. પણ ડુક્કરના હૃદયમાં વાઇરસ ઇન્ફેકશન લાગવાથી ટ્રાન્સપ્લાન્ટના બે માસ બાદ ૮ મી માર્ચે ડેવીડ બેનેટનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ જૂન માસમાં સર્જનોએ જીનેટીકલી મોડીફાઇડ હાર્ટને લોરેન્સ કેલી નામની વ્યકિતમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. એ જ રીતે ૬ ઠ્ઠી જુલાઇએ પણ ડુક્કરના હૃદયને અન્ય એક બ્રેઇનડેડ દર્દીની છાતીમાં આરોપણ કરાયું હતું. સર્જન નાદર મોઝમીએ એક ન્યુઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસ સુધી ડુક્કરના હૃદયે કામ કર્યું હતું. ગયા વર્ષે મેરીલેન્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં ડોકટરોએ ડુક્કરના હૃદયને એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, જે ૪૯ દિવસ સુધી ધબકતું રહ્યું હતું.

સંશોધકોએ કહ્યું કે માનવઅંગોની અછતની સમસ્યાને દૂર કરવા માટેના લક્ષ્યમાં આ એક મોટું પગલું છે. ડોકટર મોન્ટ ગોમેરીએ જણાવ્યું કે અમેરિકામાં એક લાખથી વધુ  લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઇ રહ્યા છે. ડુક્કરના અંગોના મનુષ્યના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના પ્રયોગોમાં સફળ થવાથી આ સમસ્યા દૂર થઇ શકશે. ડુક્કરનું જ હૃદય કેમ? કારણ કે ડુક્કરના હૃદયની સાઇઝ માણસના હૃદય જેટલી જ હોવાથી અને તેને જીનેટીકલી મોડીફાઇ કરવું સરળ હોવાથી ડુક્કરના હૃદયને પસંદ કરવામાં આવ્યું છે. આ જ રીતે ડુક્કરનાં અન્ય અંગો જેવાં કે લીવર, કીડની, ફેફસાંનો પણ ઉપયોગ માણસના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે થઇ શકશે. મેડીકલ સાયન્સ ગજબની અવનવી શોધો કરી રહ્યું છે, જેને કારણે માણસનો લાઇફસ્પાન ઘણો જ વધશે!
શિકાગો    – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top