ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કિનારે આવેલું એક ગામ નામે ભાડભૂત, જ્યાં 18 વર્ષે મેળો ભરાય. મારું પ્રાથમિક શિક્ષણ ધો.6 સુધી ત્યાં થયું. ભૂતકાળમાં ત્યાં અને આજુબાજુના વિસ્તારોમાં લોકોને ભૂત વળગતું. રવિવારે ભૂવાના ઘરે ભૂત ભગાડવા લાંબી લાઈન લાગે. કેટલાક દર્દીને તો સાંકળથી બાંધેલ હોય અને ભૂવાની સારવાર મળતાં તે સ્વસ્થ થઈ ચાલવા માંડે. નવરાત્રિમાં 9 દિવસ ભૂવા સાધના કરે અને ગામ લોકો દશેરાના દિવસે ભૂવાની પરીક્ષા લે. પરીક્ષામાં ગામના રસ્તા પર જે તે ભૂવાના નામજોગ એક લીંબુ દાંટી દેવામાં આવે અને ભૂવાએ શોધી કાઢવાનું તો પાસ. બધા ભૂવા પાસ થઈને સીધા નર્મદા નદીમાં સ્નાન કરે. આખું ગામ આ પ્રસંગમાં સામેલ હોય.
અમે બાળકો પણ કુતૂહલથી ભાગીદાર બનતા. માધ્યમિક શાળામાં જવું હોય તો બાજુના ગામે જવું પડે. ગામનું નામ ભૂવા. આ ભૂત અને ભૂવાની વાતો ન્યારી છે. આ નામ કેમ રખાયા તે સંશોધનનો વિષય છે. આજે ભૂતોએ ત્યાંથી વિદાય લીધાની માહિતી છે. આજે એ ભૂત અને ભૂવા યાદ એટલે યાદ આવ્યા કે સંસ્કારી નગરી નવસારીને ચોમાસામાં ભૂવાનગરી નામ આપવામાં આવે છે. તે માટે કેટલાક કારણો છે. અલબત્ત ચોમાસામાં હળવાથી ભારે વરસાદ અથવા અતિભારે વરસાદની શકયતા હોય છે. સારો વરસાદ થયે સિઝનનો કેટલા ટકા વરસાદ થયો – થઈ ચૂક્યો, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે.
વરસાદ બાબતે હવામાન વિભાગની આગાહી ક્યારેક સાચી – ખોટી પડી શકે. ખેડૂતોને રાહત થાય. વાદળ ફાટે તો વળી મુશ્કેલ. હાલ સામાન્ય વરસાદમાં નવસારીમાં 3 ભૂવા પડ્યા છે. દર વર્ષે નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમ તરફ ભૂવાની વાત સામાન્ય ઘટના ગણાય. લોકોને પણ જાણે આદત પડી ગઈ છે. નાના ભૂવા પછી 7 – 8 ફૂટ ઊંડા બનતા પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે. ભૂવાનું સમારકામ થયા પછી જે તે જગ્યાએ કાદવ – કીચડમાં લોકોની હાલત કફોડી બને છે. ચોમાસામાં આ ભૂત કાયમી વળગે છે. તે ભૂવાનું કાંઈ કરવું જ જોઈએ. વરસાદને ગાળો ભાંડો તે અયોગ્ય ગણાય. કાયમી ઉકેલ શોધવો જોઈએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.