આણંદ : આણંદ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા ગયા સપ્તાહે યોજાયેલા આણંદ અને બાકરોલના ભરતી મેળામાં 145 ઉમેદવારને રોજગારી આપવામાં આવી હતી. આ ભરતી મેળામાં 285 ઉમેદવારો હાજર રહ્યાં હતાં. જેમાં 145ની પસંદગી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા 6ઠ્ઠી અને 8મી જુલાઇના રોજ આણંદ અને બાકરોલ ખાતે બે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળા અંગે જિલ્લા રોજગાર અધિકારી ડી. કે. ભટ્ટે જણાવ્યું હતું કે, રોજગાર કચેરી દ્વારા કુલ 151 ખાલી જગ્યાઓ નોટીફાઇડ કરવામાં આવી હતી. જેમાં આ બંને ભરતી મેળામાં 285 ઉમેદવારો હાજર રહ્યાં હતાં.
આ હાજર રહેલા ઉમેદવારોના 21 નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી 145 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત સરકારે મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના, મુખ્ય મંત્રી એપ્રેન્ટિસશીપ યોજના જેવી અનેક યોજનાઓના માધ્યમથી યુવાનો માટેનો પથ અંકિત કર્યો છે. શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર કચેરીઓ કૌશલ્ય સજજ યુવાનોને થાળે પાડવાની મહત્વની કામગીરી પાર પાડી રહી છે.
જુલાઇ મહિનામાં ચાર જગ્યાએ ભરતી મેળા યોજાશે
આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જુલાઇ માસ દરમિયાન 15મીના રોજ ખંભાત ખાતે, 20મીના રોજ ઉમરેઠ ખાતે 22મી અને 29મીના રોજ આણંદ ખાતે જયારે તા. 27મીના રોજ વલ્લભવિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં હાજર રહેલા ઉમેદવારોને રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર63573 90390 ચાલુ કરવામાં આવ્યો છે. .
અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા ભલામણ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ લાવવા અને નોકરીદાતાઓને સરળતાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તે માટે અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ અનુબંધમ પોર્ટલ ઉપર ઉમેદવારો અને નોકરીદાતાઓને રજિસ્ટ્રેશન કરાવવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.