Editorial

પાકિસ્તાન જે રીતે ચીનની મદદ લઇ રહ્યું છે તે જોતા આગામી દિવસમાં તેની હાલત પણ શ્રીલંકા જેવી જ થશે

કોલંબો, તા. ૯: આપણા પાડોશી ટાપુ દેશ શ્રીલંકામાં મહિનાઓથી ચાલી રહેલી આર્થિક સંકટને કારણે ચાલતા તનાવની આજે જાણે પરાકાષ્ઠા આવી ગઇ હતી અને જનતાના અકળાયેલા વર્ગે આજે મોટા પ્રમાણમાં પ્રમુખ આવાસ પર ધસારો કરીને આ આવાસમાં પ્રવેશ કરીને તેનો કબજો લઇ લીધો હતો. મોડી રાત સુધી પણ અનેક આંદોલનકારીઓ પ્રમુખીય આવાસની અંદર હતા જ્યારે પ્રમુખ ગોટાબાયા રાજાપક્શેને આ હુમલા પહેલા જ કોઇ સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. બીજી બાજુ જનતાનો આક્રોશ જોઇને એક સર્વપક્ષીય સરકાર રચવા માટેનો માર્ગ મોકળો કરવા વડાપ્રધાન રનિલ વિક્રમસિંઘેએ આજે રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી.

જ્યારે મોડી રાત્રે મળતા અહેવાલ મુજબ આંદોલનકારીઓએ વડાપ્રધાન વિક્રમસિંઘેના એક ખાનગી ઘરને આગ ચાંપી હતી. આજે આંદોલનકારીઓએ ભારે તોફાન મચાવતા શ્રીલંકામાં, ખાસ કરીને રાજધાની કોલંબોમાં ભારે તનાવના દ્રશ્યો સર્જાયા હતા. પ્રમુખીય આવાસમાં આંદોલનકારીઓ ઘૂસી ગયા બાદ સ્થિતિ સરકારના હાથમાંથી નીકળી જતી લાગી હતી અને વડાપ્રધાન રનીલ વિક્રમસિંઘેએ રાજીનામુ આપવાની તૈયારી બતાવી હતી અને તેના પછી મોડી સાંજે તેમણે રાજીનામુ આપી દીધું હોવાના અહેવાલ આવ્યા હતા. તેઓ નવી સર્વપક્ષીય સરકાર રચાય ત્યાં સુધી  વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે એમ તેમની કચેરીએ જણાવ્યુ હતું. શ્રીલંકામાં ઘણા સપ્તાહોથી તીવ્ર આર્થિક કટોકટી ચાલી રહી છે.

પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણોની સખત તંગી છે અને ખાદ્ય વસ્તુઓના ભાવ ખૂબ વધી ગયા છે. વારંવાર વિજકાપ મૂકવો પડે છે આથી લોકોમાં અકળામણ ઘણી વધી ગઇ છે અને નિષ્ફળતા બદલ લોકોમાં સરકાર સામે ભારે રોષ છે. પ્રમુખ આવાસ પર હુમલો થવાની આશંકાએ શ્રીલંકન પ્રમુખ ગોટાબાયા રાજપકશેને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. જો કે તેઓ ક્યાં છે તેની રાત સુધી પણ કોઇ માહિતી મળી ન હતી. તેમને કોઇ ગુપ્ત સ્થળે રખાયા હોવાનું મનાય છે તો એક બિનસમર્થિત અહેવાલ મુજબ તેઓ દેશ છોડીને ભાગી છૂટ્યા છે. એક જહાજમાં કેટલીક સૂટકેસો લોડ થતી દેખાઇ હતી અને આ જહાજમાં તેઓ ભાગી છૂટ્યા હોવાની ચર્ચા છે.

બીજી બાજુ, વડાપ્રધાન વિક્રમસિંઘે પણ વિમાનમાં દેશ છોડીને ભાગી ગયા હોવાની ચર્ચા શરૂ થઇ હતી.  શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમના ઘરેથી ભાગી ગયા છે. કારણ કે, શનિવારે વિરોધીઓએ તેમના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું અને હુમલો કર્યો હતો. એમ સમાચાર એજન્સી એએફપીએ સંરક્ષણ સ્ત્રોત અને સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો હતો.દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં બે પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા.રાજધાની કોલંબોમાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવા માટે હજારો વિરોધીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી અને બેરિકેડ્સનો ભંગ કર્યો હતો.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, સપ્તાહના અંતે આયોજિત રેલી પહેલાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને શુક્રવારે સત્તાવાર પરિસરમાંથી દૂર કરવામાં આવ્યા હતા. વિરોધીઓએ ફેસબુક પર સુરક્ષા ઉલ્લંઘનનું લાઇવ-સ્ટ્રીમિંગ કર્યું હતું. વીડિયો ક્લિપ્સમાં લોકોને રાજપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે તેઓ મહેલની ઇમારતના રૂમ અને કોરિડોરમાંથી કૂચ કરી રહ્યા હતા. ઘણા લોકો વસાહતી-યુગની ઇમારતની બહારના મેદાનમાં આસપાસ ફરતા હતા, જેમાં કોઈ સુરક્ષા અધિકારીઓ દેખાતા ન હતા.

ગોટબાયા રાજપક્ષે નિવૃત્ત લશ્કરી અધિકારી છે. લશ્કર છોડયા બાદ ગોટબાયા અમેરિકા જતાં રહ્યાં હતાં. મોટા ભાઇ મહિન્દા રાજપક્ષે ૨૦૦૫માં પ્રમુખ બન્યા પછી  શ્રીલંકા પાછા આવ્યા ત્યારે સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરી બનાવીને અમર્યાદિત સત્તાઓ  અપાઈ હતી. ગોટબાયાએ આ સત્તાનો દુરૂપયોગ પોતાના વિરોધીઓએને કચડી નાંખવા માટે કર્યો. ગોટબાયાને તમિલ તરફ ભારે નફરત હોવાથી તમિલો પર તો કાળો કેર વર્તાવી દીધો. ગોટબાયા ચીનના પીઠ્ઠુ હોવાથી મહિન્દા રાજપક્ષેના શાસનનાં દસ વર્ષમાં ચીને શ્રીલંકામાં પગપેસારો કરી નાંખ્યો. ભારતના વિરોધ વચ્ચે મહિન્દા રાજપક્ષેએ ચીન પાસેથી કરોડો ડોલર ઉધાર લીધાં અને શ્રીલંકાના બંદરો ચીનને સોંપી દીધાં. લંકાનાં બંદરો પર ચીનનાં થાણાં બની ગયાં ને ચીનની સબમરિનો લંકાના દરિયામાં ફરતી થઈ ગઈ.

ચીને લંકામાં વિશાળ બંદરનું નિર્માણ કર્યું છે. તેના ખર્ચના નામે શ્રીલંકાને ચીને દેવાના ડુંગર હેઠળ દબાવી દીધું છે. લંકાના માથે એકલા ચીનનું જ પાંચ અબજ ડોલરથી વધારે દેવું હોવાનું કહેવાય છે. ચીનને હિંદ મહાસાગરમાં પોતાનો સંપૂર્ણ કબજો જોઈએ છે તેથી લંકાનાં બંદરો પર ડોળો છે. આ કારણે હવે લંકાનું નાક દબાવીને આર્થિક રીતે બરબાદ કરી રહ્યું છે. શ્રીલંકાની આ હાલત માટે સ્થાનિક નેતાઓએ લીધેલા કેટલાક નિર્ણય તો જવાબદાર છે જે પરંતુ સાથે સાથે ચીન પણ એટલું જ જવાબદાર છે. અને સૌથી મહત્વની વાત તો એ છે, પાકિસ્તાન જે રીતે ચીન સાથે જુદા જુદા કરારો કરી રહ્યું છે તે જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, પાકિસ્તાન પણ શ્રીલંકાની દિશામાં જ આગળ વધી રહ્યું છે.

પાકિસ્તાનથી અમેરિકા દૂર થઇ ગયું છે એટલે તેણે ચીન તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે કારણ કે, પાકિસ્તાન સારી રીતે જાણે છે કે, ચીન અને ભારતના સંબંધ સારા નથી. પાકિસ્તાન એવુ સમજે છે કે, ચીન સાથે સંબંધ કેળવીને તે ભારતનું નાક દબાવી શકશે પરંતુ એવું નથી. ભારતની વિદેશ નિતી અને સ્થિરતા તેનું સૌથી સબળ પાસુ છે. જે રીતે પાકિસ્તાન ચીન સાથે મળીને જુદા જુદા પ્રોજેક્ટ કરી રહ્યું છે તે જોતા એ દિવસ દૂર નથી કે, પાકિસ્તાનની હાલત પણ ચીન જેવી જ થઇ જશે. કારણ કે, ચીન હંમેશા તેના હિત જ જૂએ છે અને શ્રીલંકાને આ ભૂલ જ ભારે પડી ગઇ છે.

Most Popular

To Top