શું સલમાન ખાન હવે હીરો તરીકે નિવૃત્ત થઇ રહ્યો છે? અત્યારે હીરો તરીકે તેની પાસે એક જ ફિલ્મ છે – ‘ડાન્સિંગ ડેડ.’ જેમાં 13 વર્ષની દીકરી અને તેના પિતાના સંબંધની વાત છે. સલમાન હવે કદાચ સિકવલને આગળ વધારવા માંગતો નથી. તે પોતાના એકશન ફિલ્મોથી દૂર લઇ જવા માંડયો છે અને ‘બજરંગી ભાઇજાન’ જેવી ઇમોશનલ ફિલ્મ બનાવવા માંગે છે. જો કે તેના માટે આ મુશ્કેલ છે, કારણ કે તે એક રોમેન્ટિક સ્ટાર તરીકે લોકોનો ખાસ છે. પણ હવે તે રોમેન્ટિક ફિલ્મો કરવા જેવો રહ્યો નથી.
સલમાન અત્યારે પોતાને વ્યસ્ત રાખવાના બીજા વિકલ્પો શોધી રહ્યો છે અને એક સાથે 2 દસ્તાવેજી ફિલ્મ બનાવી રહ્યો છે. એક દસ્તાવેજી ફિલ્મ તેના પિતા સલીમ ખાન અને જાવેદ અખ્તરને કેન્દ્રમાં રાખી ‘એંગ્રી યંગ મેન’ નામે બનાવશે. સલીમ અને જાવેદે જ અમિતાભને ‘એંગ્રી યંગ મેન’ની ઇમેજ આપી હતી. આ ડોકયુમેન્ટ્રી સલમાન ખાન એ ફરહાન અખ્તર સાથે રહીને જ બનાવી રહ્યો છે. મતલબ કે સલમ જાવેદના બંને દીકરા આ ફિલ્મ બનાવશે. આ ફિલ્મનું દિગ્દર્શન નમ્રતા રાવને સોંપાયું છે. સલમાન ખાન બીજી એક ડોકયુમેન્ટ્રીના કામમાં પણ લાગી ગયો છે. ‘બિયોન્ડ ધ સ્ટાર’ નામની આ ડોકયુ – સિરીઝ સલમાનની સ્ટાર તરીકેની કારકિર્દીને વર્ણવશે. તેને આ સિરીઝ બનાવવાનો વિચાર લુલીયા વંતૂરે આપ્યો છે.
સલમાન હવે હીરો બનવાથી દૂર ભાગી રહ્યો છે અને નિર્માતા તરીકે જ કશુંક કરવા માંગે છે. આમ પણ નિર્માતા તરીકે તે ‘ચિલ્લર પાર્ટી’, ‘બજરંગી ભાઇજાન’, ‘હીરો’, ‘ટયુબલાઇટ’, ‘રેસ – 3’, ‘લવયાત્રી’ અને ‘નોટબુક’, ‘દબંગ – 3’ જેવી ફિલ્મો ઉપરાંત ‘ધ કપિલ શર્મા શો’નો નિર્માતા છે જ. અત્યારે તે ‘કભી ઇદ કભી દિવાલી’ કે જેને હવે ‘ભાઇજાન’ નામ અપાયું છે તેમાં રોકાયેલો છે, પણ ત્રણેક વર્ષથી આ ફિલ્મ આગળ નથી વધી રહી. તેમાં તે શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને લઇ આગળ વધવા માંગે છે. આ વખતે તેમાં સાઉથના વેંકટેશને પણ ઉમેરી ચૂકયો છે અને પૂજા હેગડે તો છે જ. પણ છેલ્લે ‘અંતિમ’ નિષ્ફળ ગયા પછી તે સાવધાનીના મોડ પર છે.
એટલે જ ફિલ્મના શીર્ષકથી માંડી નક્કી કરેલા કલાકારો પણ બદલી રહ્યો છે. છેલ્લા સમાચાર મુજબ તે રામચરણને પણ આ ફિલ્મમાં ઉમેરવાનો છે. પોતાના સ્ટારડમ પર તેનો વિશ્વાસ ઘટી ગયો છે તે સ્પષ્ટ છે. આ ઘટેલા આત્મવિશ્વાસનો બીજો પૂરાવો એ કે શાહરૂખ ખાન સાથે તે ‘પઠાન’ ફિલ્મમાં એક ભૂમિકા કરી રહ્યો છે. કરણ જોહરની એ ફિલ્મ છે, એટલે ના પાડી પણ ન શકે. તેના મનમાં ‘ટાઇગર’ની વધુ એક સિકવલ પણ ચાલી રહી છે. પણ હજુ વધુ ચોંકાવનારી વાત એ છે કે હવે તે ‘ગોડ ફાધર’ નામની તેલુગુ ફિલ્મ માટે તૈયાર થયો છે.
એ રાજકીય થ્રીલર એકશન ફિલ્મમાં ચિરંજીવી, નયનતારા સાથે સલમાન કામ કરી રહ્યો છે. કોઇ પણ વિચારશે કે સલમાન એ બધુ કરી રહ્યો છે જે આજ સુધી નહોતો કરતો. અત્યારે સલમાન જ નહીં તેના બંને ભાઇઓ પણ ધીમા પડી ગયા છે, કારણ કે સલમાન હીરો બનવાનો હોય તો જ તેઓ નિર્માતા યા દિગ્દર્શક બનવાના હોય. 56 વર્ષનો થઇ ચૂકેલો સલમાન જાણે છે કે હવે તેની ચર્ચા ઓછી થાય છે. હીરો તરીકે તેનાથી વધુ અક્ષયકુમાર, અજય દેવગણ ઉપરાંત રણબીર કપૂર, ઋતિક રોશન, વિકી કૌશલ, રણવીર સીંઘ અને સાઉથના અમુક સ્ટાર્સ ચર્ચાવા માંડયા છે. આ કારણે જ તે આમીર ખાનની ‘લાલસીંઘ ચઢ્ઢા’નો ય ભાગ બન્યો છે.
મતલબ કે ચર્ચામાં રહેતી ફિલ્મ વડે તે ચર્ચામાં રહેવા માંગે છે. આ ફિલ્મોમાં કોઇ અક્ષયકુમાર, અજય દેવગણ, અમિતાભ બચ્ચન કે રણબીર કપૂર સાથેની ફિલ્મો નથી. જાણે ત્રણે ખાન ભેગા થઇ એકબીજાને સપોર્ટ કરવાના મૂડમાં છે. સલમાન કાંઇ અમિતાભ બચ્ચનની જેમ બીજા પ્રકારની ફિલ્મો કરવા માંડે એવો તો નથી અને સંજય દત્તની જેમ વિલન તરીકે પણ રોલ કરે એવું નથી. અત્યારે તે પરિવર્તનના સમયમાં છે. એટલે હીરો તરીકે આગળ વધી વધારે જોખમ લેવા માંગતો નથી અને બહારના નિર્માતા તેને લઇ ફિલ્મ બનાવવા તૈયાર નથી. સલમાન જે હીરોઇનો સાથે કામ કરતો તે પણ પ્રૌઢ બની ચૂકી છે. એટલે જુઓ હવે કયા રોલમાં સલમાન ફીટ થશે. •