મહિલા ક્રિકેટની સ્થિતિ હજુ ય કાંઇ એવી તો સારી નથી કે મહિલા ક્રિકેટરો ગૌરવ અનુભવે. સ્થિતિ સારી નથી એટલે જ તેમનો સંઘર્ષ કહેવા જેવો છે. હમણા મિથિલા રાજ નામની આપણી મહિલા ક્રિકેટરના જીવન આધારે બનેલી ‘શાબાશ મિથુ’ ફિલ્મ રજૂ થઇ રહી છે. તાપસી પન્નુ તેમાં મિથિલા બની ક્રિકેટ રમશે. (12 ટેસ્ટમાં 699 રન, 232 વુમન્સ વનડેમાં 7805 રન અને એ જ રીતે 89 T – 20માં 2364 રન) અત્યારની ઉત્તમ એક્ટ્રેસમાં તાપસી તેની રજૂ થતી દરેક ફિલ્મે ચર્ચામાં આવી જાય છે. પોતાને મળેલું પાત્ર તે ઊંડી સમજ સાથે ભજવે છે, એટલે મિથિલા તરીકે પણ તે સારો સ્કોર કરશે. ‘મિશન ઇમ્પોસિબલ’ની તાપસી માટે એકટિંગ ઇમ્પોસિબલ મિશન નથી.
તે ‘ડેર એન્ડ લવલી’ એકટ્રેસ છે. (આ નામની તેની ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ થઇ ચુકી છે) તાપસી પોતાના કામમાં ફોકસડ રહે છે અને હવે તો તે સ્વયં ફિલ્મ નિર્માત્રી પણ બની છે, જેમાં સમૅન્થા રુથ મુખ્ય ભજવવાની છે. પોતે ફિલ્મ બતાવે અને બીજી અભિનેત્રીને મુખ્ય ભૂમિકા આપે એવું કોઇક જ કરે, પણ તાપસી હંમેશા આત્મવિશ્વાસપૂર્વક કામ કરે છે. બાકી તે કહે છે કે હું સોશિયલ એકટર નથી કે જુદા જુદા લોકોને મળવામાં સમય કાઢે. હા, કોઇ લેખક સારા વિષય સાથે મળવા આવે તો જરૂર સમય કાઢીશ. તાપસીએ પોતાના પ્રોડકશન હાઉસનું નામ ‘આઉટ સાઇડર્સ ફિલ્મ્સ’ રાખ્યું છે જે સૂચક છે.
તાપસીની છેલ્લી ચારેક ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રજૂ થઇ એટલે થવી જોઇતી ચર્ચા ન થઈ, પણ હવે ‘શાબાશ મિથુ’થી તે ફરી થિયેટરોમાં દેખાશે. તે પછી ‘તડકા’, ‘બ્લર’ ફિલ્મો આવી રહી છે. ‘ડકી’ નામની ફિલ્મ તે રાજકુમાર હીરાની સાથે કરી રહી છે અને તેમાં શાહરૂખ ખાન હીરો છે. શાહરૂખ સાથે તેણે અગાઉ કામ નથી કર્યું અને રાજકુમાર હીરાની સાથે પણ પહેલી જ વાર કામ કરશે. પર્ફેક્શનિસ્ટ સાથે કામ કરતી વેળા તેનું ક્રિયેટિવિટી લેવલ વધી જાય છે.
ત્યાર પછી આપણા પ્રતિક ગાંધી સાથે ‘વો લડકી હે કહાં’ તે લેડી પોલીસ બની કોમેડી કરશે. તેની પાછળ નાના પાટેકર સાથેની ‘જન ગણ મન’ આવશે. તાપસીની આ બધી જ ફિલ્મો એવી છે જે પ્રેક્ષકોમાં આકર્ષણ જગાડી શકે. આવી ફિલ્મ વચ્ચે તે પોતાની ફિલ્મ પણ બનાવશે. તે હવે તમિલ – તેલુગુ ફિલ્મોમાં કામ નથી કરતી, પરંતુ તે 2017 પછી ‘આનંદો બ્રહ્મા’ નામની તેલુગુ ફિલ્મમાં હમણાં કામ કરી ચુકી છે. એ જ રીતે અનુરાગ કશ્યપ સાથે ‘મનમર્ઝીયા’ પછી હમણા ‘દોબારા’માં કામ કરે છે, જે મૂળ એક સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ પર આધારીત છે. ‘દોબારા’ આવતા મહિને રજૂ થવાની છે. તાપસી હમણાં આ બધા કારણે ખુશ છે. •