આવતા અઠવાડિયે વધુ એક સ્પોર્ટસ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું નામ છે ‘શાબાશ મીઠુ.’ ફિલ્મ હાલમાં ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમમાંથી નિવૃત્ત થનારાં મિતાલી રાજના જીવન પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર જોતાં એમ લાગે છે કે તેમાં મિતાલીના સંઘર્ષનું ચિત્રણ છે. મિતાલીના અંગત જીવન સિવાયનો બીજો સંઘર્ષ મહિલા ક્રિકેટરોને ઓળખ અપાવવાનો છે. થોડા વખત પહેલાં ‘83’ ફિલ્મ રજૂ થઈ હતી.
‘83’ ફિલ્મનો વિષય 1983માં ક્રિકેટ વિશ્વવિજેતા બનેલી ભારતીય ટીમ હતી. તેમાં પણ અન્ડરડોગ તરીકે ગયેલી ટીમ કેવી રીતે વર્લ્ડ કપ વિજેતા બને છે તેની કહાની છે. સ્પોર્ટસ ફિલ્મોમાં મેદાની સંઘર્ષની મહત્તમ વાત દર્શાવાય છે. તેમાં પોતાનો સંઘર્ષ અને સાથે સાથે દેશમાં સ્પોર્ટસને મહત્ત્વ નથી મળતું તેનો પણ સંઘર્ષ વણાય છે. એમ કરીને 3 કલાકની એક જીવન અને સ્પોર્ટસ આધારિત સરસ ફિલ્મ બને છે. છેલ્લાં વર્ષોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સ્પોર્ટસ ફિલ્મનું ચલણ ખાસ્સું વધ્યું છે અને તેનું એક કારણ સ્પોર્ટસ પર્સાનિલિટી તરફથી મળતી મજબૂત સ્ટોરીઝ છે.
સ્પોર્ટસ આધારિત છેલ્લે જે ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી તે ‘83’ છે. આ ફિલ્મના ડિરેક્ટર કબીર ખાન છે અને તેમણે પૂરા વર્લ્ડકપના ચિત્રણને 162 મિનિટમાં ખૂબસૂરતીથી બતાવ્યું છે. આ ફિલ્મ નિર્માણ કરવી મુશ્કેલ હતી કારણ કે તેમાં કેરેક્ટરની સંખ્યા વધુ હતી. ઉપરાંત તેમાં વર્લ્ડકપ જેવી ઇવેન્ટ દર્શાવવાની હતી અને તેમાં ભારત પ્રથમ વાર વિશ્વવિજેતા બન્યું હતું. ટીમ ઇન્ડિયાની વિજયની દૂર દૂર સુધી કોઈ આશા નહોતી. ફિલ્મમાં દર્શાવાય છે તેમ માત્ર ભાગ લેવા ખાતર ગઈ હોય તેવું વલણ ખેલાડીઓનું હતું પણ ત્યાં પહોંચ્યા પછી ટીમના કેપ્ટન કપિલ દેવ સહુમાં વિશ્વવિજેતા બનવાનો જુસ્સો ભરે છે. ધીરે ધીરે આ મજલ કપાય છે તેમ ખેલાડીઓને પણ આત્મવિશ્વાસ આવે છે કે આપણે પણ વિશ્વવિજેતા બની શકીએ છીએ.
જો કે ભારતીય ટીમને વિશ્વવિજેતા બનવામાં સૌથી મોટો પડકાર વેસ્ટઇન્ડિઝની ટીમ હતી, જે ક્રિકેટની ઓલટાઈમ બેસ્ટ ટીમ કહેવાય છે. તેને હરાવવી સૌથી મુશ્કેલ મનાતું અને ભારત વેસ્ટઇન્ડિઝને હરાવે તો તે ક્રિકેટ ફેન સ્વપ્નેય ન વિચારી શકે પણ વર્લ્ડ કપમાં એ સ્ટેજ આવે છે જ્યારે સૌને એવું લાગે છે કે હવે ભારત જીતશે અને આખરે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બને છે. આ એક મજબૂત સ્ટોરી છે. ઉપરાંત તેની સાથે એક આખી પેઢીની લાગણી જોડાયેલી છે. આજે પણ ક્રિકેટ ફેન્સ આ જીતને અવારનવાર હાઇલાઇટ્સમાં નિહાળે છે, તેની અવનવી વાતો સાંભળવા મળે છે. પરંતુ હજુ સુધી આ સ્ટોરીને ફિલ્મોમાં લાવવાનો પ્રયાસ થયો નહોતો અને તે પ્રયાસ થયો તો તેને સારો એવો પ્રતિસાદ મળ્યો. મૂળે સ્પોર્ટસ ફિલ્મમાં સરળતાથી વિષય મળે છે, પછી તેને યોગ્ય રીતે પડદા પર લાવવાનો રહે છે.
અત્યાર સુધી સ્પોર્ટસ ફિલ્મોમાં મહદંશે વિદેશી ફિલ્મો પર નજર કરવાની રહેતી. આપણે ત્યાં સ્પોર્ટસ ફિલ્મો બની તેમાં સ્પોર્ટસની સ્ટોરીને ટેક્નિકલી દર્શાવવાનો પ્રશ્ન હતો. તેમાં ટેકનોલોજી પર આધાર વધુ રહે અથવા તો તે શૂટ કરવામાં દિવસોના દિવસો લાગી જાય છે. તેમ છતાં અગાઉ જે સ્પોર્ટસ ફિલ્મ બની અને મજબૂત રીતે તેની સ્ટોરી કહેવાઈ છે તેમાં ‘ચક દે ઇન્ડિયા’ અને ‘ઇકબાલ’નું નામ લઈ શકાય. ઉપરાંત ‘લગાન’ ફિલ્મને પણ સ્પોર્ટસ ફિલ્મ તરીકે કન્સિડર કરવી જોઈએ. આ ત્રણેય ફિલ્મોમાં સ્પોર્ટસની આંટીઘૂંટીને કેમેરામાં સરસ રીતે કેદ કરાઈ છે. ‘ઇકબાલ’તો ઓછા બજેટમાં બની હોવા છતાં તે ઉમદા ફિલ્મ છે. ‘લગાન’ પણ એ રીતે સ્પોર્ટસ ફિલ્મ છે.
‘લગાન’ ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાર્તા ધરાવે છે તેથી તેમાં થોડી છૂટછાટનો અવકાશ હતો તેમ છતાં તેના શૂટીંગ દરમિયાન થયેલી જહેમતના કિસ્સા ખૂબ છે. ‘મેકિંગ ઓફ લગાન’માં ડિરેક્ટર આશુતોષ ગોવારીકર કહે છે કે અંગ્રેજ ટીમના કેપ્ટન રસેલની ભૂમિકા ભજવતાં પાત્રને ક્રિકેટ જરાસરખું પણ નહોતું આવડતું પરંતુ ફિલ્મમાં તેણે સદી ફટકારી છે તેવું દર્શાવવાનું છે. કેપ્ટન રસેલને સદી દર્શાવતા ડિરેક્ટર આશુતોષ ગોવારીકરે અને તેમની ટીમે દિવસો સુધી મહેનત કરી ત્યારે તેમને એવા શોટ મળ્યા. સ્પોર્ટસ ફિલ્મોમાં જેટલી ઝડપથી સ્ટોરી ડેવલપ કરી શકાય છે તે પ્રમાણે તેનું શૂટિંગ અણધારી રીતે મોડું પણ થઈ શકે છે.
સ્પોર્ટસ ફિલ્મોમાં અચ્છા અચ્છા ડિરેક્ટરોએ હાથ અજમાવ્યો છે અને તેને સુંદર રીતે ફિલ્મી પડદે લઈ આવ્યા છે. આવી એક ફિલ્મ ‘મુક્કેબાજ’ છે. આ ફિલ્મના ડિરેક્ટર અનુરાગ કશ્યપ છે અને તેમણે ઉત્તર ભારતના એક બોક્સરની કથાવ્યથા દર્શાવી છે. તેમાં તેમણે જ્ઞાતિનો સંઘર્ષ પણ ઉમેર્યો છે. એ રીતે આ ફિલ્મ અદ્વિતીય છે અને લોકોએ તેને પસંદ પણ કરી હતી. તેની કમાણી 10 કરોડ સુધી પહોંચી હતી. સ્પોર્ટસ ફિલ્મોની વાત આવે ત્યારે અચૂક નામ લેવું પડે તેવી ફિલ્મ છે ‘ચક દે ઇન્ડિયા’. આ ફિલ્મના ડિરેક્ટર શિમિત અમીન છે અને તે ફિલ્મ લખી છે જયદીપ સાહનીએ. સાહનીએ આ સ્ટોરી 2002ના કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિયન મહિલા હોકી ટીમના વિજયના આધાર પર ડેવલપ કરી અને તેમાં તેમણે 1982ના એશિયન કપમાં રમનાર મિર રંજન નેગીનું પાત્ર પણ ઉમેર્યું છે. આ રીતે ‘ચક દે ઇન્ડિયા’ની મજબૂત સ્ટોરી સર્જાઈ અને તેને પડદા પર સરસ રીતે લાવવાનું કામ શિમિત અમીને કર્યું. આજે પણ ‘ચક દે ઇન્ડિયા’ જોઈએ તો તેની ફ્રેશનેસ અનુભવાય છે.
હિન્દી ફિલ્મોમાં સ્પોર્ટસ ફિલ્મોનો ટ્રેન્ડ આ સદીના શરૂના દાયકામાં ધીરે ધીરે શરૂ થયો અને હવે તો એમ લાગે છે કે તમામ સ્પોર્ટસ પર્સાનિલિટી પણ જાણે ફિલ્મનો વિષય હોય તે રીતે ફિલ્મ બને છે. એ રીતે ‘એમ. એસ. ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી’ નામની ફિલ્મ બની. આ ફિલ્મ ધોનીના જીવન પર છે. ધોનીના જીવનમાં નાના ટાઉનથી આવેલા યુવાનની સ્ટોરી છે, જે દેશની ક્રિકેટ ટીમનો સફળ કેપ્ટન બને છે. તે શાંત છે, ધીર ગંભીર છે અને ક્રિકેટ પર તે ફોક્સ્ડ છે. ઉપરાંત તેના જીવનમાં પ્રેમકહાની પણ છે.
આમ ધોનીના જીવનના અનેક કિસ્સા એવા છે જે ફિલ્મનો હિસ્સો બની શકે એમ હતા. તે બન્યા પણ ખરા અને ફિલ્મ 104 કરોડની આસપાસ બની હતી અને તેની કમાણી 200 કરોડની ઉપર પહોંચી હતી. સ્પોર્ટસ ફિલ્મના બોક્સ ઓફિસના આંકડા જોઈએ તો પણ ખ્યાલ આવે કે કેમ આ ફિલ્મો બનાવાનું ચલણ વધ્યું છે અને એટલે જ ‘અઝહર’ પર સુદ્ધાં ફિલ્મ બની ચૂકી છે. તેન્ડુલકર પર પણ ફિલ્મ બની છે પરંતુ તેનો પ્રકાર ડોક્યુમેન્ટરીનો છે. સ્પોર્ટસ પર્સાનિલિટીને ફિલ્મોમાં હૂબહૂ લાવી શકવું પડકારભર્યું છે પણ તેમાં રહેતો પ્રોફિટ અને આપોઆપ મળતી પબ્લિસિટી પણ તે પડકારને થોડો હળવો કરે છે અને એટલે ‘ભાગ મિલ્ખા ભાગ’ નિર્માણ થઈ શકી. ભારતના દોડવીર મિલ્ખાસિંઘના જીવન આધારિત આ ફિલ્મ રીલિઝ થઈ ત્યાં સુધી તો મિલ્ખા સિંઘના રનર તરીકેની કારકિર્દીને પૂર્ણવિરામ મુકાયાને બે દાયકા થઈ ચૂક્યા હતા.
પરંતુ મિલ્ખા સિંઘની સ્ટોરીમાં દમ હતો, તેમાં મિલ્ખા સિંઘની દેશ વિભાજન વેળાએ પરિવાર ખોયાની પીડા હતી, તેમનો અંગત સંઘર્ષ હતો, અદમ્ય પ્રેમ અને તેનો વિરહ પણ તેમની સ્ટોરીમાં હતો. ઉપરાંત, આ સ્ટોરીને પડદા પર લાવવાનું કામ રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કર્યું છે. તેમણે હૂબહૂ મિલ્ખાને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે અને પડદા પર તે પ્રયાસ નિખરે છે તેમાં એક કારણ મિલ્ખા સિંઘની ભૂમિકા ભજવનાર ફરહાન અખ્તર પણ છે.
આજે પણ ભારત જેવા દેશમાં સ્પોર્ટસ ક્ષેત્રે કાઠું કાઠવું અશક્ય લાગે છે. ક્રિકેટ સિવાયની ગેમમાં તો ખાસ. બોક્સિંગ હોય અને તેમાં પણ મહિલા બોક્સિંગ હોય અને તે મહિલા બોક્સર જ્યારે પૂર્વીય રાજ્યોમાંથી આવતી હોય તો તેનો સંઘર્ષ બેવડાઈ જાય. મેરી કોમના આ સંઘર્ષને ડિરેક્ટર ઓમંગ કુમાર સરસ રીતે પડદે લઈ આવ્યા છે. તેમાં પણ પ્રિયંકા ચોપરાએ મેરી કોમને પડદે જીવંત કરવામાં ખાસ્સી એવી મહેનત કરી છે. મેરી કોમના સંઘર્ષના અનેક પાસાં હતાં, જે ફિલ્મોમાં દર્શાવાયા છે. એ રીતે ‘કૌન પ્રવીણ તાંબે?’ નામની ફિલ્મ થોડા વખત પહેલાં ડિઝની હોટસ્ટાર પર રીલિઝ થઈ હતી. મુંબઈના પ્રવીણ તાંબેની સ્ટોરી તેમાં દર્શાવાઈ છે. તેણે 40 વર્ષની ઉંમરે IPLમાં પ્રવેશ કર્યો. ક્રિકેટરો જે ઉંમરે નિવૃત્તિ લે તે ઉંમરે પ્રવીણ તાંબેએ IPL ટીમમાં પ્રવેશ કર્યો અને પછી તેનું પર્ફોમન્સ સુધરતું જ ગયું અને તે પૂરી સફર ફિલ્મી પડદે સરસ રીતે દર્શાવાઈ છે.
આજે OTT પ્લેટફોર્મના કારણે કન્ટેન્ટની ડિમાન્ડ વધી છે અને તેમાં લોકો સમક્ષ જે સ્પોર્ટસ પર્સનાલિટી ઉભરે છે તેની સ્ટોરી જાણવામાં સૌને રસ પડે અને જ્યારે તેનું ફિલ્માંકન સારી રીતે થાય તો તેની બોક્સ ઓફિસ પર સફળ થવાની ગેરન્ટી વધી જાય છે એટલે હવે સ્પોર્ટસ ફિલ્મોની બોલબાલા વધી છે.