કોચી: કેરળના (Kerala) કોચી એરપોર્ટ (Kochi Airport) પર આજે સાંજે શારજાહથી આવેલ એર અરેબિયાની એક ફ્લાઇટના (Flight) ઉતરાણ વખતે તેની હાઇડ્રોલિક સિસ્ટમ ફેઇલ (Fail) થઇ જતા એરપોર્ટ (Airport) પર ફુલ ઇમરજન્સી (Emergency) જાહેર કરવામાં આવી હતી અને વિમાનને સલામત રીતે ઉતરાણ કરાવાયું હતું. કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) એ આ અંગેની જાણકારી આપી હતી. જોકે પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતુ તેમજ સવાર તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સુરક્ષિત છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી પેસેન્જર પ્લેનમાં ખામીના સતત અહેવાલો આવી રહ્યા છે.
- એર અરેબિયા પ્લેનમાં ખરાબી, ફ્લાઇટના ઉતરાણ વખતે તેની હાઇડ્રોલિક સિસ્ટમ ફેઇલ
- કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેનના તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સુરક્ષિત
- વિમાનને રન-વે પર ખેંચવાની જરૂર પડી
- આ ઘટના દરમ્યાન અન્ય બે ફ્લાઇટો બીજા એરપોર્ટો તરફ ડાઇવર્ટ કરવી પડી
એર અરેબિયાની ફ્લાઇટ જી૯-૪૨૬ કે જે સાંજે ૭.૧૩ કલાકે ઉતરાણ કરવાની હતી તેના પાયલોટો તરફથી લેન્ડિંગના થોડા સમય પહેલા જ હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ જઇ રહી હોવાની જાણ એરપોર્ટ કન્ટ્રોલને કરી દેવામાં આવી હતી જેના પછી કોચી એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને સંભવિત તમામ ઘટનાઓ માટે પુરી તૈયારી કરવામાં આવી હતી. જો કે નિર્ધારિત સમયના થોડી વાર પછી ૭.૨૯ કલાકે રન-વે ૦૯ પર વિમાને સલામત ઉતરાણ કર્યું હતું. વિમાનને ફક્ત ટોઇંગ કરવાની જ જરૂર પડી હતી. વિમાનના તમામ ૨૨૨ મુસાફરો અને સાત કર્મચારીઓ સલામત હોવાનું જાહેર કરાયું હતું. આના પછી ફુલ ઇમરજન્સી રાત્રે ૮.૨૨ કલાકે પાછી ખેંચી લેવામાં આવી હતી.
કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટના એમડીએ જણાવ્યું હતું કે સંકલિત અને સહિયારા પ્રયાસોને કારણે આ સ્થિતિમાં સલામત ઉતરાણ શક્ય બન્યું હતું. એરપોર્ટની સેફટી સિસ્ટમોએ અસરકારક રીતે કામ કર્યું હતું અને ૪૫ મિનિમાં તો એરપોર્ટ પરના અન્ય ચડાણ-ઉતરાણ ફરી શરૂ કરી શકાયા હતા. આ કટોકટી દરમ્યાન અન્ય બે ફ્લાઇટોને બીજા એરપોર્ટો તરફ વાળવામાં આવી હતી. ગો ફર્સ્ટની ફ્લાઇટને કન્નુર એરપોર્ટ પર અને એર અરેબિયાની બીજી એક ફ્લાઇટને કોઇમ્બતુર ડાઇવર્ટ કરવામાં આવી હતી.