સુરત(Surat) : છેલ્લાં એકાદ અઠવાડિયાથી સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાત વરસી રહ્યો છે. સતત વરસાદના (Rain) લીધે સુરત શહેરમાં અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. ડ્રેનેજ ઉભરાઈ રહી છે. મેટ્રોનું કામ ચાલતું હોવાના લીધે રસ્તા સાંકડા અને ઉબડખાબડ થયા છે, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓ હેરાન થઈ રહ્યાં છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં મેટ્રોનું કામ જોરશોરથી ચાલતું હોય વાહનો હંકારવા માટે રસ્તો જ મળી રહ્યો નથી, તેમાં વરસાદના લીધે રસ્તા તૂટી ગયા છે. ખાડા પડી ગયા છે. આ સિવાય વેસુ, અડાજણ, લિંબાયત, વરાછા સહિત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના લીધે રસ્તા તૂટ્યા છે. પાલ ઉમરા બ્રિજના ઉમરા છેડે તો ભૂવો પડી ગયો હતો. અગાઉ ઉધના રોડનો રસ્તો પણ બેસી ગયો હતો. સ્માર્ટ સિટી કહેવાતા સુરતના રસ્તાઓએ તંત્રની પોલ ઉઘાડી પાડી છે, ત્યારે સુરત મનપાનું તંત્ર પ્રજાને થતી હેરાનગતિને દૂર કરવા માટે રસ્તાઓ રિપેર કરવાના બદલે શાસકોની સેવામાં વ્યસ્ત હોવાનું ચિત્ર ઉભું થયું છે. વાત એમ છે કે ભારે વરસાદના લીધે સુરતના મેયરના નવા કરોડોના બંગલાની સામે રસ્તામાં ખાડો પડી ગયો હતો અને તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. તેની તસવીર ગુજરાત મિત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ મેયરના બંગલા સામેનો આ ખાડો પૂરી દેવાયો હતો, બીજી તરફ સુરત શહેરના રસ્તાઓની બદતર હાલત હજુ પણ યથાવત છે, તેની પર તંત્ર ધ્યાન આપી રહ્યું નથી.
શહેરના પ્રથમ નાગરિક મેયર બંગલા (Mayor Bungalow) પાસે પણ ખાડા (Pit) પડી ગયા હતા જે અંગે ‘ગુજરાતમિત્ર’ દ્વારા ફોટો પ્રકાશિત કરાતા તાબડતોબ બીજે જ દિવસે તંત્રએ અહી ખાડા પુરવાની કામગીરી કરી હતી. ત્યારે શહેરભરમાં પડેલા ખાડાઓ અંગે હજી કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી તેવો રોષ શહેરીજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શું વેરો ફક્ત મેયર ભરે છે? સુરતીઓ વેરો નથી ભરતા? માત્ર ખાડા પૂરવાથી કંઇ નહીં થાય રોડ કોન્ટ્રાક્ટર પણ દંડાવા જોઇએ. કારણ કે, સુરતીઓ મહેનત કરી પરસેવો પાડે છે ત્યારે પૈસા કમાઇ છે અને તેમાંથી જ સુરત મહાનગર પાલિકામાં વેરો ભરે છે.