જંબુસર: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર તાલુકામાં બે અગલ-અગલ સ્થળે બે મકાન ધરાશાયી થયા હતા. જંબુસરમાં આવેલા જુમ્મા મસ્જિદ (Jumma Masjid) વિસ્તારમાં એક મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. તેમજ કોરા ગામે પણ એક મકાન ધરાશાયી થયું હતું. જો કે, બંને ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ (Red alert) વચ્ચે મકાનો, દીવાલો તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે જંબુસરમાં આવેલી જુમ્મા મસ્જિદ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ હુસૈન સૈયદનું બે માળનું મકાન ગુરુવારે એકાએક ધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયીની ઘટનાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી હતી. જો કે, પરિવાર પાછળના ભાગે હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મકાનો, દીવાલો તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે ત્યારે જંબુસરમાં આવેલી જુમ્મા મસ્જિદ વિસ્તારમાં ઘટેલી ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે અન્ય મકાન ધરાશાયી થવાની ઘટના કોરા ગામની નવી નગરી વિસ્તારમાં બની છે. જ્યાં છત ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ બંને ઘટનામાં મકાનમાલિકોને ભારે નુકસાન થયું હતું.
માનવતાની મહેક: મહુવા પોલીસે ઘરમાં પાણી ભરાઈ જતાં વૃદ્ધને ખાટલા સાથે સલામત ખસેડ્યા
અનાવલ: મહુવા તાલુકાના તરકાણી ગામે તળાવ ઓવરફ્લો થતાં જ નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા સોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મહુવા પોલીસે પણ ઊંડા પાણીમાં ઊતરી લોકોની પડખે રહ્યા હતા. ગામના જ વડીલ ચાલી શકવામાં અસમર્થ હોય ત્યારે તેમને તેમના ઘરમાંથી તેમના ખાટલા સાથે જ ઊંડા પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાયા હતા.
ઝઘડિયાના ઉમલ્લા ગામે લીમડાનાં બે વૃક્ષ ધરાશાયી
ઝઘડિયા: ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ થતાં તેને પગલે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી જતાં ઠેર ઠેર જળબંબાકાર થઇ ગયો હતો. ભારે વરસાદથી જાહેર માર્ગો પરના તેમજ રહેણાકો નજીકનાં તેમજ ખેતરોમાં આવેલાં ઘણાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ભારે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે બેન્ક ઓફ બરોડા નજીક આવેલ લીમડાની મોટી ડાળી તૂટી પાડતાં ભારે વીજ પ્રવાહ ખોરવાયો હતો. આ ઉપરાંત ઉમલ્લા ગામે આવેલા તળાવની પાળ ઉપર આવેલું એક વર્ષોજૂનું લીમડાનું વૃક્ષ પણ ધરાશાયી થતાં વીજપોલ તેમજ વીજલાઇનને નુકસાન થયું હતું. આ ઘટનાઓમાં સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં થતાં તંત્ર અને જનતાએ રાહત અનુભવી હતી.