લંડન : આત્મવિશ્વાસ સભર ભારતીય ટીમ (Indian Team) ગુરૂવારે જ્યારે અહીં લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket Ground) પર બીજી વન ડે (One Day) રમવા માટે મેદાને પડશે ત્યારે તેમનો ઇરાદો ઇંગ્લેન્ડ પરનું પ્રભુત્વ જાળવીને ત્રણ મેચની સીરિઝમાં અજેય સરસાઇ બનાવી લેવાનો રહેશે. આવતીકાલની મેચમાં પણ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું રમવું શંકાસ્પદ છે. લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહેલા કોહલીને ગ્રોઇનના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે તે પહેલી વન ડે રમી શક્યો નહોતો અને હજુ એ સ્પષ્ટ નથી કે તે બીજી મેચમાં પણ ફિટ થશે કે નહીં.
મર્યાદિત ઓવરોની મેચમાં જો કે કોહલીના પ્રદર્શનથી વધુ અસર પડી નથી, કારણકે ટીમ વન ડે અને ટી-20માં સારું પ્રદર્શન કરી રહી છે. ઇંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝ 2-1થી જીત્યા પછી ભારતીય ટીમે મંગળવારે પહેલી વન ડેમાં 10 વિકેટે સરળ જીત મેળવી હતી. કોહલીની ગેરહાજરીનું નેગેટિવ પાસુ એ છે કે દેશના ટોચના બેટ્સમેનને પ્રેસરયુક્ત મેચમાં નક્કર પ્રદર્શન કરવાની તક નથી મળતી જ્યારે બીજુ પાસુ એ છે કે અન્ય બેટ્સમેનોને પોતાની જાતને સાબિત કરવાની તક મળી રહી છે.
બીજી મેચમાં કોહલીની ઉપલબ્ધતા અંગે સવાલ પુછાતા પહેલી મેચના હીરો જસપ્રીત બુમરાહે કહ્યું હતું કે હું અંતિમ ટી-20 નહોતો રમ્યો અને કોહલી પહેલી વન ડે નથી રમ્યો, તેથી મારી પાસે તેની ઇજા અંગે કોઇ અપડેટ નથી. કોહલી જો સો ટકા ફિટનેસ વગર મેદાને ઉતરશે તો ગ્રોઇનના સ્નાયુ ખેંચાવાની ઇજા મોટી ઇજામાં ફેરવાઇ શકે છે.
ICC વન ડે ટીમ રેન્કિંગ : પાકિસ્તાનને પછાડી ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું
દુબઇ, તા. 13 (પીટીઆઇ) : ઇંગ્લેન્ડ સામેની ત્રણ વન ડે મેચની સીરિઝની પહેલી મેચમાં 10 વિકેટે જીત મેળવવાની સાથે જ ભારતીય ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ની બુધવારે જાહેર કરવામાં આવેલી વન ડે ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનને પછાડીને ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું. આ વન ડે પહેલા ભારતીય ટીમ 105 પોઇન્ટ સાથે ચોથા સ્થાને હતું પણ મંગળવારે ઇંગ્લેન્ડ પર 10 વિકેટની જીત સાથે ભારતના રેટીંગ પોઇન્ટ 108 થતાં તે ત્રીજા સ્થાને જ્યારે પાકિસ્તાન 106 પોઇન્ટ સાથે ચોથા સ્થાને સરકી ગયું છે.
ટીમ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ 106 પોઇન્ટ સાથે ટોપ પર છે, જ્યારે ઇંગ્લેન્ડ 122 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જો ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની બાકીની બંને વન ડે જીતશે તો ત્રીજા સ્થાને તે પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી લેશે, પણ જો હારશે તો ફરી એકવાર તે ચોથા સ્થાને સરકી શકે છે.