ઉમરપાડા: હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગામી બે દિવસ યલો એલર્ટ(Yellow Alert) અને ત્યારબાદ રેડ એલર્ટ(Red Alert)ની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જિલ્લાના ઉમરપાડા(Umarpada) તાલુકામાં આભ ફાટ્યું(Cloud Bust) છે. 8 કલાકમાં 13 ઇંચ વરસાદ(Rain) ખાબકતા નીચાણવાળા વિસ્તારો તો ઠીક રસ્તાઓ પર પણ નદીઓ વહેતી જોવા મળી હતી. વરસાદ ખાબકતાં મોટા ભાગના રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો અને જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદનાં પગલે ઉમરપાડા તાલુકાનાં 7 ગામ(Village) સંપર્ક વિહોણા(Contactless) થયા છે. ભારે વરસાદનાં પગલે ઉમરપાડામાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જયારે SDRFની એક ટીમ આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે મહાનગર પાલિકા સહિત જિલ્લા કલેકટરનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ
સવારે 6થી 2 વાગ્યા સુધીમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે સાત જેટલાં ગામ સંપર્કવિહાણો થયાં છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની મોહન નદીમાં પૂરની સ્થિતિથી ચારણી ગામથી તાબદા તરફ જોડતો માર્ગ સંપર્કવિહોણા બન્યો હતો. આ સાથે તાબદા, ભૂતબેડા, ખેડીપડા, ઉમરઝર, કેવડી જેવાં ગામો સંપર્કવિહોણાં થયાં છે. સવારથી ભારે વરસાદને પગલે ઉમરપાડાથી કેવડી તરફ જતાં માર્ગ પર પાણી ભરી વળતાં તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપ હાલ આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભારે વરસાદને કારણે ઉમરપાડામાં નદી – નાળાઓ છલ્લોછલ્લ વહેતા જોવા મળી રહ્યા છે.
મોહન નદી બે કાંઠે
ઉમરપાડા તાલુકાનાં ઉમરઝર, કેવડી, ઉમરપાડા, ચારણી સહિતનાં ગામડાંમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ઉમરપાડા તાલુકામાં પસાર થતી મોહન નદી બે કાંઠે વહી રહી છે. દર વર્ષે ઉમરપાડામાં દક્ષિણ ગુજરાતના સૌથી વધુ વરસાદ નોંધાય છે. ઉમરપાડામાં 8 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતાં પાણી પાણી થઈ ગયું છે. સુરત અને તાપી જિલ્લામાં વરસાદ નોંધાતાં તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ઉમરપાડા તાલુકામાં વરસાદ થતાં જળાશયોની આસપાસનાં ગામો સંપર્કવિહોણા થયાં છે. વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થિતિઓ પર નજર રાખવા માટે સ્થાનિક સ્તરે અધિકારીઓને સૂચના આપી દીધી છે.